બધાંના ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી ખવાય છે પણ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા-જુદા લોટ અને મલ્ટીગ્રેન લોટ ખાવાનું પણ અત્યારે ચલણ વધ્યું છે. જોકે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. આ સિઝનમાં બાજરીના રોટલા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. જેના વિશે ઘણાં લોકો નહીં જાણતા હોય. સૌથી પહેલાં તો આ શિયાળામાં બોડીને ગરમાવો આપે છે. સાથે જ તેમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જેથી બાજરીના રોટલા ન માત્ર શિયાળામાં પાચનતંત્ર સારું રાખે છે પણ ગંભીર બીમારીઓ સામે પણ બચાવે છે. તો ચાલો આજે જાણી લો તેના ફાયદા.
હાર્ટ માટે છે બેસ્ટ
બાજરીના રોટલા શિયાળામાં હાર્ટના દર્દીઓને રાહત અને શક્તિ આપે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ સંબંધી બીમારી થવાનો ખતરો ઘટે છે. સાથે જ તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે.
હાડકાંઓ માટે છે બેસ્ટ
હાડકાંઓને મજબૂત રાખવા માટે બાજરી બેસ્ટ ઓપ્શન છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. જેથી બાજરીના રોટલાનું સેવન હાડકાંઓને હેલ્ધી રાખે છે. સાથે જ શિયાળામાં રોજ તેને ખાવાથી તે બોડીમાં કેલ્શિયમની કમી થવા દેતું નથી. જેનાથી ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો પણ ઘટે છે.
એનર્જીનો બેસ્ટ સોર્સ
શિયાળામાં એનર્જી લેવલ ઓછું થઈ જાય છે. એવામાં બાજરીના રોટલા ખાવાથી બોડીને એનર્જી અને તાકાત મળે છે. બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે જેથી તેને ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને શરીર અંદર અને બાહરથી પણ ઊર્જાવાન રહે છે.
પાચનતંત્રને બનાવે છે મજબૂત
બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જેથી તે સરળતાથી પચી જાય છે અને પાચનને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. કબજિયાત અને ગેસથી પરેશાન હો તો પેટની સમસ્યાઓને ખતમ કરે છે બાજરી.
ડાયાબિટીસમાં બેસ્ટ
ઘણાં સંશોધનમાં આ વાત સામે આવી છે કે બાજરીના રોટલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે. આ સિવાય વજન ઘટાડવામાં પણ બાજરીના રોટલા મદદ કરે છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.