કોરોના મહામારીને કારણે રાજ્યમાં સવા વર્ષ કરતાં વધુ સમય સુધી સ્કૂલો બંધ રહી હતી, જેને પગલે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. કોરોનાએ આરોગ્યની સાથે સાથે લોકોને આર્થિક રીતે પણ નબળા પાડી દીધા છે, જેને કારણે તત્કાલીન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 25 જૂન, 2021ના રોજ ગત વર્ષની જેમ આ વર્ષે પણ 25 ટકા સ્કૂલ ફી માફી યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી. શિક્ષણમંત્રીની જાહેરાત માત્ર જાહેરાત પૂરતી જ રહી છે, હજુ સુધી 25 ટકા ફી માફીનો પરિપત્ર કરવામાં આવ્યો નથી. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 25 જૂને જાહેરાત કરી અને 11 સપ્ટેમ્બરે રાજીનામું આપ્યું ત્યાં સુધીમાં આ જાહેરાત અંગે કોઈ નક્કર નિર્ણય કર્યો નહોતો.
ભૂપેન્દ્રસિંહ ગયા બાદ વાઘાણી નવા શિક્ષણમંત્રી બન્યા હતા અને ભૂપેન્દ્રસિંહને પગે લાગીને ચાર્જ સંભાળ્યો હતો. જોકે પટેલ સરકારના પણ અઢી મહિના થઈ ગયા હોવા છતાં 25 ટકા ફી માફીનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. આમ પાંચ મહિનાથી 25 ટકા ફી ઘટાડાનો પરિપત્ર પણ કરવામાં આવ્યો નથી.
અત્યારે હું કોમેન્ટ કરું તો કેટલું વાજબી?
આ અંગે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ કહ્યું હતું- નો કોમેન્ટ. સ્વાભાવિક છે અત્યારે હું કોમેન્ટ કરું તો કેટલું વાજબી? ડિપાર્ટમેન્ટ છોડ્યા બાદ નો-એડવાઈઝ, નો-કોમેન્ટ.
નવા શિક્ષણમંત્રીએ પણ પરિપત્ર કરવામાં રસ ન દાખવ્યો
પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ 25 ટકા ફી માફી યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ એ અંગેનો કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નહોતો, જ્યારે નવા શિક્ષણમંત્રી જિતુ વાઘણીએ જૂના શિક્ષણમંત્રીએ વાલીઓના હિતમાં કરેલી જાહેરાતમાં ખાસ રસ ન લીધો અને હજુ સુધી કોઈ પરિપત્ર પણ જાહેર કર્યો નથી. 25 ટકા ફી માફી માટે કેમ પરિપત્ર જાહેર કરવામાં આવતો નથી એ પણ સવાલ છે. જો ફી માફીનો પરિપત્ર જાહેર થાય અને ખરેખર ફી માફી કરવામાં આવે તો ગુજરાતના લાખો વાલીઓને રાહત મળી શકે છે.
હાલ રાજ્યમાં 40 હજાર ખાનગી સ્કૂલ
ફી માફીની રાહતની અંદાજિત ગણતરી મુજબ હાલ રાજ્યમાં ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલ મળીને કુલ 61 હજાર જેટલી સ્કૂલ અને 40 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ છે. આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજિત 15,000 જેટલી સરકારી સ્કૂલ, 6000 કરતાં વધુ ગ્રાન્ટેડ અને 40,000 કરતાં વધુ ખાનગી સ્કૂલ છે.
વિદ્યાર્થીદીઠ સરેરાશ 2500ની ફી માફી થઈ શકે છે
હાલ ગુજરાતમાં 40 લાખ કરતાં વધુ બાળકો ધોરણ 1થી 12માં અભ્યાસ કરે છે. ગ્રાન્ટેડ સ્કૂલથી લઈને હાઇફાઈ ખાનગી સ્કૂલોમાં 2000થી લઇને 2 લાખ સુધીની ફી લેવામાં આવે છે, એટલે કે એક વિદ્યાર્થીની સરેરાશ ફી 10,000 પ્રતિ વર્ષ છે અને આ ફીમાંથી 25 ટકા ફી માફી મળે તો એક વિદ્યાર્થીને સરેરાશ 2500 રૂપિયાની ફી માફી મળે. હવે 40 લાખ વિદ્યાર્થીઓને સરેરાશ 2500 રૂપિયા ફી માફી મળે તો કુલ 1000 કરોડ રૂપિયાની ફીમાં રાહત મળી શકે.
ફી માફી આપે તો વાલીઓની આર્થિક સ્થિતિ સુધરી શકે છે
શિક્ષણ વિભાગ અને શિક્ષણમંત્રી ઈચ્છે તો વિદ્યાર્થીઓ માટે જે જાહેરાત કરી છે એ મુજબ 1000 કરોડની ફી માફી અપાવી શકે છે. છેલ્લા ચારેક મહિનાથી માંડ ધંધા-રોજગાર પાટા પર ચડ્યા છે, ત્યારે વાલીઓને ફીમાં રાહત આપવામાં આવે તો આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. અનેક વાલીઓએ ખાનગી સ્કૂલોમાં મોંઘીદાટ ફી ભરીને ભણાવતાં બાળકોને કોરોનાને કારણે સરકારી સ્કૂલોમાં મૂક્યાં છે, જ્યારે શિક્ષણમંત્રીએ કરેલી જાહેરાતનું નવા શિક્ષણમંત્રી અમલ કરાવવા પરિપત્ર જાહેર કરે એની વાલીઓ પણ રાહ જોઈ રહ્યા છે.
જો FRCમાં ફી વધારાની મંજૂરી મળે તો વાલીઓ પર વધુ બોજ આવશે
કેટલીક સ્કૂલોએ તો ફી વધારવા માટે FRCમાં દરખાસ્ત પણ મૂકી છે તો આ સ્કૂલોને ફી વધારવા માટે મંજૂરી મળશે તો તેમના માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઊભી થશે, કારણ કે એક તરફ 25 ટકા ફી માફીની જાહેરાત કરવાનો પરિપત્ર જાહેર કર્યો ન હોવાથી સ્કૂલો પૂરી ફી વસૂલી રહી છે તો બીજી તરફ FRCમાં ફી વધારાની મંજૂરી મળે તો ફી માફીની જગ્યાએ મૂળ ફીનો પણ વધારાનો બોજો પડશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..