ગુજરાતમાં 10 દિવસના વિરામ બાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 29 ઓગસ્ટ બાદ બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્રમાં શિયરઝોન નામની સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ
રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વધુ અસર જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર આનંદ ખેડા, દાહોદ અને વડોદરા સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદ પડશે. તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ રહેશે.
સિઝનનો 89.57 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ 89.57 ટકા સારો વરસાદ નોંધાયો છે. જૂન મહિનામાં 4 ઇંચ, જુલાઈ મહિનામાં 9 ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહિનામાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે. આવી રીતે સિઝનનો કુલ 29 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખુબ ફાયદાકારક બની રહેશે. હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતને 5 દિવસ સારો વરસાદ મળશે અને 5 દિવસ બાદ પણ વધુ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે.
સવારે 6થી 12 વાગ્યા સુધીનો વરસાદ
જિલ્લો | તાલુકો | વરસાદ |
મહિસાગર | ખાનપુર | 2.5 ઇંચ |
પંચમહાલ | ગોધરા | 2 ઇંચ |
અરવલ્લી | ભિલોડા | 2 ઇંચ |
વડોદરા | વડોદરા | 1.5 ઇંચ |
અરવલ્લી | ધનસુરા | 1 ઇંચથી વધુ |
સાબરકાંઠા | વિજયનગર | 1 ઇંચથી વધુ |
પંચમહાલ | શહેરા | 1 ઈંચ |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.