બીલીના ઝાડમાં આવતું ફળ શરીર માટે છે ખૂબ જ ગુણકારી, પેટ માટે તો વરદાન રૂપ છે બીલું જાણો તેના ફાયદા અને ઉપયોગ

શાસ્ત્રોમાં બીલીના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. તેમાં આવતાં બીલીપત્ર શિવજીને અતિપ્રિય હોય છે. પણ તેમાં આવતું ફળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે. આપણે બીજાં ફળોના ગુણ વિશે જાણીએ છીએ, તેની અંદર કેટલાં પોષકતત્વો હોય છે તે વિશે પણ દરેક જગ્યાએ વાંચ્યુ હશે એ જ રીતે આ ફળ પણ બીજાં ફળની માફક જ ગુણકારી છે. આયુર્વેદમાં બીલાના અનેક ગુણો વર્ણવવામાં આવ્યા છે. ખાસ કરીને પેટ માટે તેને વરદાન રૂપ ગણવામાં આવે છે. જે વ્યક્તિને હરસની તકલીફ હોય, પેટની ગરમી હોય કે પાચનની તકલીફ હોય તેમના માટે આ ફળ શ્રેષ્ઠ ઔષધ સાબિત થાય છે. બીલીના ફળનો રસ પીવાથી શરીર ડિહાઇડ્રેટ નથી થતું. બોડીમાં સુગર લેવલ જળવાઇ રહે છે, ત્વચા માટે પણ તે લાભદાયી છે.

બીલીના ફળનાં પોષકતત્ત્વો અને ફાયદા

બીલાનો ૮૪% ભાગ પાણીનો ભરેલો હોય છે, તેથી આ ફળના રસને ખાસ ઉનાળામાં પીવાની સલાહ આપવામાં આવે છે, જેથી કરીને શરીર ડિહાઇડ્રેટ ન થાય. તેમાં પ્રોટીન, વિટામિન, વસા, કાર્બોહાઇડ્રેટ અને ઝિંકની સારી માત્રા હોય છે, જે શરીર માટે ગુણકારી છે. બીલામાં રહેલું વિટામિન સી અને ટેનિન તેના મહત્ત્વને વધારે છે, જ્યારે મિનરલ્સની વાત કરીએ તો કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝિંકની ભરપૂર માત્રા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયી છે. જે વ્યક્તિને ડિહાઇડ્રેશનને કારણે, ડાયેરિયાને કારણે નબળાઇ આવી ગઇ હોય, શરીરનું પાણી ઘટી ગયું હોય તે લોકો જો બીલાનો રસ પીવે તો તરત ફેર દેખાય છે તેમજ શરીરમાંથી વહી ગયેલું પાણીનું લેવલ સરભર થાય છે.

આ ફળની વિશેષતા એ છે કે તેનો ટેસ્ટ સારો હોવાની સાથે સાથે તે પચવામાં ખૂબ જ સરળ છે. તેના આ ગુણને જોઇને જ બીમારીમાં તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. જે વ્યક્તિને કમળો કે ટાઇફોઇડ થયો હોય તેઓ બીલાનો રસ પી શકે છે. તે પેટની બળતરાને શાંત પાડે છે. જે વ્યક્તિને રોજ પેટની બળતરાની સમસ્યા હોય, રોજ એસિડિટી કે અપચાથી પીડાતી હોય તેઓ માટે બીલાનો રસ વરદાનસમાન માનવામાં આવે છે. તેનામાં રહેલાં પોષકતત્ત્વો આ સમસ્યાને દૂર કરે છે. વધારે પડતી ઊલટી થતી હોય તો તેમાં પણ આ ફળ ખાવાથી કે તેનો રસ પીવાથી રાહત મળે છે. આંતરડામાં ઇન્ફેક્શન થયું હોય, તેમાં બેક્ટેરિયા થઇ ગયા હોય તો તેનો નાશ પણ કરે છે. તેના આટલા ગુણોને કારણે જ બીલાને પેટ માટે વરદાન રૂપ કહેવામાં આવ્યું છે.

બીલાનો ઉપયોગ

નાનાં ગામોમાં આજે પણ પેટને લગતી કોઇ સમસ્યા સતાવે એટલે વડીલો બીલું મતલબ કે બીલીનું ફળ ખાવાની સલાહ આપે છે. પાઇલ્સની પીડા હોય, પેટની ગરમી હોય તો તેના માટે પણ આ ફળ ખૂબ જ લાભદાયી છે. તે પેટની ગરમી, તજા ગરમીને દૂર કરે છે. પેટમાં ઠંડક પહોંચાડે છે અને પાઇલ્સમાં પણ રાહત આપે છે. તમે બીલાના અંદરના ભાગને ચપ્પાથી કાપી તેની ઉપર થોડું મીઠું અને કાળા મરીનો ભુક્કો નાખીને તેનું સેવન કરી શકો છો. બીલાનો રસ પણ ઘણો જ ગુણકારી છે. પેટ કે આંતરડાની સમસ્યા હોય તો બીલાનું જ્યૂસ બનાવીને તેમાં થોડું સંચળ તેમજ કાળા મરીનો પાઉડર નાખી તેને મિક્સ કરી દિવસમાં બે વાર પીવો. દિવસમાં બે વાર પીવાથી પેટની દરેક સમસ્યા દૂર થઇ જશે.

આયુર્વેદમાં લોહીને શુદ્ધ કરવા માટે પણ આ ફળનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે. જેને લોહીવિકાર હોય અને તેને કારણે ચામડીને લગતી સમસ્યા સતાવતી હોય તો ૫૦ મિલીગ્રામ બીલાના રસને ગરમ પાણી અને ખાંડમાં મિક્સ કરીને સવાર-સાંજ તેનું સેવન કરવું. તેનાથી લોહી શુદ્ધ થશે સાથે સાથે જેને ખરજવાની, કરોળિયાની તકલીફ હોય તે પણ દૂર થશે. નાનાં બાળકોને ચામડીમાં ચળ કે કરોળિયા ખૂબ થતા હોય છે, તેમને બીલાનો રસ પીવડાવવો જોઇએ.

માહિતી સૌજન્ય : વેદપ્રકાશ શાસ્ત્રી

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો