‘વાયુ’ વાવાઝોડાની અસર: દીવ અને ઉનામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ

વાયુ વાવાઝોડુ આજે રાત્રે કે કાલે સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દસ્તક દેશે. ત્યારે વાવાઝોડાને લઇને દીવમાં ધીમા ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ઉનામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તેમજ ધૂળની ડમરીઓ ઉડી રહી છે.

દીવનો દરિયામાં કરંડ જોવા મળ્યો

વૌયુ વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દરિયામાં 300 જેટલું કિલોમીટર દૂર છે. ત્યારે તેની અસર દીવના દરિયામાં જોવા મળી રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળ્યો છે અને ઉચા મોજા ઉછળી રહ્યા છે. દીવનો દરિયો વાવાઝોડાને લઇને ગાંડોતૂર બન્યો છે.

પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ

દીવના દરિયાની જેમ પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના દરિયામાં ગઇકાલથી કરંટ જોવા મળી રહ્યો છે. જ્યારે વેરાવળના દરિયામાં સવારથી જ ઉચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં મોજા ઉછળવાને કારણે તંત્ર પણ પૂરજોશમાં વાયુ વાવાઝોડાનો સામનો કરવા સજ્જ બન્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના 10 જિલ્લા હોઈ એલર્ટ પર છે. આ તમામ જિલ્લામાં વાવાઝોડાં પૂર્વે તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. રાજ્યના 4.5 લાખ જેટલા માછીમારોને એસએમએસથી એલર્ટ કરાયા છે. કિનારા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાશે તો તેમના માટે શેલ્ટર હોમમાં ભોજન, પાણી, વીજળીની વ્યવસ્થા માટે તંત્રને કામે લગાડાયું. પુરવઠા વિભાગ દ્વારા કલેક્ટરો અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી 5 લાખ ફૂડ પેકેટ, પાણીના પાઉચ સાથે તૈયાર કરી સૌરાષ્ટ્ર-કચ્છ રવાના કરાશે. શહેરી વિસ્તારોમાંથી મોટાં હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

ગીર સોમનાથ:13 સિંહોને સુરક્ષિત જગ્યાએ મોકલાશે

ગીર સોમનાથના વેરાવળ તાલુકના આઠ ગામ સુત્રાપાડાના 7 ઉનાના ૧૭ અને કોડીનારના 8 હોઈ એલર્ટ પર છે. સોમનાથ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં રોડ ઉપર આવેલ મોટા મોટા હોલ્ડિંગ ઉતારી લેવાયા છે. લોકોને દરિયાથી દૂર રહેવા સૂચના અપાઈ રહી છે. દરિયા વિસ્તારમાં વસતા ૧૭૭૬૮ લોકો ુ સ્થાંળતર કરવામાં આવી રહ્યું છે જિલ્લામાં NDRFની 2 ફાળવવાઈ છે જેમા એક ઉના ખાતે અને બીજી એક ટીમ વેરાવળ ખાતે રહે છે જે આજે આવી પહોંચશે. જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારોમાં રહેલા 13 સિંહોને સલામત સ્થળે ખસેડાશે.

જૂનાગઢ:50 શાળાઓને આશ્રયસ્થાન બનાવાઈ

જૂનાગઢ જિલ્લાનાં 4 તાલુકાઓને વધુ અસર થવાની શક્યતા છે જેના પગલે જિલ્લામાં એનડીઆરએફની 2 ટીમ અને આર્મીની 1 ટુકડી તૈનાત કરાશે. માળિયા હાટીના તાલુકાના 5 ગામોનાં 4301 લોકોને અસર થવાની શક્યતા છે, ત્યાં 4 સાઇક્લોન સેન્ટર્સ તૈયાર કરાયાં છે, માંગરોળ તાલુકાના 16 ગામોનાં 29,205 લોકોને અસર થવાની શક્યતા છે. 2 ટ્રક, 3 જેસીબી, 8 ટ્રેક્ટર, 1 ફાયર ફાઇટર તૈયાર રખાયું છે. કેશોદ તાલુકના 7 ગામોનાં 16,417 લોકોને અસર થવાની શક્યતા છે. જિલ્લામાં 50થી વધુ સ્કૂલો આશ્રયસ્થાન તરીકે નક્કી કરાઈ છે.

પોરબંદર:દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાડાયું
પોરબંદર દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાડાયું છે. વાવાઝોડાને પગલે ભારે પવન અને ભારે વરસાદને લીધે નિચાણવાળા વિસ્તારના લોકોને ખસેડવા સરકારી મકાનો અને શાળાઓને આશ્રયસ્થાન બનાવવા માટે અત્યારથી જ નક્કી કરી દેવામાં આવી છે. પોરબંદર જિલ્લાના ત્રણ તાલુકા પોરબંદર, રાણાવાવ અને કુતિયાણાના તમામ ગામો માટે એક-એક ખાસ રેસક્યુ ટીમ બનાવી દેવામાં આવી છે. દરિયાકાંઠા સહીતના કુલ 80 ગામની 172205 વસ્તીને તથા જિલ્લાના પોરબંદર અને છાંયા 2 શહેરની 333609 વસ્તીને અસર થવાની શક્યતા છે.

જામનગર: હવાઇમાર્ગે NDRFની 7 ટીમ આવી

સંભવિત વાવાઝોડાના પગલે વિશાખાપટ્ટનમથી હવાઇમાર્ગે એનડીઆરએફની સાત ટુકડી જામનગર મંગળવારે રાત્રીના આવી પહોંચી હતી.કાંઠાળ વિસ્તારોના 25 ગામોમાં હાઇએલર્ટ જાહેર કરી લોકોના સ્થળાતંરની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. પીજીવસીએલ,જીએમબી,કલેકટર કચેરી અને જામનગર મહાનગરપાલિકા દ્વારા 24 કલાક કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. રાહતસામગ્રી,આરોગ્યની સુવિધા માટે પણ તૈયારી કરી છે.કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે જવાની સૂચના આપી છે.

દેવભૂમિ દ્વારકા:ગોમતી નદીમાં નાહવા ન પડવા સૂચના

દરિયામાં,બીચ વિસ્તારો,ગોમતી નદીમાં ન્હાવા ન પડવા સૂચના આપવામાં આવી છે.માછીમારી બોટ પરત ફરતા બંદરો પર બોટના ખડકલા થયા છે. તાલુકા સ્તરે કન્ટ્રોલરૂમ શરૂ કરવા અને જિલ્લાના કાંઠાળ વિસ્તારોમાંથી લોકોને શાળા તેમજ અન્ય સલામત સ્થળે સ્થાળાતંર કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી સેવા અચોક્કસ મુદત સુધી બંધ કરાઈ. શહેરની જૂની અને જર્જરિત 24 જેટલી ઇમારતોમાં રહેતા લોકોની સલામતી માટે મકાન ખાલી કરાવામાં આવે તે માટેના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો

દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાં સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મહુવા તાલુકામાં સાંજે 5 વાગ્યા બાદ અચાનક ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ડોલવણ તેમજ પાટી ગામમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થતાં અંદાજિત પાંચથી વધુ ફળીયાઓમાં 25થી વધુ ઘરોનાં છાપરાં ઊડી જતાં લોકોને મુશ્કેલી પડી ગઈ હતી. અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડું ગુજરાતના કિનારે પહોંચે તે પહેલાં જ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો