ગ્લોબલ વોર્મિંગને કારણે દિવસેને દિવસે ગરમીના તાપમાનમાં વધારો થતો રહે છે. રાજકોટમાં પણ પર્યાવરણના અભાવે છેલ્લા કેટલાક વર્ષોથી આકરી ગરમી લોકો સહન કરી રહ્યાં છે, ત્યારે શહેરમાં પડી રહેલી આકરી ગરમી સામે નેચર એન્ડ એડવેન્ચર ક્લબનાં ભરતભાઇ સુરેજા અને તેમની ટીમે પર્યાવરણનું બીડું ઝડપ્યું છે. તેમણે નાનામવા વિસ્તારના જીવરાજપાર્ક આસપાસની કોર્પોરેશનની જુદી જુદી 4 જમીનોમાં અસંખ્ય વક્ષો ઉગાડી ઓક્સિજન પાર્ક શરૂ કરવાનું અનોખું અભિયાન શરૂ કર્યું છે.
ભરતભાઇએ આ ઓક્સિજન પાર્ક વિશે વાત કરતાં જણાવ્યું કે, ‘જીવરાજપાર્ક વિસ્તારનો દિવસેને દિવસે વિકાસ થઇ રહ્યો છે, પરંતુ ઘર દીઠ બે વૃક્ષ હોવા જોઇએ તે નથી. જેથી આ વિસ્તારની સરકારી જમીનોમાં વૃક્ષો ઉગાડવાનું અભિયાન શરૂ કર્યું. એક જ વિસ્તારમાં નજીક નજીક 3000 હજારથી વધુ ઝાડ હોય તે વિસ્તારની ગરમીમાં 7 ડિગ્રી જેટલી ગરમીનો ઘટાડો થાય છે. તેથી અમે જાપાની સિસ્ટમ મુજબ 4 હજાર ચોરસ મીટર સરકારી જમીનમાં 95 જાતના વિવિધ ઝાડ ઉગાડવા ટીમ સાથે કાર્ય શરૂ કર્યું. આ અભિયાનમાં શહેરની ઘણી સ્કૂલોના વિદ્યાર્થીઓએ પણ યોગદાન આપ્યું. અહીંના ઓક્સિજન પાર્કમાં હરડે, બેહડા, આંબળા, રૂખડો, ચંપાની સાત જાત, ચાર જાતના વડલા, જંગલી બદામ, ગ્લેરેસેડિયા, પીપળો જેવા વૃક્ષો ઉગાડી તેની માવજત કરી રહ્યાં છીએ.’
ગ્લેરેસેડિયાના ઝાડથી નાઈટ્રોજનનું પ્રમાણ ખૂબ જ વધે છે
ગ્લેરેસેડિયા નામનું ઝાડ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આ ઝાડથી નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ જ વધે છે. 4-5 વીઘા ખેતીની જમીન ધરાવતા ખેડૂત તેમના વાડી-ખેતરમાં માત્ર એક જ ઝાડ ઉગાડે તો તેમને ખાતરનો બહુ ઓછો ઉપયોગ કરવો પડે છે.