અમેરિકાની રહેવાસી 37 વર્ષીય એમી બ્રુક્સનો જન્મ હાથ-પગ વિના થયો હતો. હાથ-પગ વગરની બાળકીનો જન્મ થતા તેના માતા-પિતાએ એમીને ત્યજી દીધી હતી. તે સમયે પિટ્સબર્ગના એક બ્રુક્સ પરિવારે એમીને દત્તક લીધી. આ પરિવારે એમીનો આત્મવિશ્વાસ વધારીને તેને પગભર બનાવી. એમીએ તેની શારીરિક ખોડને જ પોતાની તાકાત બનાવી. આજે એમી કુકીંગથી લઈને સિલાઈ, ફોટોગ્રાફી અને ડિઝાઇનિંગ સુધીના કામ કરવાની આવડત ધરાવે છે. એટલું જ નહીં પણ તે મોટિવેશનલ સ્પીકર બનીને લોકોને પ્રેરણા આપી રહી છે.
‘હાઉ ડઝ શી ડુ ઈટ’ યુટ્યુબ ચેનલ
એમી પોતાની યુટ્યુબ ચેનલ ‘હાઉ ડઝ શી ડુ ઈટ’ ચલાવે છે. એમીએ કહ્યું કે મારા જન્મ સમયે મારા માતા-પિતાએ હોસ્પિટલના સ્ટાફને કીધું કે મને એક રૂમમાં પૂરી દેવામાં આવે અને જમવાનું પણ ન આપે. મારા અડગ આત્મવિશ્વાસને કારણે હું આજે આ મુકામ સુધી પહોંચી છું. હું મારા મોં, દાઢી અને ખભાની મદદથી ફોટોગ્રાફી કરું છું. પોતાના વીડિયો બનાવું છું. આ સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકોને કંઈ પણ બોલવાની છૂટ હોય છે. મારા વીડિયો પર લોકો નેગેટિવ કમેન્ટ પણ કરે છે, પણ હું માત્ર પોઝિટિવ કમેન્ટ પર જ ધ્યાન આપું છું. નેગેટિવ કમેન્ટ પર ધ્યાન આપીને હું મારો સમય વેસ્ટ કરવા માગતી નથી.
25 વીડિયો પોસ્ટ કર્યા છે
એમીની યુટ્યુબ ચેનલના 22 હજાર સબસ્ક્રાઇબર્સ છે. વીડિયો દ્વારા એમી રોજિંદા જીવનમાં હાથ-પગ વગર કેવી રીતે કામ કરે છે તે લોકોને જણાવે છે. આ વીડિયોમાં એમી બ્રશ કરતી, માથું ઓળતી, કાર ચલાવતી, ફોટોગ્રાફી કરતી, ભોજન જમતી, શાક સમારતી, કપડાં સંકેલતી અને ગિફ્ટ પેક કરતી જોઈ શકાય છે.
જીંદગીની સૌથી મોટી સિદ્ધિ
એમીએ કહ્યું કે મારી જિંદગીમાં મારી સૌથી મોટી સિદ્ધિ સિલાઈકામ શીખવાની છે. હું સિલાઈકામથી હેન્ડબેગ બનાવીને ઓનલાઇન વેચું છું. મારા પેરેન્ટ્સને એવું જ લાગતું જતું કે હું ઇન્ડિપેન્ડન્ટ બનીશ અને તેમણે મને ક્યારેય એવું લાગવા પણ નથી દીધું કે મારે હાથ-પગ નથી. મને માતા-પિતા તરફથી ઘણો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અને મને દત્તક લીધી છે તે વાતનો અહેસાસ પણ થવા દીધો નથી. હંમેશાં કોઈ પણ પરિસ્થિતિમાં મારા માતા-પિતાએ મને પ્રોત્સાહન આપ્યું છે.
દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..