બોરસદનાં સ્થાનિકોએ જળસંગ્રહ માટે અપનાવી અનોખી પદ્ધતિ, અન્યો માટે બન્યા પ્રેરણાદાયી

ભવિષ્યમાં જળ સંકટની સમસ્યા સર્જાવાની ભીતિને લઈને વડાપ્રધાન દ્વારા જળ સંચય માટે આહવાન કર્યું છે ત્યારે આણંદ જીલ્લાના બોરસદ શહેરની જુદી જુદી 5 સોસાયરીના રહીશોએ વરસાદનું તેમજ એક્વાગાર્ડ અને ઘર વપરાશના પાણીને રિવર્સ બોર દ્વારા પાણીની જમીનમાં વ્યવસ્થા કરી છે. જળસંગ્રહમાં વધારો તથા વરસાદી પાણીનો વેડફાટ અટકાવવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે. સરેરાશ વર્ષે દાડે 300 મકાનમાલિકો 1.5 કરોડ લીટર પાણી જમીનમાં ઉતારીને તેનું શુદ્ધીકરણ કરી રહ્યાં છે. તેઓના આ પ્રયાસ સરાહનીય છે. અન્ય સોસાયટીના રહીશો માટે પ્રેરણા દાયી બન્યો છે.

બોરસદની સંસ્કાર, સંકલ્પ, સમર્થ, સહજાનંદ સહિત અનેક સોસાયટીના રહીશોએ જળસંગ્રહ માટે વરસાદી પાણી સહિત ઘરના વેસ્ટ પાણી ખોટુ ના વેડફાઇ તે માટે વર્ષોથી રિવર્સબોરની સિસ્ટમ અપનાવીને પર્યાવરણને જાળવવામાં મદદ રૂપ બની રહ્યાં છે. અન્ય ગામોના લોકો પણ તેમાંથી પ્રેરણા લઇને આ પદ્ધતિ અપનાવે તો જળસંગ્રહ શક્તિમાં વર્ષે દાહડે 2થી 5 ટકાનો વધારો કરી શકાય છે.

3 વર્ષ પૂર્વે બોરસદની સંસ્કાર પાર્ક સોસાયટીના રહીશોએ સોસાયટીના વરસાદનું પાણી તેમજ સોસાયટીના 25થી વધુ મકાનોમાંનું એક્વાગાર્ડ અને ઘર વપરાશનું વેસ્ટેજ વહી જતું પાણી રિવર્સ બોર દ્વારા જમીનમાં ઉતારવામાં આવે છે. સોસાયટીમાં અગાઉ વરસાદના પાણીના નિકાલ માટેની વ્યવસ્થા નહીં હોવાથી પાણી ભરાવાની સમસ્યા થતાં જળ સંચયનું આયોજન કરાયું છે. આ ઉપરાંત સમર્થ, સહજાનંદ અને સંકલ્પ સહિત આજુબાજુની સોસાયટીના 300થી વધુ મકાનો વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે રિવર્સબોર બનાવાયા છે.

વરસાદી પાણી ભરાતાં જળસગ્રંહનો વિચાર

3 વર્ષ અગાઉ ચોમાસામાં વરસાદ પડે ત્યારે સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જેથી તેના કાયમી નિવારણ માટે સોસાયટીના રહીશોએ 2 રિવર્સબોર બનાવીને વરસાદી પાણી સહિત ઘરવપરાશનું પાણી શુદ્ધ કરીને જમીનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં સફળ પણ થયા હતા. પાણી ભરાવાની સમસ્યાનો અંત આવ્યો. – મેહુલભાઈ પટેલ, સ્થાનિક રહીશ.

કુદરતી જળસંપત્તિ બચાવવામાં અમે સૌ સહભાગી બન્યા, તેનો આનંદ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળ સંચયનો સંદેશ અપાયો છે. ત્યારે સોસાયટીના રહીશોએ આ વિચારને અમલ મૂકીને પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ શોધી કાઢયું હતું. માત્ર 50 હજારના નજીવા ખર્ચે રિવર્સ બોર બનાવીને પાણી વેસ્ટ જતું અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે કુદરતી સંપતિને બચાવવામાં અમે સૌ સહભાગી બન્યા છે જે અમારા માટે આનંદની વાત છે. સોસાયટીના રહીશો દ્વારા જળ એજ જીવનનો સૂત્ર આપી અન્ય સોસાયટીના રહીશોને પણ તેઓ જળ સંચય માટેનો સંદેશ આપી રહ્યા છે. આપણે જળ બચાવીસુ તો જ આપણી આવનારી પેઢીને જળ સંકટનો સામનો કરવો પડશે નહીં. – મંદાકીનીબેન પંડ્યા, સ્થાનિક રહીશ.

300 મકાનોના રહીશો પાણી જમીનમાં ઉતારે

ચોમાસામાં વરસાદ પડે ત્યારે 4 માસ દરમિયાન તમામ સોસાયટીના મકાનોમાંથી 1 કરોડ લીટરથી વધુ પાણી ખોટુ વહી જતું હતું. તેમજ ઘરવપરાશ તથા એક્વાગાર્ડનો વેસ્ટ પાણી મળીને 50 લાખ લીટર પાણીનો બગાડ અંદાજે થતો હતો. તે તમામ સોસાયટીના રહીશોના પ્રયાસથી રિવર્સબોર દ્વારા પાણી શુદ્ધ કરીને જમીનમાં ઉતારવામાં આવે છે. – વિજય પટેલ, સ્થાનિક રહીશ બોરસદ

રિચાર્જ બોરથી પાણી શુદ્ધ કરી જમીનમાં ઉતારી જળસગ્રંહ શક્તિ વધારી શકાય

વરસાદી તથા વેસ્ટ પાણી પાઇપ લાઇન દ્વારા ભૂગર્ભ ચેમ્બર્સમાં ઉતારવામાં આવે છે. સોસાયટીમાં 5 ચેમ્બર બનાવાઈ છે. આ ચેમ્બર્સમાં પાણી 1 કુવામાં ઉતારવામાં ‌આવે છે. જ્યાં કચરો જમીનમાં બેસી ગયા બાદ સ્વચ્છ પાણી પાઇપ લાઇન દ્વારા 250 ફૂટ ઊંડા રિવર્સ બોર દ્વારા જમીનમાં ઉતારવામાં આવે છે. 40 ફુટ બાય 40 ફુટના બનાવેલા કુવામાં પથ્થરો નાખી 250 ફુટ ઉંડો રિવર્સબોર બનાવેલો છે. જેથી રિચાર્જ બોરમાં માત્ર સ્વચ્છ પાણી જ ઉતરવામાં આવે છે. જમીનમાં સ્વચ્છ પાણી ઉતરે રિચાર્જ બોર દ્વારા ઉતારાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો