જમ્મુમાં બસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કરાયો, 18 લોકો ઘાયલ, પોલીસે આખા વિસ્તારની કરી ઘેરાબંધી

જમ્મુની એક બસમાં આજે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ ધડાકો એક બસની અંદર થયો છે. ધડાકાની માહિતી મળતાં જ જમ્મુ-કાશ્મીર પોલીસ સ્થળ પર પહોંચી ગઇ અને આખા વિસ્તારની નાકાબંધી કરી લીધી છે. જે જગ્યાએ બ્લાસ્ટ થયો છે તે ભીડભાડવાળો વિસ્તાર છે. એવામાં પોલીસ તરત ત્યાં પહોંચી લોકોને ત્યાંથી હટાવી રહ્યાં છે. હાઈ એલર્ટ પર ચાલી રહેલા જમ્મુ-કાશ્મીરમાં એક બસ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ હુમલામાં 18 લોકો ઘાયલ થયા છે.

આ બ્લાસ્ટ રાજ્ય પરિવહનની બસમાં થયો છે. જે દરમ્યાન આ બ્લાસ્ટ થયો ત્યારે બસ જમ્મુના બસ સ્ટેશન પર જ ઉભી હતી. કેટલાંક મુસાફરો આ દરમ્યાન બસમાં સવાર હતા. બ્લાસ્ટમાં ઘાયલ થયેલાં મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાસ્થળ પર પોલીસ ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે. નોંધનીય છે કે, આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં પણ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી હંદવાડા અને કુપવાડાની ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર એક શંકાસ્પદ હુમલાખોરે બસ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. 14મી ફેબ્રુઆરીના રોજ કાશ્મીર ખીણમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદથી જ જમ્મુ-કાશ્મીર હાઇએલર્ટ પર છે. આ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઇ ગઇ છે. રીપોર્ટ પ્રમાણે હુમલામાં ચાઇનીઝ ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે આ વિસ્તાર આતંકવાદીઓનાં નિશાને રહ્યો છે. અત્યારે આ વિસ્તારને સુરક્ષાકર્મીએ ઘેરી લીધો છે. આ હુમલાનો ઉદ્દેશ સાંપ્રદાયિક તણાવ ઉભો કરવાનું માનવામાં આવી રહ્યું છે. આવામાં તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે અફવાઓ પર ધ્યાન આપવામાં ના આવે. જમ્મૂ-કાશ્મીરની જનતાને શાંતિ જાળવા માટે અપીલ કરવામાં આવી છે.

જુઓ વીડિયો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો