દક્ષિણ ગુજરાતના ઘણા શિક્ષિત ખેડૂતો ખેતીને આધુનિક ટચ આપીને પ્રયોગાત્મક ખેતી તરફ વળ્યા છે. આવા જ એક શિક્ષિત અને પ્રગતિશીલ ખેડૂત અતુલભાઈ પટેલે મલ્ચીંગ અને ડ્રીપ ઈરીગેશન દ્વારા મરચી, કેળ અને ટીંડોળાની ખેતી કરીને લાખોનું ઉત્પાદન મેળવીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે. મરચી, ટીંડોળા અને કેળની ખેતીના ત્રિવેણી સંગમ થકી લાખોની કમાણી આ ખેડૂતે કરી છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું કે ખેતપેદાશોના ઓછા બજારભાવનો કાયમી ઉકેલ, આધુનિક ટેકનોલોજી અપનાવી જોઇએ કે જેથી ખેડૂતને સારો ઉતાર મળી શકે. હાલમાં તેમણે 4 વીઘામાં 2000 મણ મરચાનું ઉત્પાદન મેળવી છ મહિનામાં જ રૂ.9 લાખની કમાણી કરી છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રામપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત અતુલભાઈ પટેલ કહે છે કે, મેં કર્ણાટકના બેંગ્લોરની એમ.એસ. રમૈયા ફાર્મસી કોલેજમાં બી.ફાર્મ કર્યું હતું. બી.ફાર્મના છેલ્લા વર્ષમાં પિતાજીનું નિધન થવાથી અભ્યાસ છોડીને રામપુરા પરત આવવું પડ્યું. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીઝમાં બેરીંગ સપ્લાયના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું, બેરીંગના વ્યવસાયમાં સારી એવી કમાણી હોવા છતાં પણ કંઇક નવું કરવાની તમન્ના અને ખેતી પ્રત્યેના લગાવને કારણે ૧૮ વર્ષ પહેલા શેરડીની ખેતીથી શરૂઆત કરી, જેમાં ૧૪ મહિનાની સખ્ત મહેનત પછી વીઘે માત્ર ૧૫ હજારની જ કમાણી થતી હતી.
મરચી, ટીંડોળા અને કેળની ખેતીના ત્રિવેણી સંગમ થકી લાખોની કમાણી કરતા ખેડૂત
બે વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા કૃષિ મહોત્સવ-૨૦૧૬માં જવાનું થયું. મેળામાં કૃષિ તજજ્ઞો દ્વારા બાગાયતી પાક અંગેની વિસ્તૃત જાણકારી મળી. ‘દોડવું હતું અને ઢાળ મળ્યો’. બાગાયત વિભાગના અધિકારીઓના તલસ્પર્શી માર્ગદર્શન સાથે યોગ્ય સહકાર મળતા અતુલભાઈએ ૨૦૧૭ના વર્ષમાં ૦૬ વીઘા જમીનમાં ટીંડોળા, ૦૪ વીઘામાં મરચી અને ૦૭ વીઘામાં કેળનું વાવેતર કરીને એક જ ખેતરમાં ત્રણ પાકનો ત્રિવેણી સંગમ રચ્યો.
અતુલભાઈએ જૂલાઈ,૨૦૧૭માં મલ્ચીંગ પદ્ધતિથી ચાર વિઘાની મરચીનું વાવેતર કર્યું હતું. યોગ્ય સૂઝબૂઝ અને કાળજીપૂર્વકના જતનથી સપ્ટેમ્બર મહિનાથી ઉત્પાદન મળવા લાગ્યું. ફેબ્રુઆરી,૨૦૧૮ સુધીમાં ૨,૦૦૦ મણ મરચીનું ઉત્પાદન મેળવ્યું છે. અતુલભાઈ સ્પષ્ટપણે કહે છે કે, જો મલ્ચીંગ વગર મરચી ખુલ્લામાં વાવવામાં આવે તો સામાન્ય કરતા ૫૦ ટકા ઓછું ઉત્પાદન આવે છે. દેખીતી રીતે મલ્ચીંગ વડે બમણું ઉત્પાદન મળે છે એમાં શંકાને કોઈ સ્થાન નથી એમ અતુલભાઈ દ્રઢતાથી જણાવતા કહે છે કે, મહિનામાં બે વાર ઉતારી શકાતી મરચીમાં ૦૮ થી ૦૯ મહિના સુધી ઉત્પાદન લઇ શકાય છે. એક વારની વીણીમાં ૧૫૦ થી ૩૦૦ મણ મરચી પ્રાપ્ત થઇ છે.
ખેતપેદાશોના ઓછા બજારભાવનો કાયમી ઉકેલ, આધુનિક ટેકનોલોજી અપનાવો
અતુલભાઈ ટીંડોળાના પાક વિષે કહે છે કે, ટીંડોળાના વેલા શિયાળાના પ્રારંભિક તબક્કામાં સુષુપ્ત અવસ્થામાં હોય છે. ઉનાળાના પ્રખર તડકાના કારણે ટીંડોળા ખીલી ઉઠે છે. રોપણી કર્યા બાદ લગભગ ૫૦ દિવસ પછી ટીંડોળા આવવા લાગે છે. શરૂઆતમાં દર 3 દિવસે ૧૦૦ મણ ઉત્પાદન મળે છે. હાલ મને ટીંડોળાના મણદીઠ રૂ.૫૦૦ ભાવ મળી રહ્યા છે. ટીંડોળા અને અને મરચીમાં રોગ જીવાત સામે રક્ષણ મેળવવું પણ ખુબ જરૂરી છે એમ જણાવતા અતુલભાઈ કહે છે કે, દવાનો છંટકાવ કરવા માટે ખાસ દેલવાડાથી કૃષિ જંતુનાશક દવાનો નિષ્ણાંત માણસ બોલાવું છું.
આ રીતે હું પાકને સમયાંતરે દવા, પિયત અને કાળજીપૂર્વક દેખરેખમાં કોઈ કસર બાકી રાખતો નથી. ઉપરાંત મરચી અને ટીંડોળાના પાક માટે મોટી સંખ્યામાં મજૂરો કામે લગાડવા પડે છે. પૂરતા માનવબળ અને તનતોડ મહેનત વિના આ પાકોને ન્યાય આપી શકાય નહિ. વીણીનો સમય થાય ત્યારે એક સાથે ૫૦ મજૂરો વડે કામ કરાવવું પડે છે. આ ત્રણે બાગાયતી પાકો પૈકી કેળની ખેતી કરતા પહેલા મારા મિત્રો અને હિતચિંતકોએ એક વાર વિચાર કરીને પગલું ભરવાની સલાહ આપી હતી.
4 વીઘાંમાં 2000 મણ મરચાંનું ઉત્પાદન મેળવી છ મહિનામાં જ રૂ.9 લાખની કમાણી
કારણ કે બારડોલી પંથકની જમીન કેળની ખેતી માટે સાનુકુળ ન હોવાથી સફળ થતી નથી. પરંતુ એમની સલાહને ગણકાર્યા વિના સાહસ ખેડવાનો નિર્ધાર કર્યો હતો. પોતાના લક્ષ્યમાં ખરા ઉતરતા અતુલભાઈએ ડ્રીપ ઈરીગેશન અને મલ્ચીંગ ટેકનોલોજીનો યથાર્થ ઉપયોગ કરીને કેળના ૫,૩૬૦ રોપા વાવ્યા હતા. આજે આ કેળના ઝાડ તેની પૂર્ણ કક્ષાએ ખીલતા એક ઝાડ પર ૩૦ કિલો વજનની લૂમો ઝૂલી રહી છે.
આ વિસ્તારના શિક્ષિત ખેડૂતો શાકભાજીની નિકાસ કરતા થયાં
ઘણા વર્ષોથી સુરત જિલ્લો બાગાયત ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. આજે જિલ્લામાં ફળ પાકોનો વાવેતર વિસ્તાર ૧૮૦૦૦ હેકટર અને શાકભાજી પાકોનો વાવેતર વિસ્તાર ૨૨૦૦૦ હેકટર મળી કુલ મળી આશરે ૪૦૦૦૦ હે. વિસ્તાર થયો છે. મુખ્યત્વે ફળ પાકોમાં કેળ, કેરી, પપૈયાની ખેતી તેમજ ભીંડા, મરચી, ગુવાર, રીંગણ વગેરેની હાઈટેક ખેતી કરીને રામપુરાના અતુલભાઈ જેવા શિક્ષિત ખેડૂતો કેળ, કેરી, ભીંડા અને મરચી જેવા શાકભાજીની નિકાસ કરતા પણ થયા છે. ડ્રીપ ઈરીગેશન અને મલ્ચીંગ પદ્ધતિ પાણીની અછત ધરાવતા વિસ્તારો માટે આશીર્વાદરૂપ બની રહી છે. જેમાં સરકારની માતબર સબસીડી સહાયનો ખેડૂતોને લાભ લેવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો. – ડી.કે. પડાલિયા, નાયબ બાગાયત નિયામક, સુરત