રાજકોટના સરધારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધિડા સબ સેન્ટરનાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડિયાની ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઇ સૌકોઇને તેમને સલામ કરવાનું મન થાય, કારણ કે તેઓ 6 માસની દીકરીને છાતીએ વળગાડી રોજ ગામડાંમાં વેક્સિન આપવા પહોંચી જાય છે. તેમણે જણાવ્યું હતું કે હું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે છેલ્લાં બે વર્ષથી ફરજ બજાવું છું. જેમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ તેના બાળકને લઇને યુદ્વના મેદાનમાં ઊતર્યાં હતાં એવી જ રીતે હું પણ મારી 6 માસની બાળકીને લઇને કોરોના સામેની લડતમાં નિષ્ઠાથી મારી ફરજ બજાવું છું અને આ કાર્યથી હું ખૂબ જ ખુશ છું.
અસ્મિતાબેન પોતાની 6 માસની બાળકીને લઇને પોતાના વિસ્તારની અંદર આવેલાં તમામ ગામોમાં ઘરે ઘરે પહોંચી જાય છે. એક વૃદ્ધ તો સોઇથી ડરતા હતા તો અસ્મિતાબેને કહ્યું હતું કે કંઈ નહીં થાય, બાદમાં વૃદ્ધના મહિલા પરિવારજને કહ્યું કે બાળકોને રસી દઇએ છીએ તો તેને શું થતું હશે, તમે તો બાળકો કરતાં પણ ડરો છો. બાદમાં વૃદ્ધે અસ્મિતાબેન પાસે રસી લેવડાવી લીધી હતી.
અસ્મિતાબેને ગઇકાલે લોધિડા ગામમાં સાતમી મુલાકાતની સમજાવટ બાદ રસી મુકાવવા સંમત થયેલાં વૃદ્ધાને રસી આપી હતી. તેઓ આ વૃદ્ધાને છ વખત મનાવવાની કોશિશ કરી, પણ તેઓ રસી માટે સંમત થતા નહોતા છતાં પણ અસ્મિતાબેને હાર માની નહોતી. સાતમી વખત વૃદ્ધા પાસે ગયાં અને સમજાવ્યા બાદ વૃદ્ધા રસી લેવા સંમત થયાં અને અસ્મિતાબેને વેક્સિન આપી.
રાજ્યના નાગરિકોને કોરોના સામે રક્ષણ પૂરું પાડવા માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ તાલુકાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધિડા સબ સેન્ટરનાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડિયા કોરોનાવિરોધી રસીકરણની કામગીરી સાથે સંકળાયેલાં છે. તેમને સંતાનમાં 6 મહિનાની દીકરી છે, જેના ઉછેરની જવાબદારી અસ્મિતાબેનના શિરે છે.
પોતાની આ અંગત જવાબદારીની પરવા કર્યા વગર જાહેર જનતાની સુખાકારીને પ્રથમ પ્રાથમિકતા આપતાં અસ્મિતાબેન પોતાના સંતાનને સાથે લઇને ગામેગામ કોરોનાવિરોધી રસી મૂકવા જાય છે. માત્ર છ જ મહિનાની દીકરીની સુરક્ષાની તમામ સંભાળ લઇને અસ્મિતાબેન પોતાની કામગીરી બજાવે છે.
અસ્મિતાબેને ઉત્તમ ફરજનિષ્ઠાનું દૃષ્ટાંત સ્થાપિત કર્યું
લોધિડા ગામના એક વૃદ્ધા કોરોનાવિરોધી રસી લેવા માટે સંમત જ નહોતા થતા. લોધિડાના આરોગ્યકર્મચારીઓએ છ વાર તેમના ઘરે જઇને રસી લેવા માટે વૃદ્ધાને સમજાવવાની કોશિશ કરી. અંતે સાતમી વખતની બ્લોક હેલ્થ ઓફિસર ડો.એમ.એસ.અલીની સમજાવટ રંગ લાવી અને માજી રસી મુકાવવા તૈયાર થયાં. આ માજીને અસ્મિતાબેને રસી આપી અને ઉત્તમ ફરજનિષ્ઠાનું દૃષ્ટાંત સ્થાપિત કર્યું છે. અસ્મિતાબેન જેવા આરોગ્યકર્મચારીઓની કાર્યનિષ્ઠા થકી જ કોરોનાની ત્રીજી લહેરનું આક્રમણ ખાળી શકાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..