પાકિસ્તાનના બાલાકોટમં સ્થિત જૈશ-એ-મોહમ્મદના અડ્ડા પર ભારતે ફાઇટર જેટ વડે હુમલો કરી અનેક આતંકવાદીઓ સાથે કેમ્પનો પણ સફાયો બોલાવી દીધો હતો. આ હુમલા માટે સ્પાઈસ-2000 ગાઈડેડ બોમ્બની કોમ્પ્યુટર મેમરીને ઉપગ્રહ દ્વારા મળેલી તસવીરો અને ચોક્કસ ભૌગોલિક જાણકારી દ્વારા ભરવામાં આવ્યા હતા. જે બાદ તેને ભારતીય વાયુસેના દ્વારા ગ્વાલિયર એરફોર્સ સ્ટેશન ખાતે તહેનાત મિરાજ-2000 વિમાનોમાં લોડ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં મુખ્ય ઉદ્દેશ્યનું ચોક્કસાઈ પૂર્વક આતંકવાદીઓના ઠેકાણાંઓનો સફાયો કરવાનો હતો જેનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
મિરાજના બોમ્બમાં કેમ્પનો નક્શો અને સેટેલાઇટ ઈમેજ સ્ટોર કરાયા
26 ફેબ્રુઆરીએ જ્યારે મિરાજ-2000 વિમાનની કોમ્પ્યુટર સ્ક્રીન પર હથિયાર લોન્ચ કરવાનો મેસેજ આવ્યો તો પાક દ્વારા કબ્જો કરાયેલ કાશ્મીરના 2થી 10 કિમી વિસ્તારમાં અંદર સુધી ગયા બાદ તેને ટારગેટ પર છોડાવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના કારણે બોમ્બ પોતાના લક્ષ્યથી ભટકે તેવી શક્યતા નહીવત રહી જતી હતી. એક ઉચ્ચ સંરક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ ‘પ્લેનની નેવિગેશન સીકર સિસ્ટમની મદદથી આ બોમ્બ દાગી દો અને પછી ભૂલી જાવ. સ્પાઇસ-2000 બોમ્બ 50થી 60 કિમીના અંતરેથી પણ જૈશ-એ-મોહમ્મદના 4થી 6 ઠેકાણાંઓને લક્ષ્ય રાખી નેસ્તનાબૂદ કરવા માટે સક્ષમ છે. પછી તેમાં ભૂલચૂક થાય તેવી કોઈ શક્યતા જ નથી રહેતી.’
પૂર્ણ તકેદારી સાથે આતંકવાદી કેમ્પોનો નાશ
અમારા સહયોગી અખબરા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને મળેલી જાણકારી અનુસાર રડાર અને સુખોઈ-30MKI ફાઇટર જેટ દ્વારા લેવામાં આવેલ હુમલા પહેલાની અને પછીની તસવીરોથી સ્પષ્ટ થાય છે કે તમામ આતંકી કેમ્પો જેને લક્ષ્ય કરવામાં આવ્યા હતા ધ્વસ્ત થઈ ગયા છે. સૂત્રોએ કહ્યું કે, ‘આ હુમલામાં ખરેખર કેટલા આતંકવાદી માર્યા ગયા તેનો પરફેક્ટ આકંડો તો મળવો લગભગ અસંભવ જ છે પરંતુ એટલું ચોક્કસ છે કે આતંકવાદીઓને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે.’
આ બોમ્બ ફાટે એટલે આસપાસ રહેલા કોઈના બચવાના ચાન્સ નહીં
તેમણે કહ્યું કે, ‘સ્પાઈસ-200 બોમ્બ પહેલા તો પોતાના ટારગેટની ઉપરની છતને તોડીને અંદર સુધી જાય છે અને પછી એટલા જોરથી શોક અને વિસ્ફોટ પેદા કરે છે કે તેના કારણે તેની આસપાસના તમામ લોકો માર્યા જાય છે. એટલું જ નહીં આ ઓપરેશનમાં પાકિસ્તાનની આંખમાં ધૂળ નાખવા માટે એરફોર્સે કેટલાક ફાઈટર જેટને જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર બહાવલપૂર તરફ વાળ્યા હતા. જેનું પરિણામ એ આવ્યું કે જ્યારે ભારતીય પ્લેન બાલાકોટના આકાશ ફરી આતંકી કેમ્પોને ઘમરોળતા હતા ત્યારે પાકિસ્તાની યુદ્ધ વિમાનો 150 કિમી દૂર હતા. આ રીતે ભારતીય વાયુસેનાએ POK જ નહીં પરંતુ પાકિસ્તાનમાં ખૂબ અંદર સુધી ઘૂસીને હુમલો કર્યો હતો.’
મસૂદ અઝહરના ભાઈએ જાતે કબૂલ્યું
સૌશિયલ મીડિયા પર ઉપલબ્ધ રેકોર્ડિંગમાં મૌલાના અમર ‘માર્કઝ’ (ધાર્મિક શિક્ષણ કેન્દ્ર) પર બોમ્બમારાની નિંદા કરી રહ્યો છે અને જિહાદ શિખવવાની જગ્યાએ ભારતે કરેલા બોમ્બમારાથી ગુસ્સામાં છે. મૌલાના અમર વાઈરલ ઓડિયોમાં કહે છે, આજે દુશ્મનોએ પર્વતો ક્રોસ કરીને આપણી જમીન પર અને ઈસ્લામિક સેન્ટર પર હુમલો કરી બધા જ પ્રશ્નોનો જવાબ આપી દીધો. આ દુશ્મનો દ્વારા યુદ્ધની ઘોષણા છે. ભારતે કરેલી એર સ્ટ્રાઈકના એક દિવસ બાદ પેશાવરમાં એકઠા થયેલા લોકોને આ સ્પીચ આપી હોય તેમ લાગી રહ્યું છે.
જિહાદ સ્કૂલને ટાર્ગેટ કરાતા ગુસ્સામાં
ક્લીપમાં તે આગળ કહે છે, ભારતીય વિમાને કોઈ સેફ હાઉસ કે એજન્સીને ટાર્ગેટ ન બનાવ્યો. તેણે કોઈ હેડ ક્વાર્ટર કે એજન્સી પર બોમ્બમારો નથી કર્યો. તેમણે કાશ્મીરીઓની મદદ માટે જિહાદ ભણતા વિદ્યાર્થીના સેન્ટર પર હુમલો કર્યો. અમર કહે છે, આ કોઈ એજન્સીનો જિહાદ નથી, પોતાની સીમાથી અમારા પર હુમલો કરવા આવીને ભારતે પાકું કર્યું છે કે અમે તેમના વિરુદ્ધ જિહાદ શરૂ કરીએ.