દરેક વ્યક્તિના જીવનમાં એક સ્તરે પહોંચવા માટે તેની સાથે જોડાયેલા લોકો જવાબદાર હોય છે. ક્યારે કોઇની સલાહ કે માર્ગદર્શન ટોચ પર લઇ જાય તો ક્યારેક કોઇની ખોટી સલાહ જીવનને દોજખ પણ બનાવી દે છે. અમદાવાદના નરોડમાં રહેતો રૂપેશ મકવાણા નામનો 26 વર્ષીય નેશનલ એથ્લેટ નરોડાથી દરરોજ સેન્ટ ઝેવિયર્સ કોલેજ સુધી ચાલીને ટ્રેનિંગ લેવા જતો હતો. ગરીબીના કારણે તેની પાસે ભાડાના પૈસા પણ ન હતા. જેથી તેણે પ્રેક્ટિસ છોડીને પરિવારને મદદ કરવા માટે નોકરી શરૂ કરી. પરંતુ આ નોકરી દરમિયાન કેટલાક લોકોની સંગતમાં આવી ગયો અને નશાની લતે ચઢી ગયો. આમ તે પોતાની કારકીર્દી છોડીને નશામાં ડૂબવા લાગ્યો. જ્યારે એક સમયે તેની સાથે એથ્લેટની પ્રેક્ટીસ કરતા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે પહોંચવા લાગ્યા અને તેને પોતાની ભૂલ સમજાઈ અને વ્યસન છોડવાનો નિર્ધાર કર્યો.
ફ્રીમાં ટ્રેનિંગ આપી 13ને આર્મીમાં અને 6 યુવાઓને ગુજરાત પોલીસમાં મોકલ્યા
રૂપેશ મકવાણાએ જણાવ્યું કે, વ્યસન મુક્ત થયા બાદ બાદ મેં નરોડાના યુવક-યુવતીઓને એથ્લેટની ટ્રેનિંગ આપવાનુ શરૂ કર્યું છે. મારી પાસેથી ટ્રેનિંગ લેનારા 19 યુવાઓ ઇન્ડિયન આર્મીમાં અને 47 જેટલા યુવાઓ પોલીસની શારિરીક કસોટી પાસ કરી ચૂક્યા છે. જેમાંના 13 વિદ્યાર્થી હાલ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે જ્યારે અન્ય 6 યુવાઓ મેડીકલ ટેસ્ટ બાદ ઇન્ડિયન આર્મીમાં જોડાશે. જ્યારે 47 યુવક-યુવતીઓ ગુજરાત પોલીસની ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયા છે. જેમાંથી 10 યુવકો તો હાલ પોલીસ કર્મી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને અન્ય 6 યુવકો મેરિટ લિસ્ટમાં આવી ગયા છે.
ટ્રેનિંગ અધવચ્ચે છોડવી પડતા સપનાઓ કડડડભૂસ થઈ ગયા
વર્ષ 2011માં રૂપેશ એથ્લેટ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેક્ટિસ શરૂ કરી હતી. આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા પરિવારમાંથી આવતા રૂપેશ પાસે ભાડાના પણ પૈસા ન હોવાથી તે નરોડાથી ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી સેન્ટ ઝેવિયર્સમાં ટ્રેનિંગ લેવા માટે 14 કિલો મીટર ચાલીને આવતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ ભલે સારી નહોતી પરંતુ રૂપેશનું મનોબળ મજબૂત હતું. તે જિંદગીમાં કંઇક કરવા માંગતો હતો અને તેના અનેક સપનાઓ હતા. પરંતુ કહેવાય છે કે ગરીબનું કિસ્મત પણ ગરીબ જ હોય છે. જેમ તેમ કરીને રૂપેશ પ્રેક્ટિસ કરતો હતો. પરંતુ એક સમયે એવો આવ્યો કે પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા તેણે પોતાની ટ્રેનિંગ અધવચ્ચે છોડીને નોકરી કરવી પડી અને પોતાના સપનાઓ કડડડભૂસ થઈ ગયા.
આસપાસના ગામોમાં પણ રનિંગ કરીને વ્યસન મુક્તિ માટે જાગૃતિ લાવે છે
નોકરી દરમિયાન રૂપેશ ખરાબ સંગતમાં આવ્યો અને તે નશાના રવાડે ચઢી ગયો અને રનિંગ ટ્રેક પરથી રૂપેશ નશાના ટ્રેક પર આવી ગયો. આ દરમિયાન એક સમયે તેની સાથે પ્રેકટીસ કરતા ખેલાડીઓ એક પછી એક નેશનલ લેવલના ખેલાડીઓ બનવા લાગ્યા. એક દિવસ તેને આ બધા ખેલાડીઓ અંગે જાણ થઇ અને તેણે વ્યસન છોડવા માટે મનમાં ગાંઠ વાળી લીધી. માત્ર એટલું જ નહીં તેણે પોતાને વ્યસન મુક્ત કરવાની સાથે સાથે સમગ્ર દેશમાં પણ વ્યસન મુક્તિ માટે કામ કરવાનો નિશ્ચય કર્યો. વ્યસન મુક્તિ માટે તેની સાથે અન્ય યુવાનો પણ જોડાવા લાગ્યા. જેથી રૂપેશે તેના બે મિત્રો સાથે વ્યસન મુક્તિનો સંદેશ આપવા અમદાવાદથી દિલ્હી સુધી રનિંગ કર્યું. ત્યાર બાદ તે આસપાસના ગામો અને અન્ય જગ્યાએ પણ રનિંગ કરીને વ્યસન મુક્તિ માટે જાગૃતિ લાવવા લાગ્યો.
દેશની સરહદ પર 300 દિવસમાં રનિંગ કરી વ્યસન મુક્તિનો સંદેશ આપવાનું સપનું
રૂપેશ મકવાણાએ વધુમાં જણાવ્યું કે, મેં વ્યસનને કારણે કરેલી ભૂલના લીધે પોતાની કારકિર્દી ગુમાવી દીધી છે.પરંતુ હવે અન્ય યુવાનોને નિઃશુલ્ક તૈયારી કરાવી રહ્યો છું. હું દેશની સમગ્ર સરહદ પર 300 દિવસમાં રનિંગ કરીને વ્યસન મુક્તિનો સંદેશ આપવો છે. પરંતુ હજુ પણ તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેણે હાલ પુરતો આ વિચાર માંડી વાળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..