આ ચટપટી વાનગી અમદાવાદમાં ખૂબ જ લોકપ્રિય છે. કંઈક ટેસ્ટી અને ચટપટુ ખાઈને પેટ ભરવાની ઈચ્છા હોય ત્યારે ખાવા-પીવાના શોખીનોને ભૂંગળા બટેટા પહેલા યાદ આવી જાય. તમે મોટેભાગે આ ડિશ બહાર જ ખાધી હશે પરંતુ તમે ઘરે પણ આસાનીથી આ વાનગી બનાવી શકો છો.
સામગ્રીઃ
ચારેક વ્યક્તિ માટે ભૂંગળા બટેટા બનાવવા માટે તમારે નીચે મુજબની સામગ્રી જોઈશે.
- 20થી 25 નંગ ભૂંગળા
- તળવા માટે તેલ
- 250 ગ્રામ જેટલા બટેટા
- 2 ટામેટા
- 1 ડુંગળી
- 5થી 7 કળી જેટલુ લસણ
- 1 કે 2 લીલા મરચા
- આદુનો નાનો ટુકડો
- અડધુ લીંબુ
- અડધી વાટકી ઝીણી સમારેલી કોથમીર
- પા ચમચી જીરુ
- ચપટી હીંગ
- દોઢ ચમચી લાલ મરચા પાવડર
- પા ચમચી હળદર
- એક ચમચી ધાણાજીરુ
- અડધી ચમચી ગરમ મસાલો
- 2 મોટી ચમચી ખાંડ
- સ્વાદાનુસાર નમક
બટેટા બાફવાની રીતઃ
આ વાનગીમાં છાલ સાથે બટેટા નથી બાફવાના. બટેટાની પહેલા છાલ ઉતારો. તેના એકાદ ઈંચ જેવડા ટુકડા કરો. ત્યાર પછી કૂકરમાં થોડુ પાણી અને મીઠુ ઉમેરી ત્રણથી ચાર સીટી વાગે ત્યાં સુધી તેને બાફી લો અને કૂકર ઠંડુ થવા દો.
ભૂંગળા તળોઃ
બટેટા બફાય ત્યાં સુધીમાં 20થી 25 નંગ ભૂંગળા તળીને સાઈડમાં તૈયાર રાખો.
પેસ્ટ તૈયાર કરોઃ
ટમેટાના ટુકડા કરો અને શક્ય હોય તો તેમાંથી બી વાળો ભાગ અલગ તારવી લો. તેમાં ડુંગળી, લસણ, મરચુ અને આદુ ઉમેરીને તેને મિક્સરમાં બરાબર પીસીને પ્યુરી તૈયાર કરી લો.
વઘારવાની રીતઃ
એક કડાઈમાં પૂરતુ તેલ લઈને તેલ ગરમ થાય એટલે જીરુ નાંખો. જીરુ તતડે ત્યાર બાદ હીંગનો વઘાર કરીને મિક્સરમાં તૈયાર કરેલી પેસ્ટ તેમાં નાંખી દો અને તેને ધીમાથી મધ્યમ ગેસ પર સંતળાવા દો. જ્યાં સુધી તેલ પેસ્ટથી છૂટુ ન પડે ત્યાં સુધી તેને સાંતળો.
મસાલો કરવાની રીતઃ
પેસ્ટમાંથી તેલ છૂટુ પડે એટલે તેમાં પેસ્ટ જેટલુ મીઠુ ઉમેરો. બટેટા બાફવામાં મીઠુ નાંખ્યુ હોવાથી મીઠુ ડબલ ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખો. ત્યાર બાદ તેમાં લાલ મરચુ, હળદર, ગરમ મસાલો, ધાણા જીરુ વગેરે મસાલો ઉમેરી તેને સાંતળો.
સર્વ કરવાની રીતઃ
પેસ્ટમાં બરાબર મસાલો સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા બટેટા ઉમેરી લો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને તેના પર કોથમીર ભભરાવી દો. તમે લીલી ડુંગળી કે લીંબુ સાથે આ ડિશ સર્વ કરીશકો છો. તમે ઈચ્છો તો ઉપરથી ગળી અને લીલી ચટણી ઉમેરી શકો છો. આ મસાલાવાળા બટેટાને તળેલા ભૂંગળાની સાથે સર્વ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..