૨૫ વર્ષના યુવાન ખેડુત ભગીરથભાઈ ધામેલીયા કેરી મહોત્સવના આયોજન દ્રારા ખેડુતોની આવક કરી રહ્યા છે બમણી.

વર્તમાન સમયમાં યુવાનો ખેતીથી દુર ભાગી રહ્યા છે. ખેતી ખર્ચાળ અને મહેનત માંગી લે તેવી બનતી જાય છે. આવકની વૃધ્ધિ થતી ન હોવા થી યુવાનો અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે. આવા સમયમાં અનેક યુવાનોના પ્રેરણારૂપ માત્ર ૨૫ વર્ષના યુવાન ખેડુત ભગીરથભાઈ ધામેલીયા જેઓ પોતાની ખેતીની સારી ગુણાવત્તાની ઉપજ સીધા જ બજારમાં વેચીને બમણી આવક કમાઈ રહ્યા છે.

મોટા ભાગના ખેડુતો નવા પ્રયોગ અને સાહસ કરવામાં ગભરાતા હોય છે ત્યારે ભગીરથભાઈ અન્ય ખેડુતોને સાથે લઈને કેસર કેરી મહોત્સવનું આયોજન કરી પોતાની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મેળવી રહ્યા છે. તેઓએ ગીર કૃષિ વસંત કંપની ની સ્થાપના કરી તેમની સાથે અન્ય ખેડૂતોને જોડી ખેડુતોની આવક બમણી કરવાના પ્રયાસને સાર્થક કરી રહ્યા છે. આજે તેઓ પોતાની કોઠાસૂઝ અને વિવેકબુદ્ધધિથી કંપનીનું સફળ સંચાલન કરી રહ્યા છે. કેસર કેરી મહોત્સવનું આયોજન થકી મળેલ સફળતાને જણાવતા કહે છે કે મોટા ખેડુતો જ કીર્તિ અને નામના મેળવી શકે એવું નથી. યુવાન ખેડુત પણ જો ખેતી ખંતથી કરે તો ધન અને કીર્તિ બંને કમાઈ શકે.

ભગીરથભાઈ ગીર સોમનાથ જીલ્લાના જામવાળા ગીર ગામમાં ૩૦ વિઘાનું પોતાનું આંબાવાડિયું ધરાવે છે. તેમના પિતાશ્રી વર્ષોથી કેસર કેરીનું ઉત્પાદન કરી તેઓ વેચાણ અર્થે માર્કેટ યાર્ડમાં મોકલતા હતા. માર્કેટ યાર્ડમાં પોષણક્ષમ ભાવ મળતા ન હતા. ઘર ચલાવવા પિતાજીને બેન્કમાથી અવાર નવાર લોન લેવી પડતી હતી. ૨૨ વર્ષની ઉમરે ખેતીની જવાબદારી સ્વીકારી અને પોતાની ખેત પેદાશ સીધા જ બજારમાં વેચવાનું નક્કી કર્યું.

શરૂઆતના વર્ષોમાં ખૂબ જ મુશ્કેલીઓ વેઠી હતી. છેલ્લા 4 વર્ષથી તેઓ ખુદ કેસર કેરી મહોત્સવનું આયોજન અમદાવાદ અને ગાંધીનગર ખાતે કરી રહ્યા છે. કેસર કેરી મહોત્સવની સફળતા માટે તેઓ અવનવી આધુનિક તકનીકી અપનાવે છે. સોશિયલ મીડિયા થકી તેઓ ગ્રાહક અને ખેડુત સાથે જોડાયેલ રહે છે. મહોત્સવમાં ભાગ લઈ રહેલને નાણાકીય વ્યવહારમાં સરળતા રહે તે માટે તેઓ POS મશીનનો પણ ઉપયોગ કરે છે. કેસર કેરી મહોત્સવમાં ભાગ લઈ રહેલ ખેડુત મણીલાલ વેકરીયા જણાવે છે કે મહોત્સવના આયોજન થકી કેરીનાં સારા ભાવ મેળવી રહ્યા છે અને વેપારીના શોષણથી મુક્ત થયા છીએ. બીજા ખેડુત નંદભાઈ પાટોળીયા જણાવે છે કે મહોત્સવથકી અમે સીધા બજાર સાથે જોડાઈ ગયા છીએ. અમારા ખેત પેદાશની કિમત થવા લાગી છે.

ભગીરથભાઈ પોતાના બગીચામાં જાતે બોક્સના પેકિંગ કરી તેમને વેચાણ અર્થે શહેરમા મોકલે છે. કેરી ઉતારવાની બાબતમાં તેઓ જણાવે છે કે પાક પર આવેલ કેરી જ વેડાથી ઉતારવી જોઈએ. તેમના બગીચામાં કેરીનાં રસીયા સાંખનું ફળ લેવા માટે દુર દુરથી આવતા હોય છે. કેસર કેરી વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે સારી ગુણવતાની કાર્બાઈડ ફ્રી કેસર કેરી આપવાથી લેનારને સંપૂર્ણ સંતોષ થાય છે. આજે ગીરની કેસર કેરીના નામે વેપારીઓ ભેળસેળ કરી રહ્યા છે. આમ જનતાને ઓર્ગેનિકના નામે કાર્બાઈડવાળી કેરી ખવડાવી છેતરી રહ્યા છે. મહોત્સવમાં વર્ષોથી કેરીની ખરીદી કરતાં સાબીરભાઈ જણાવે છે કે વર્ષોથી કેસર કેરી અમો મહોત્સવમાથી જ લઈએ છીએ.

પાલનપુરથી આવતા લોકો વારંવાર આજીજી કરે છે કે આવો કેસર કેરી મહોત્સવ અમારા શહેરમાં આવીને પણ કરો. ગીર કેસર કેરીને ભૌગોલિક ઓળખ GI નંબર ૧૮૫ આપવામાં આવ્યો છે. ગુજરાતમાંથી આવી ઓળખ પ્રાપ્ત કરનાર પ્રથમ ફળ છે અને દેશમાથી દશહેરી પછી બીજું ફળ છે.

ભગીરથભાઈ અને તેમના સાથી ખેડુત મિત્રો ગુજરાત એગ્રો, આત્મા, બાગાયત ખાતું, ગુજપ્રો અને નાબાર્ડ સાથે જોડાયેલ છે. આવી સંસ્થાનો આભાર આપતા જણાવે છે કે સરકારની વિવિધ યોજના થકી ખેડુત જરૂર આર્થિક મુશ્કેલીમથી બહાર આવી શકશે. ભગીરથભાઈ સંસ્થાકીય તાલીમમાં પણ ભાગ લે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો