ઓનલાઈન દવાઓ વેચનારી કંપનીઓને ટક્કર આપવા માટે રાજકોટ શહેરના અંદાજિત 900 જેટલા મેડિકલ સ્ટોર્સ માલિકો અને દવાઓના વ્હોસેલર્સે ભેગા થઈને એક ખાસ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે, જે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ સાથે તેમના ઘર સુધી દવાઓ પહોંચાડી આપશે. રાજકોટ કેમિસ્ટ એસોસિયેશને મલ્ટી-પર્પઝ એપ તૈયાર કરી છે જેમાં 2.2 લાખ દવાઓનો ડેટા છે. ગ્રાહકોએ ઘરે બેઠા નજીકના મેડિકલ સ્ટોરમાંથી દવાની ડિલિવરી માટે માત્ર ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અપલોડ કરવાનું રહેશે.
ગ્રાહકોને ઘરે બેઠા દવાઓ આપી જશે
એસોસિએશનના સેક્રેટરી અનિમેષ દેસાઈ કહે છે, આગામી થોડા અઠવાડિયાઓમાં ડ્રગ્સ કંટ્રોલર ભારતમાં ઓનલાઈન દવાઓ વેચાણના નિયમો જાહેર કરી શકે છે. એક વખતે નિયમો સામે આવી જાય પછી અમે કાનૂની ઔપચારિકતા પૂરી કરીને ઓનલાઈન સેલિંગ શરૂ કરી દઈશું.
ગ્રાહક દવાની કંપની અને કિંમત જોઈની મંગાવી શકશે
આ મોબાઈલ અને ડેસ્કટોપ એપમાં અન્ય ઘણા ફીચર્સ પણ હશે. ઉદાહરણ તરીકે, જુદી જુદી દવાઓની ઉપલબ્ધતાને એપમાં અપડેટ રખાશે, જેથી ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન આપતા સમયે અમુક ચોક્કસ દવા ઉપલબ્ધ છે કે નહીં જાણી શકે. એપમાં જેનેરિક દવાઓ બનાવતી ટોચની 100 ફાર્મા કંપનીઓનું પણ લિસ્ટ હશે. ગ્રાહક દવાની કંપની અને બ્રાન્ડનું નામ પસંદ કરી શકશે. એપમાં દવાની રિટેઈલ પ્રાઈઝ પણ દેખાશે.
ઈમરજન્સીમાં ઝડપથી દવા મળી રહેશે
GPSની મદદથી એપ્લિકેશન ગ્રાહકને નજીકની મેડિકલ સ્ટોરનું લોકેશન બતાવાશે. ફાર્માસિસ્ટ મુજબ આ એપ દવાઓની ઈમરજન્સી જરૂરિયાત સમયે ઉપયોગી સાબિત થશે ઉપરાંત ગ્રાહકને નજીકમાં દવાનો સ્ટોર શોધવામાં પણ મદદ કરશે. દેસાઈ કહે છે, ઓનલાઈન દિગ્ગજ રિટેઈલર કંપનીઓ સામે ટકી રહેવા માટે અમે હાલમાં 10 ટકા ડિસ્કાઉન્ટની ઓફર આપીશું. એક વખત આ પ્રયોગનું રાજકોટમાં સફળતા પૂર્વક અમલીકરણ થયા બાદ અમે તેને સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ લાગૂ કરીશું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 4000 રીટેલર્સ અને 1000 વ્હોલસેલ ફાર્માસિસ્ટ છે.