ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક 49એ પહોંચ્યો છે. આ હુમલામાં ભારતીય મૂળના 6 લોકોનાં મોત અને 9 લોકો ગુમ થયાની આશંકા છે. ભારતીય ડિપ્લોમેટ્સ સંજીવ કોહલીએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં બે ભારતીયો અને ચાર ભારતીય મૂળના લોકોનાં મોતની આશંકા છે. જો કે, ન્યૂઝીલેન્ડની સરકારે હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી કરી. ભારતીય હાઇ કમિશનની હેલ્પલાઇનમાં અનેક લોકોનાં ફોન આવી રહ્યા છે અને આ જાણકારી આ જ પૂછપરછ અને ક્રાઇસ્ટચર્ચના ભારતીય સમુદાય તરફથી મળતી જાણકારી પર આધારિત છે. કોહલીનું કહેવું છે કે, માર્યા ગયેલા લોકોમાંથી બે હૈદરાબાદ, એક ગુજરાત અને એક પૂણેનો હોવાનું માનવામાં આવે છે.
30 હજાર ભારતીયો રહે છે
ક્રાઇસ્ટચર્ચમાં અંદાજિત 30 હજાર ભારતીયો અથવા ભારતીય મૂળના લોકો રહે છે. ન્યૂઝીલેન્ડના શહેર ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા ફાયરિંગમાં 49 લોકોનાં મોતની પુષ્ટિ થઇ છે. આ હુમલામાં 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેઓએ જણાવ્યું કે, વેલિંગ્ટનમાં ધાર્મિક સ્થાનો, ખાસ કરીને મસ્જિદોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Graphic video of the New Zealand mosque attacks quickly spread around the world. How did social media companies respond and what can be done to stop it? https://t.co/rHQTHINxQE pic.twitter.com/Oe8nJmWdcU
— BBC News (UK) (@BBCNews) March 15, 2019
ઘટના બાદ 4 આરોપીઓની ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર, 28 વર્ષીય ઓસ્ટ્રેલિયન નાગરિકે મસ્જિદમાં બાળકોને ટાર્ગેટમાં રાખીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું કે, સાઉથ આઇલેન્ડની ક્રિસ્ટચર્ચમાં આવેલી અલ નૂર મસ્જિદમાં અચાનક જ સેમી-ઓટોમેટિક ગનમાંથી 50 શોટ્સ સાંભળવા મળ્યા હતા. અત્યાર સુધી પોલીસે આ ઘટનામાં 4 લોકોની ધરપકડ કરી છે, જેમાં 1 મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. 4માંથી એક વ્યક્તિએ સ્યૂસાઇડ વેસ્ટ (કમર સુધીનું લાંબુ વસ્ત્ર) પહેર્યુ હતું. પોલીસે નજીકમાં આવેલી લિનવૂડ મસ્જિદમાં ફાયરિંગ થયું હોવાનું જણાવ્યું છે. વળી, ક્રિસ્ટચર્ચ હોસ્પિટલની બહાર પણ ફાયરિંગ થયું છે. ત્રણ મસ્જિદોની નજીક કાર ઉભી રાખવામાં આવી હતી જેમાં વિસ્ફોટકો ભરેલા હતા.
ટ્વીટર/ FB પર લાઇવ રેકોર્ડિંગ કર્યુ
ટ્વીટર પરથી ઘટનાના આરોપીની ઓળખ બ્રેન્ટોન ટેરન્ટ તરીકે થઇ છે, તેણે અલ નૂરમાં ફાયરિંગ શરૂ કરતા પહેલાં તેણે ફેસબુક લાઇવ અને ટ્વીટર અપડેટ કર્યુ હતું. શુક્રવારે પ્રાર્થના માટે અહીં અનેક લોકો હાજર હતા.
ટ્વીટર વીડિયો અનુસાર, આરોપીએ ફાયરિંગ દરમિયાન ભાગતા લોકો ઉપર પણ ડઝનથી વધુ ગોળીઓ છોડી હતી. ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ જ વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતું કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
આરોપીએ ફાયરિંગ પહેલાં ટ્વીટર પર 87-પેજનો મેનિફેસ્ટો પોસ્ટ કર્યો હતો, જેમાં આ આતંકી હુમલાની જાણકારી આપવામાં આવી હતી. લોકોના જણાવ્યા અનુસાર, અલ નૂરની નજીક આવેલી બીજી લિનવૂડ મસ્જિદમાં પણ ફાયરિંગ થયું છે.
બીજી મસ્જિદમાં અન્ય હુમલાખોર સક્રિય
ન્યુઝીલેન્ડ હેરાલ્ડ અનુસાર, હુમલાખોરના ફાયરિંગમાં 27 લોકોનાં મોત થયા છે. વળી પોલીસ કમિશનર માઇક બુશના જણાવ્યા અનુસાર, હુમલાખોરે બે મસ્જિદોમાં હુમલો કર્યો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને કહ્યું કે, ક્રાઇસ્ટચર્ચ સ્થિત મસ્જિદમાં ફાયરિંગ થયું છે. આ ન્યૂઝીલેન્ડના સૌથી કાળા દિવસોમાંથી એક છે, હિંસાની આ અભૂતપૂર્વ ઘટના છે. પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, પરંતુ મારી પાસે આ અંગે વધુ જાણકારી નથી.
શહેરને લોકડાઉન કરી દીધું છે, એટલે કે કોઇ પણ વ્યક્તિ શહેરની અંદર અથવા શહેરની બહાર નહીં જઇ શકે. પોલીસે કહ્યું કે, ક્રાઇસ્ટચર્ચમાં વધુ એક હુમલાખોર સક્રિય છે, જેના કારણે સ્થિતિ ગંભીર છે અને કોઇ પણ ક્ષણે વધુ મોટો હુમલો થઇ શકે છે.
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમનો બચાવ
બાંગ્લાદેશની ટીમ હાલ ન્યૂઝીલેન્ડમાં છે, નસીબજોગે ક્રિકેટ ટીમને કોઇ નુકસાન પહોંચ્યુ નથી. પરંતુ આ ઘટના બાદ ટીમ શક્ય તેટલાં ઝડપથી ન્યૂઝીલેન્ડ છોડી દેવા ઇચ્છે છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ક્રાઇસ્ટચર્ચમાં જ હતી અને આવતીકાલે ન્યૂઝીલેન્ડ સાથે ટેસ્ટ મેચ હતી. બાંગ્લાદેશના ખેલાડીઓ નમાજ માટે મસ્જિદ પહોંચ્યા હતા, પરંતુ આ દરમિયાન એક હુમલાખોરે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું. જો કે, ઘટનામાં કોઇ પણ ખેલાડીને ઇજા થઇ નથી.
ઘટનાસ્થળ પર મોજૂદ Cricinfoના બાંગ્લાદેશી પત્રકાર મોહમ્મદ ઇસામે જણાવ્યું કે, તમામ ખેલાડીઓ સુરક્ષિત છે, પરંતુ એ બધાં જ બાંગ્લાદેશ પરત જતા ઇચ્છે છે. ઘટના બાદ ન્યૂઝીલેન્ડ સાથે ટેસ્ટ મેચને રદ કરી દીધી છે.
પોલીસે શહેરની ઘેરાબંદી કરી
ક્રાઇસ્ટચર્ચની 2 મસ્જિદોમાં શુક્રવારે ફાયરિંગ બાદ ન્યૂઝીલેન્ડની સશસ્ત્ર પોલીસે શહેરની ઘેરાબંદી કરી દીધી છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ કાલે ક્રાઇસ્ટચર્ચમાં યોજાનારી ટેસ્ટ મેચ માટે અહીં છે. પોલીસ સ્થિતિને નિયંત્રણમાં લાવવાના પુરતા પ્રયત્નો કરી રહી છે. પરંતુ જોખમ હજુ યથાવત છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, મસ્જિદમાં અનેક લોકોનાં મોત થયા છે અને અન્ય મસ્જિદને ખાલી કરાવવામાં આવી છે.
પોલીસ કમિશનરે કહ્યું કે, ફાયરિંગના કારણે તમામ સ્કૂલોને લોકડાઉન કરી દીધી છે. પોલીસ ક્રાઇસ્ટચર્ચમાં મોજૂદ લોકોને સડકોથી હટાવવા અને કોઇ પણ પ્રકારની સંદિગ્ધ ગતિવિધિને જોતાં તેની સુચના આપવાની અપીલ કરે છે. એક સાક્ષીએ રેડિયો ન્યૂઝીલેન્ડને જણાવ્યું કે, તેઓએ ફાયરિંગનો અવાજ સાંભળ્યો અને લોકો જમીન પર પડ્યા હતાં.
અન્ય એક સાક્ષીએ જણાવ્યું કે, શૂટરની ગોળીથી બચવા લોકો ભાગી રહ્યા હતા, હું મારાં મિત્રો સાથે અંદર જ હતો. મેં મારાં મિત્રોને બોલાવવા બૂમો પણ પાડી પરંતુ કોઇ અવાજ આવતો નહતો. હું મારાં મિત્રોને લઇને ચિંતામાં છું.
ઉલ્લેખનીય છે કે, નૂર મસ્જિદ ક્રાઇસ્ટચર્ચ શહેરની મધ્યમાં આવેલી છે. સાક્ષીઓએ કહ્યું કે, તેઓએ કેટલાંક લોકોને જોયા પરંતુ આ વાતની પુષ્ટિ નથી કરી શકતા કે તેઓ પોલીસવાળા છે કે અન્ય કોઇ વ્યક્તિ. હુમલાખોરે આર્મી ડ્રેસ પહેર્યો હતો.