પ્રગતિ કે વિકાસ ચાહે વ્યક્તિનો હોય કે દેશનો ; અમુક પાસાઓ આવશ્યક છે. વ્યક્તિ કર્મઠ હોય, નિષ્ઠાવાન હોય, ચારિત્ર્યશીલ હોય અને નિર્વ્યસની હોય તો એની પ્રગતિ નિશ્ચિત છે અને આવી વ્યક્તિઓથી બનેલા દેશની પ્રગતિ પણ નિશ્ચિત છે.
આમ જોવા જઈએ તો માનવ જીવનની ઉત્પતિ સાથેજ વ્યસનનો પણ જન્મ થયો છે. પૌરાણિક સમયમાં પણ માદક દ્રવ્યોનું સેવન એક યા બીજા રૂપે થતું એવું પુરાતન સાહિત્યમાંથી જાણવા મળે છે. જેમ જેમ સમય બદલાયો, નવા નવા સંશોધનો થયા અને લોકોની લાઇફસ્ટાઇલ બદલાઈ એમ એમ વ્યસનના રૂપો અને પદાર્થોમાં પણ ફેરફાર થયા.
આપણે સૌ એ વાત તો સ્વીકારીએ છીએ કે બદલાતા સમય સાથે દરેક વસ્તુ બદલાઈ છે. શિક્ષણ, માહોલ, માનસિકતા અને જીવનશૈલી. આજનો આધુનિક યુગ આપણને ઘણી રીતે ફળદાયી અને આશીર્વાદરૂપ સાબિત થયો છે. બદલાતા સમય સાથે વ્યક્તિનો માનસિક, શારીરિક વિકાસ પણ એની ઉંમર કરતા બમણી ઝડપે વધી રહેલો આપણે જોઈએ છીએ. એક સમયે બાળકને જે સમજણ ૧૮ કે ૨૦ વર્ષે પડતી એ હવે આજના બાળકને ૧૨થી ૧૫ વર્ષે પડવા લાગી છે. ટેકનોલોજી, ફિલ્મો, ઈન્ટરનેટ આ બધાને લઈને બાળક એ બધીજ માહિતી બહુ નાનપણથી ધરાવતો હોય છે જે જાણકારી માટેની એની ઉંમર પણ નથી હોતી. આજે દસથી બાર વર્ષના કિશોરોમાં પણ તમાકુનું વ્યસન જોવા મળે છે. વ્યસનની શરુઆત હિંમત અને બહાદુરી બતાવવાથી અને એક ’અખતરા’ થી થાય છે અને ધીમે ધીમે એ શોખ બને છે ને આમજ શોખ આખરે વ્યસનમાં પરિણમે છે.
વ્યસનનાં કારણનો સર્વે કરતાં એવું જાણવા મળે છે કે આજના ઝડપી અને આધુનિક યુગમાં બદલાતા જીવનધોરણને લઈને અનેક સમસ્યાઓમાં ઘેરાયેલો માણસ માનસિક હતાશા,ચિંતા,થાક, અને નિષ્ફળતા માંથી રાહત મેળવવા માટે વ્યસની બની રહ્યો છે. વ્યસન શબ્દ જોકે આદિકાળથી સંભળાય જ છે પરંતુ એના સ્વરૂપો અને માત્રા અલગ હતા. રાજા રજવાડામાં મદિરા સેવન એ એક શોખ અને વૈભવ ગણાતો. રજવાડામાં અને સાધુઓમાં ચલમ અને હુક્કો પણ પીવાતા. દરબારની ડેલીએ અમલ પણ ઘોળાતા. આ તમામ વ્યસનના જ પ્રકાર છે પરંતુ આજે એના સ્વરૂપો અને માત્રા બદલાઈ છે જે વધુ જોખમી અને ઘાતક પુરવાર થયા છે.
ભારતમાં મુખ્યત્વે તમાકુ તથા દારૂના વ્યસનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. જો કે આ ઉપરાંત ચરસ, ગાંજો, અફીણ, હેરોઇન અને બ્રાઉન શુગરનું વ્યસન પણ યુવાનોમાં જોવા મળે છે. કેટલાક કિસ્સામાં એક સમય પછી વ્યક્તિ ખુદ વ્યસનથી છૂટવા માંગતી હોય છે પરંતુ પછી વ્યસન એને છોડતું નથી હોતું. યુવાનોમાં વ્યસનનું પ્રમાણવધારે જોવા મળે છે. એકંદરે આજની પેઢીમાં ધીરજનો અભાવ જોવા મળે છે જેના લીધે નેની નેની વિપરીત પરિસ્થિતિમાં પણ એ વિચલિત થઈને કોઈને કોઈ વ્યસન તરફ વળી જાય છે. દેખાદેખી, બદલો લેવાની ભાવના, આગળ નીકળી જવાની હોડ અને ક્યાંક પાછળ રાખી દેતા પરિબળો..આ તમામ પરિસ્થિતિ વ્યક્તિને વ્યસન તરફ વાળવા માટે જવાબદાર છે. શ્રીમંત પરિવારના ’બીગડે નવાબો’ પાનના ગલ્લે મોંઘીદાટ બાઇક લઈને સિગારેટના કશ ખેંચતા દેખાય એ દ્રશ્ય રોજનું થયું.
યુવાનો એ દેશનું ભવિષ્ય છે. જે દેશના યુવાનો શિક્ષિત, સ્વસ્થ અને નિર્વ્યસની હશે એ દેશની પ્રગતિ નિશ્ચિત છે. વ્યસની અને રોગિષ્ટ યુવાનો પોતાની સાથે સાથે સમગ્ર દેશનું ભાવિ અંધકારમય બનાવે છે. રાષ્ટ્રના વિકાસ પર વ્યસનની ઘણી માઠી અસર પડે છે. વ્યસનમુક્તિ કે વ્યસન થકી ફેલાતી બીમારીઓને નાબૂદ કરવાના બદલે જો આપણો દેશ વ્યસનમુક્ત હોય તો એ વિકાસના અનેક કર્યો પર ધ્યાન આપી શકે છે.
કિશોરોમાં વ્યસનના મુદ્દે મનોચિકિત્સકો પણ કેટલાય સંશોધનો કરે છે. આ સમસ્યા વ્યક્તિની નહિ રહેતા સમગ્ર દેશની બને છે ત્યારે સૌ પહેલું કામ ઘરથી થવું જોઈએ. આજકાલ દરેક માણસ પોતપોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. કોઈ પાસે એકબીજા માટે સમય નથી. વધતી જતી મોંઘવારી અને આધુનિક જીવનધોરણને લઈને કમાણી અને ખર્ચના છેડાઓ ભેગા કરવામાં વ્યસ્ત માબાપ બાળકની પ્રવૃત્તિથી ઘણીવખત અજાણ હોય છે અને જાણ થતાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે તો ક્યાંક બિઝનેસમાં વ્યસ્ત પિતાને પરિવાર માટે સમય નથી અને પોતાની કિટ્ટી અને કાર્યક્રમો માંથી માતાને બાળક માટે સમય નથી અને આખરે એકલતા અને પ્રશ્નોથી ઘેરાયેલું બાળક વ્યસન તરફ વળે છે. બાળક જ્યારે વ્યસનમાં ડૂબી જાય છે ત્યારે માતાપિતા મનોચિકિત્સકનો આશરો લે છે, કાઉન્સિલરોને મળીને બાળકનું માનસ જાણવા પ્રયાસ કરે છે. કોઈ મનોચિકિત્સક આપણા બાળકનું મન જાણીએ આપણને જણાવે કે આપણા બાળકના મનમાં શુ ચાલી રહ્યું છે? શું બદલાતા સમયનું આ કડવું ફળ નથી? આપણી સંસ્કૃતિ અને સંસ્કાર તથા વેદોની તાકાત તો એવી છે કે ગર્ભમાં રહેલા બાળકનું મન પણ માતાપિતાથી વિશેષ કોઈ ન વાંચી શકે. ઘોડિયામસૂતેલ બાળકનું રુદન સમજવાના ક્યાંક ક્લાસિસ નથી હોતા એ તો માતાના હ્ર્દયમાં પડઘાતું હોય છે અને દરેક મા એના બાળકના રુદન પાછળનું કારણ જાણતી જ હોય છે.પોતાનું બાળક વ્યસનની ભોગ ન બને એ જોવાની પહેલી ફરજ માતાપિતાની છે. આજકાલ વિભક્ત કુટુંબપ્રથાનો વધતો જતો કોન્સેપ્ટ પણ એટલોજ જવાબદાર છે. બાળકને સમય આપીને એને ઉદભવતા પ્રશ્નોના નિરાકરણ લાવવાની જવાબદારી માતાપિતાની છે. જે બાળક માતાપિતા અને પરિવારજનો પાસે ખુલી જશે એને વ્યસન ક્યારેય નહીં વળગે. બીજી જવાબદારી શિક્ષકોની છે. શિક્ષકો એ બાળકનો આદર્શ હોય છે. કેટલાક એવા પણ કિસ્સાઓ જોયા છે જેમાં માધ્યમિક શાળાનો વિદ્યાર્થી પોતાના શિક્ષકો માટે માવો-ફાકી-ગુટકા લેવા જતો હોય એટલુંજ નહિ, વિદ્યાર્થીની ફાકીની પડીકી માંથી શિક્ષક ચપટો ભરતો હોય એ પણ અતિશયોક્તિ નથી. બાળકને વ્યસનમુક્તિના પાઠ ઘર અને શાળાથીજ ભણાવવા આવશ્યક છે.
વ્યસન એ વ્યક્તિગત નહિ પરંતુ સામાજિક પ્રશ્ન હોઈ સમાજે જ નાબૂદીનું અભિયાન ઉપાડી લેવું રહ્યું. સરકાર પણ આ માટે કેટકેટલા અભિયાન હાથ ધરી રહી છે ત્યારે આપણે પણ જાગૃત નાગરિક તરીકે સ્વસ્થ સમાજરચનમાં આપણો હીસ્સો નોંધાવીએ એ આવશ્યક છે.
નશીલા પદાર્થોના સેવનથી તાત્કાલિક રાહત કે આનંદ મળે એવું બને પરંતુ સરવાળે એ અત્યંત હાનિકારક છે. આવા પદાર્થોનું વ્યસન વ્યક્તિની માનસિક સ્થિતિ ડામાડોળ કરી નાખે છે. એના જ્ઞાનતંતુ નબળા પાડી વિચારશક્તિને અવરોધે છે.વ્યસની વ્યક્તિ ધીમે ધીમે જે તે વ્યસન પર અવલંબિત થઈ જાય છે. વ્યક્તિ ધીમે ધીમે પોતાના કામ, પરિવાર ,મિત્રો અને સમાજથી અલિપ્ત થઈ જાય છે. નાનામાં નાની વિપરીત સ્થિતિ પણ એને વિચલિત કરી નાખે છે. આમ, વ્યસન એ માનસિક બીમારીતો નોતરેજ છે પરંતુ એક સમયે એ કેન્સર જેવા ગંભીર રોગને પણ નોતરે છે. આપણાં દેશમાં દિન-પ્રતિદિન વધી રહેલું કેન્સરનું પ્રમાણ એ વાતની સાબિતી છે કે વ્યસન સતત વધી રહ્યું છે. વ્યસન ના કારણે માણસ શારીરિક અને માનસિક રીતે નબળો પડતો જાય છે અને આમ આખો સમાજ બીમારી અને અસ્વસ્થતાના ભરડામાં આવી જાય છે પરિણામે સરકાર દેશના વિકાસકાર્યોમાં એકચિત થવાના બદલે વ્યસનમુક્તિ અને રોગનાબૂદીના કર્યો તરફ વધુ સક્રિય બને છે જે સરવાળે દેશની પ્રગતિને બ્રેક લગાડે છે.
આપણાં વેદો,પુરાણો અને ઉપનિષદોમાં જે કહેવાયું છે એ બધુજ સમયે સમયે સમજાય છે. ’અતિ સર્વત્ર વર્જયેત્’ એ ઉક્તિમાં તો દૂધ અમૃત હોવા છતાં એનો અતિરેક સારો નથી એ બાબત પણ આવી જાય છે. વ્યસન એ નબળા મનની નિશાની છે એ આપણે જાણીએ છીએ. સાધુ સંતો, સમાજ સુધારકો અને સરકાર વ્યસનમુક્તિ માટે અનેક કર્યો કરી રહી છે ત્યારે આવો, આપણે પણ જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે દેશના આ ભગીરથ કાર્યમાં આપણો હિસ્સો આપીને વ્યસનમુક્ત,સ્વસ્થ અને નિરોગી દેશના નિર્માણમાં આપણું યથાશક્તિ યોગદાન આપીએ.
મિરર ઇફેક્ટ:-જ્યાં સુધી વ્યક્તિ વ્યસનને વળગે ત્યાં સુધી પરિસ્થિતિ કાબુમાં હોય છે , પરંતુ જ્યારે વ્યસન વ્યક્તિને વળગે ત્યારે એ વ્યક્તિના શ્વાસ સાથેજ જાય છે.
સમાજ દર્પણ
લેખક – નિતા સોજીત્રા