બાળકોથી માંડીને વૃદ્ધો સાપ કે જીવ-જતુંને જોતા તરત જ ડરી જાય છે. તેઓના પગો પણ થંભી જાય છે. આવી જ હાલત વાપીની એક દિકરીની હતી. જેેને અળસિયા અને જીવ-જંતુથી બહુ ડર લાગતો હતો, પરંતુ પતિની પ્રેરણાંથી અાખરે ડરને માત આપી આ મહિલાએ છેલ્લા 8 વર્ષમાં કુલ 5 હજારથી વધુ ઝેરી અને બિન ઝેરી સાપોને ઝડપી ફોરેસ્ટ વિભાગને હવાલે કરી નારી શકિત તરીકે સમાજમાં ઉમદા કામગીરી કરી રહી છે. સોનવાડાની મહિલા આજે પારડી,વાપી અને ભીલાડ સુધી મફત સાપો પકડવા નિ:સ્વાર્થ સેવા બજાવી રહી છે.
ભીલાડ સુધીના વિસ્તારોમાંથી ઝેરી ક્રોબા
વાપી કોળીવાડમાં રહેતી ભાવનાબેન ગુલાબભાઇ પટેલની ઉ.વ.19ની હતી ત્યારે તેમના લગ્ન પારડીના સોનવાડા ખાતે રહેતાં શૈલેષ મોહનભાઇ પટેલ સાથે થયા હતાં. એક રૂઢિચુસ્ત પરિવારમાં રહેતી ભાવનનેા ચોમાસામાં અળસિયા નિકળતા ડર લાગતો હતો. અકસ્માતોને પણ જોઇ ન શકતી આ મહિલાને સામાજિક કામગીરી માટે પતિએ પ્રેરણાં આપી હતી. તેણે સમાજ અને પરિવારના ડરને સાઇટ પર મુકી મારે કાંઇક સમાજ માટે કરવું છે તેવી લાગણી સાથે પારડી જીવદયા ગૃપના સભ્યો સાથે જીવ-જંતુ પકડવાની ટ્રેનિંગ લીધી હતી.
મહાકાય અજગર વગેરે સરીસૃપોને ઝડપી વનવિભાગને સોંપી દેવાય છે
ધીમે-ધીમે ભાવનાએ પોતાના ગામ અને આજુબાજુના વિસ્તારમાં સાપો પકડવાનું શરૂ કર્યું હતું. આ તેમની સફર છેલ્લા 8 વર્ષથી યથાવત ચાલી રહી છે. પારડી,ગોઇમા, ઉદવાડા ,મોરાઇ,વાપી ,ભીલાડ સહિતના વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ 5 હજારથી વધુ સાપોને તેમણે ઝડપી પાડી ફોરેસ્ટ વિભાગના હવાલે કર્યા છે. બે સંતાનોની દેખ-ભાળ સાથે અા મહિલા જીવના જોખમે સાપો ઝડપવાની નિ:શુલ્ક સેવા સમાજમાં પુરી પાડી રહી છે.
અમારે ત્યાં નિયમિત પણે રજિસ્ટ્રરમાં એન્ટ્રી થાય છે
જીવ દયા ગૃપના ભાવના બેન લાંબા સમયથી સાપોને ઝડપીને ચણવઇ ,મોરાઇ અને અન્ય સ્થળે ફોરેસ્ટ વિભાગના હવાલે કરે છે. છેલ્લા થોડા વર્ષોથી સાપ ફોરેસ્ટને હવાલે થતાં એન્ટ્રી થાય છે. પરંતુ ભાવનાબેને અંદાજે 5 હજારથી વધુ સાપો પકડયા છે. આ વિસ્તારમાં તેઓ ઘણા સક્રિય છે- કનુભાઇ પટેલ, બીટગાર્ડ,ફોરેસ્ટ વિભાગ ,વલસાડ
15 ફુટ ઉપર પતરા પરથી સાપને ઝડપ્યો
સલવાવના એક ઘરની ઉપર સાપ ભરાયો હોવાનો કોલ ભાવનાબેન પર આવ્યો હતો. ઘરની ઉપરના પતરામાંથી સાપને ઝડપવો અતિ મુશ્કેલ હોય છે. હિમંત સાથે ભાવનાએ સીડી મુકી એકલા હાથે સાપને ઝડપ્યો હતો. આજે આ પ્રસંગે તે ભુલી શકે તેમ નથી.
સાપ તો પકડાયો પણ ડબ્બો ન હતો
ચોમાસામાં ઉમરગામ કરમબેલાના એક ઝૂંપડામાં સાપ ભરાયો હતો, તરત જ પહોંચી સાપને ઝડપી તો પાડયો પણ મુકવા માટે ડબ્બો જ ન હતો. દોઢ કલાક બાદ આજુબાજુમાંથી ડબ્બો મળતા રાહત થઇ હતી.
સીધી વાત ભાવનાબેન પટેલ, સાપ પકડનાર
* અળસિયાથી ડરતા હતા તો હજારો સાપો કેવી રીતે પકડી પાડયા?
– 19 વર્ષ સુધી જીવજંતુનો ડર લાગતો હતો, પરંતુ પતિ પણ પહેલાં સાપો પકડવા જતા હતાં. જેને જોઇને મનમાંથી ડર નિકળી ગયો હતો.
* કેટલી વખત સાપોને પકડતાં તમને ઇજા થઇ છે?
– સાપ કયાં છુપાયેલો છે તેની સાચી માહિતીને આધારે કામગીરી થાય છે. એક પણ વખત સાપે ડંખ માર્યો નથી, સાપ પકડવાની એક કળા હોય છે.
* મહિલાઓને શું સંદેશો આપવા માગો છો?
– સ્ત્રી હવે નબળી નથી.પોતાના બાળકોને ઉંચ શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો તમામ મહિલાઓએ કરવા જોઇએ.