સુરતનો રિક્ષાવાળો પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ બન્યો: વિધવાને પેન્શનના રૂ.2.40 લાખ ભરેલી બેગ પરત કરી, કહ્યું- એટલી દુવા આપી કે 2.40 લાખ નહીં 2 કરોડ મળ્યા હોય એમ લાગ્યું

સુરતમાં ભટારથી ઉધના દરવાજા વચ્ચે રિક્ષાની સીટ પાછળથી મળી આવેલી મુસાફરની 2.40 લાખ રોકડ ભરેલી બેગ રિક્ષા ચાલકે પોલીસની સાથે રહી વિધવા મહિલાને પરત આપી પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ બન્યા છે. રિક્ષા ચાલક અશોક સુદામ ખરાડે કહ્યું હતું કે, બે કમાઉ દીકરા છે અને એક દીકરી છે. રોજના 500 રૂપિયાની આવકમાં સહપરિવાર બે સમયનું ભોજન કરી લઈએ છીએ પછી બેઈમાની કેમ કરું. જ્યારે પીડિત મહિલાએ કહ્યું હતું કે મને કોઈ આશા ન હતી. પતિના સ્વપ્નનું ઘર બનાવવા એમના પેન્શનના રૂપિયા ઉપાડી ઘરે જતી હતી. રિક્ષામાંથી ઉતરી ગયા બાદ હાથમાં બેગ ન હોવાનો અહેસાસ કરતા આંખ છલકાય ગઈ હતી. જોકે ઈમાનદાર રીક્ષાવાળો હતો સામેથી ફોન કરીને કહ્યું હતું કે, બહેન તમારી કિંમતી વસ્તુ મારી પાસે છે ચિંતા ન કરતા.

માત્ર 2 કલાકમાં જ વિધવા બહેનને એમના રૂપિયા ભરેલી બેગ મળી
આરએસ પટેલ (પીએસઆઇ ખટોદરા, ડી સ્ટાફ) એ જણાવ્યું હતું કે લગભગ એક વાગ્યાની આજુબાજુ એક વિધવા મહિલા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને રૂપિયા 2.40 લાખ ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગયા હોવાની ફરિયાદ આપી હતી. તાત્કાલિક સ્થળ વિઝિટ કરી ત્યાંના સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરા ચેક કરી રિક્ષા નંબર મેળવ્યો હતો. રિક્ષાવાળા ભાઈના ઘરે ગયા તો પાડોશીએ કહ્યું કે, એ તો એક મુસાફરના રૂપિયા આપવા પોલીસ સ્ટેશન ગયા છે. બસ અમારી ચિંતા દૂર થઈ અમે પોલીસ સ્ટેશન આવ્યા તો એ ભાઈ મળી આવ્યા આખી હકીકત જણાવી. માત્ર 2 કલાકમાં જ વિધવા બહેનને એમના રૂપિયા ભરેલી બેગ મળી ગઈ, ખૂબ જ આનંદ થયો, પોલીસ કામગીરીના કેરિયરમાં આવા રિક્ષાવાળાને મળીને ખરેખર ખુશી થાય છે.

પોલીસે પણ રિક્ષા ચાલકને સન્માનિત કર્યા.
રૂપિયા ભરેલી બેગ રિક્ષામાંથી લેતા ભૂલી જતા હોંશ ઉડી ગયા
મધુબેન પટેલ (રહે. ડીંડોલી મહાદેવ નગર) મારા સ્વર્ગવાસી પતિ ફાયરમાં કન્ટ્રોલ જમાદાર તરીકે કામ કરતા હતા. એમના મૃત્યુ બાદ બે દીકરા અને એક દીકરી સાથે જીવી રહી છું. બસ મારા પતિની એક જ ઈચ્છા હતી એમના સ્વપ્નનું ઘર બનાવું, આજે ભટાર બેંક ઓફ બરોડામાં એમના પેન્શનના રૂપિયા 2.40 લાખ ઉપાડી ડીંડોલી ઘરે જવા રિક્ષામાં બેસ્યા હતા. ઉધના દરવાજા ઉતરી ગયા બાદ ખબર પડી કે રૂપિયા ભરેલી બેગ રિક્ષાની સીટ પાછળ મૂક્યું હતું એ ત્યાં જ રહી ગયું, હોંશ ઉડી ગયા હતા. તાત્કાલિક પોલીસ સ્ટેશન ગયા તો સાહેબે દોડા દોડી કરી નાખી હતી. આખરે રિક્ષાવાળા ભાઈનો જ ફોન આવ્યોને કહ્યું કે, બહેન તમારી કિંમતી વસ્તુ મારી પાસે છે પોલીસ સ્ટેશન આવી જાઉંને લઈ લો, ભગવાન એમનું આયુષ્ય લાબું કરે અને આખા પરિવાર સાથે સુખ શાંતિથી જીવન જીવે એવી જ પ્રાર્થના કરીશ.

એટલી દુવા આપી કે 2.40 લાખ નહીં 2 કરોડ મળ્યા હોય એમ લાગ્યુંઃ રિક્ષા ચાલક
અશોક સુદામ ખરાડ (રિક્ષા ચાલક) એ કહ્યું હતું કે, સાહેબ આખી જિંદગી રીક્ષા ચલાવી પરિવારનું પાલન પોષણ કર્યું, બે દીકરા અને એક દીકરીને ભણતરના પાઠ ભણાવ્યાં ને નાનકડી રકમ માટે પ્રામાણિકતા છોડું એ હૃદય સ્વીકારતે નહીં, મને ખબર ઘરે ગયા બાદ પડી. રિક્ષાની પાછળની સીટ પાછળ એક બેગ હતું ખોલીને જોયું તો 500ના ચાર બન્ડલ હતા. કેટલાક કાગળ બાકીનો સામાન હતો. બસ કાગળમાંથી એક મોબાઈલ નંબર મળ્યો ને ફોન કર્યો તો એ બહેન જ હતા જેઓ મારા મુસાફર હતા. પરિવારને વાત કરી તો ઘણો આનંદ થયો, પપ્પા ચાલો બેગ આપી આવીએ, બસ પોલીસ સ્ટેશન જ બોલાવી લીધા અને સાહેબની હાજરીમાં રૂપિયા અને બેગ આપી દીધું, સન્માન મળ્યું, એટલી દુવા આપી કે 2.40 લાખ નહીં 2 કરોડ મળ્યા હોય એમ લાગ્યું, પોલીસે સન્માનિત કર્યા ને એમની ગુડ ફ્રેન્ડની ડાયરીમાં નામ લખી લીધું આના કરતાં મોટી રકમ ન મળી શકે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો