વડોદરાનો જવાન જમ્મુના અખનુંર બોર્ડર પર આતંકીઓ સાથેની મુઠભેડમાં શહિદ થયો છે. 24 વર્ષીય મહંમદ આરીફ સફીઅલી પઠાણ છેલ્લા 4 વર્ષથી જમ્મુ કાશ્મીર બટાલિયન 18માં ફરજ બજાવતો હતો. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં શહીદ જવાનના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
વડોદરાનો યુવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયો હોવાની જાણકારી પરિવારને માળતા જ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. વડોદરાના નવાયાર્ડ વિસ્તારના રોશન નગરમાં રહેતો મહંમદ આરીફ સફી અલી પઠાણ છેલ્લા 4 વર્ષથી જમ્મુ એન્ડ કાશ્મીર બટાલિયન 18માં ફરજ બાજવતો હતો. આજે સવારે જમ્મુના અખનુર બોર્ડર પર ફરજ પર હતો.
ત્યાં આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં તેને ગોળી વાગતા જ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. જમ્મુથી ભારતીય સેનાના અધિકારીઓએ વડોદરામાં મહંમદ આરીફના પરિવારને આ મામલે જાણકારી આપી હતી.
શહીદ જવાન આરીફને નાનપણથી જ દેશ માટે કંઈક કરવાની તમ્મના હતી. 4 વર્ષ પહેલાં આરીફે તેના મિત્રની બોલીંગમાં બે સિક્સર મારી હતી, આ સમયે મિત્ર નાસીપાસ થઈ જતાં આરીફે કહ્યું હતું કે, ‘અત્યારે ના રડ, હું જ્યારે દેશ માટે મરી જાઉં ત્યારે તું રડજે.’. આજ રીતે માતા સાથે પણ તાજેતરમાં તેણે ફોન પર વાત કરી ત્યારે પણ તેણે હું મસ્ત છું, હવે ડ્યૂટી પર જાઉં છું તેમ કહીને ફોન કટ કર્યો હતો. શહીદ જવાનની માતાની આંખમાં આજે આંસુ જરૂર છલક્યાં હતા પરંતુ આ વીર જવાનની માતાએ જણાવ્યું હતું કે દેશ ખાતર મારો બીજો દીકરો પણ શહીદ થાય તો મને ગમ નથી. સોમવારે શહીદ પરિવારના ઘરે મેયર સહિતના હોદ્દેદારો ગયા હતા અને તેમણે પરિવારને સાંત્વના આપી હતી.
મિત્રને પણ થયું દુઃખ
શહીદ જવાન આરીફના મિત્ર મિરુત બોડાલાએ જણાવ્યું હતું કે, હું અને આરીફ પઠાણ અને અન્ય મિત્રો 4 વર્ષ પહેલાં નવા યાર્ડ ડી કેબિન પાસેના મેદાનમાં રોજ સવાર-સાંજ ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ રમતી વખતે એક વાર હું બોલિંગ કરતો હતો ત્યારે આરીફે મારી બોલિંગમાં 2 સિકસર મારી હતી. તે વખતે હું નાસીપાસ થઇ ગયો હતો ત્યારે આરીફે મને કહ્યું હતું કે અત્યારે ના રડ, હું જ્યારે દેશ માટે મરી જાઉં ત્યારે તું રડજે.. એક વાર ક્રિકેટ રમતી વખતે હું રન આઉટ થયો ત્યારે આરીફે મને કહ્યું હતું કે તું પહેલાં રન માટે દોડ પછી દેશ માટે આર્મીમાં જવાનું છે…આજે મને આ સમાચાર મળ્યા છે. મને બહુ આઘાત લાગ્યો છે. જો કે ચાર વર્ષથી અમે મળ્યા ન હતા તેનો મને અફસોસ છે.
માતાની આંખેથી નીકળી અશ્રુધાર
બીજી તરફ શહીદ મહંમદ આરીફની માતા હબીબનબાનુને મલ્યા ત્યારે તેમની આંખમાં વ્હાલાસોયા જુવાનજોધ પુત્રને ગુમાવ્યાનો શોક આંસુ બનીને રેલાતો હતો. તેમણે કહ્યું ‘ તેણે મારી તબિયત વિશે પૂછ્યું. લોન ચાલે છે એટલે તેની વાત કરી અને મેં જ્યારે પૂછ્યું ‘તું કેમ છે?’ તો હસતાં હસતાં કહ્યું ‘હું મસ્ત છું, હવે હું ડ્યુટિ પર જાઉં છું.’ એમ કહીને ફોન કટ કર્યો હતો.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘આરીફ શહીદ થયો છે, દેશ ખાતર પ્રાણ ન્યૌચ્છાવર કર્યા છે. જો બીજો દીકરો પણ શહીદ થાય તો પણ ગમ નથી.’
પાંચ સભ્યોએ આર્મીમાં ફરજ બજાવી છે
શહીદ આરીફના પરિવારમાં તેના દાદા રશીદખાન પઠાણ આર્મીમાં હતા. પછી તેમણે રેલવેમાં નોકરી સ્વીકારી હતી. તેના કાકાનો દીકરો હાલમાં કારગીલમાં જવાન છે. પિતા શફી આલમ અને તેના મામા નિસારખાન ટેરિટોરિયલ આર્મીમાં ફરજ બજાવી ચૂક્યા છે.
Jammu and Kashmir: Army Rifleman Md Atif Shafi Alam Khan Pathan lost his life in ceasefire violation by Pakistan in Sunderbani sector, Rajouri yesterday. pic.twitter.com/l95gubabTN
— ANI (@ANI) July 22, 2019
મકાનના હપ્તા મારો ભાઈ ભરતો હતો
આરીફના નાના ભાઈ આસિફે જણાવ્યું કે, ‘હાલમાં અમે જે મકાન બનાવ્યું તેના હપ્તા પણ આરીફ ભરતો હતો. જેને મદદ કરતો તેની છેક સુધી કાળજી રાખતો હતો.’ પોતાના ઘરના વડીલોને પણ આ મુદ્દે પોતાની માતાને સમજાવે એવું કહેતો હતો.
સંવેદનશીલ જગ્યાએ ફરજ છે, લગ્ન અત્યારે કરવા નથી
મહંમદ આરીફને લગ્ન માટે પરિવાર દબાણ કરતો હતો. પણ તે માતાને કહેતો કે ‘હમણાં જે જગ્યાએ મારી ફરજ છે તે ખૂબ જ સંવેદનશીલ છે. મારે હમણાં લગ્ન કરવું નથી.’ છ મહિના અગાઉ રજાઓમાં આવ્યો હતો ત્યારે પરિવારજનોએ આ વાત ઊઠાવી હતી. મહંમદ આરીફના મામાનો પુત્ર મોહસિન પઠાણ પણ આર્મીમાં કારગીલ સેક્ટર પર ફરજ બજાવે છે. તેને જોઇને આરીફને પણ આર્મી જોઇન કરવાની ઇચ્છા થઇ હતી અને તે મોહસિનના માર્ગદર્શનમાં જ તૈયાર થયો હતો.
નિવૃત અધિકારીએ આપી શ્રદ્ધાંજલિ
મને જ્યારે વડોદરાનો આર્મી જવાન ઉધમપુરમાં શહીદ થયો તેની જાણ થઇ ત્યારે મેં તુરત જ ઉધમપુર સેકટરના આર્મી અધિકારી સાથે વાત કરી હતી. આવતીકાલે સાંજ સુધી વીર જવાનનો મૃતદેહ વડોદરા લવાશે તેવી શક્યતા છે. જ્યાં આ ઘટના બની છે તે સ્થળે આર્મી દ્વારા સઘન તપાસ કરાશે અને પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂરી કર્યા બાદ શહીદનો પાર્થિવ દેહ ખાસ એરક્રાફ્ટમાં દિલ્હી લવાશે. દિલ્હીથી એરઇન્ડિયાની ફ્લાઇટમાં શહીદનો પાર્થિવ દેહ વડોદરા એરપોર્ટ પર આવશે અને ત્યારબાદ પૂરા માનસન્માન અને ઓનર સાથે અંતિમ વિધિ થશે. શહીદના ઘેર પણ હું જવાનો છું. આતંકવાદીઓ સાથેની લડાઇમાં આપણો જવાન શહીદ થયો તે ઘટનાથી મને ખૂબ દુખ થયું છે. કાશ્મીરના મોરચે એવી સ્થિતિ છે કે દુશ્મનને મારવામાં આપણે સફળ થઇએ તો જ આપણે બચી શકીએ છીએ. દેશ માટે ફરજ બજાવતો અને જાન ન્યોછાવર કરી દેનારો વીર કોઇનો ભાઇ તો કોઇનો પુત્ર તો કોઇનો પતિ કે પિતા હોય છે.નાગરિકોની ફરજ છે કે શહીદને માત્ર શ્રદ્ધાંજલિ આપવા સુધી સીમિત ના રહે પણ હવે તેના પરિવારને કોઇ તકલીફ ના પડે તેનું ધ્યાન પણ રાખવું જોઇએ.
શહેરમાંથી ત્રીજો જવાન કાશ્મીરના મોરચે શહીદ થયો
નવાયાર્ડ ડી કેબિન રોડનો આરીફ પઠાણ છેલ્લાં 4 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં અખનુર ખાતે ફરજ બજાવતો હતો. સોમવારે કેરી બટ્ટલ સેક્ટરમાં સોમવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં જવાન શહીદ થયો હતો. તે અગાઉ 2009માં દિવાકર ફલ્ટનકર પણ જમ્મુ કશ્મીરમાં શહીદ થયા હતા. આ ઉપરાંત 2011 માં સલાટવાડા વિસ્તારના દિપક પવાર પણ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા હતા.
શહીદોના પરિવારને પાછળથી કોઇ પૂછતું નથી
મારો પુત્ર દિવાકર ફલ્ટનકર 25 વર્ષની વયે બારામુલ્લાના જંગલાેમાં આંતકવાદી સાથેની લડાઇમાં શહીદ થયો હતો. સરકાર શહીદ થાય ત્યારે જ પરિવારને યાદ કરે છે, પાછળથી કોઇ યાદ કરતું નથી. – રમાબેન ફલ્ટનકર, શહીદ દિવાકરની માતા
મારા ભાઇ -250માં પેટ્રોલિંગ કરતી વખતે શહીદ થયા હતા
મારો ભાઇ દીપક પવાર જમ્મુ કાશ્મીરમાં 2011 માં મચ્છલ સેકટર ખાતે 15 ફૂટ બરફમાં માઇનસ 25 ડિગ્રીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે આંતકીઓનાે ફાયરિંગમાં તે શહીદ થયો હતો. – વિજય પવાર, શહીદ દીપકનો ભાઈ
સત સત નમન દેશના આ વિર જવાનને.. જય હિન્દ.. જય ભારત..