PM મોદીએ અડાલજ ખાતે અન્નાપૂર્ણાધામનું કર્યું લોકાર્પણ, જાણો અન્નપૂર્ણાધામની શું છે વિશેષતાઓ

પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પીએમ મોદીએ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિર્મિત અડાલજમાં આવેલા અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ ભવનોનું ભૂમિપૂજન પણ કરાવ્યું.

અન્નાપૂર્ણા ધામમાં છાત્રાલય, લાયબ્રેરી, આર્ટ ગેલેરી સહિતના ભવનોની પણ શરૂઆત થઈ છે. આ સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ પણ શરૂ થઈ રહ્યા છે.

કેશુભાઇ પટેલને પગે લાગ્યા વડાપ્રધાન મોદી

ગાંધીનગરના અડાલજમાં અન્નપૂર્ણા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પગે લાગ્યા. PM મોદીએ લોકસભા ચૂંટણી પહેલા કેશુ બાપાના આશીર્વાદ લીધા. મહત્વનું છે કે PM મોદી કેશુ બાપાને ગુરુ પણ માને છે. જેથી PM મોદીએ ચૂંટણી પહેલા ગુરુના આશીર્વાદ લીધા હોવાનું પણ માનવમાં આવે છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મારું સૌભાગ્ય છે કે આપની વચ્ચે આવવાનું નિમંત્રણ મળ્યું અને આપ સૌના આશિર્વાદ પ્રાપ્ત કરવાનું પુણ્ય પ્રાપ્ત થયું . આપણા દેશમાં દુનિયાના લોકો માટે આપણો ધર્મ આપણી પરંપરા સમજવી એ ભારે કામ છે. ખૂબ જલ્દી સમજાય નહીં. કારણ કે આપણે ત્યાં કોઈ એક ધર્મ પુસ્તક નહીં, કોઈ એક ભગવાન નહીં, કોઈ એક પુજા પદ્ધતિ નહીં, કેટલી બધી વિવિધતાઓ એટલે કોઈને સમજણ ન પડે અને એજ આપણી વિશેષતા.

કાઠિયાવાડમાં ખેડૂનો એટલે લેઉવા પટેલ

પીએમ મોદીએ કહ્યું કે, “સમાજ જીવનમાં જેણે સૌથી વધુ અન્નદાતાનું કામ કર્યું, ખેતર ખેડીને કણમાંથી મણ કરીને જેણે સમાજજીવનની ચિંતા કરી. કાઠિયાવાડમાં ખેડૂતનો મતલબ એટલે કે લેઉવા પટેલ. આ વિશેષતાનાં ભાગરૂપે આજે વિધિવત રીતે દેવી અન્નપૂર્ણા માતાનું તીર્થક્ષેત્રનું લોકાર્પણ થયું છે.

આપણા દેશમાં જેવા ભક્ત છે તેવા ભગવાન છે

તેમણે જણાવ્યું હતું કે, આપણે એવા લોકો છીએ કે ભક્ત શિક્ષાનો ઉપવાસક હોય તો ભગવાન સરસ્વતી હોય. કહી તેમણે ભારતીય પરંપરા અને વિશેષતા અંગે જણાવ્યું હતું. વધુમાં તેમણે રોટલો અને ઓટલો વિશે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોઈ પણ દિશામાં 20-25 કિલોમીટરે જાવ એટલે ત્યાં ઓટલો અને રોટલો બંન્નેની વ્યવસ્થા હોય. કહી તેમણે ભારતીય પરંપરાના વખાણ કર્યા હતા અને નર્મદાનું મહાત્મય જણાવ્યું હતું.

તેમણે પોતાના ભાષણમાં સમાજને પ્રોત્સાહિત કરવાના હેતુસર જણાવ્યું હતું, આપણા દેશમાં હવે આ રિવાજ થયો છે કે બધું સરકાર કરે છે. ભારતમાં એ પરંપરા નહોતી, ધર્મશાળા બનતી, ગૌશાળા બનતી હતી, લાખો વણઝારો અડાલજની વાવ બનાવતો આ બધા કામ સરકાર નહોતી કરતી લોકો કરતા હતા. ધીમે ધીમે સમાજની શક્તિઓને જાણી જોઈ દબાવવામાં આવી. અમારું કામ છે રાજ્ય રાજ્યનું કામ કરે સમાજ શક્તિશાળી હોવો જોઈએ.

તેમણે જાતિવાદ પર પ્રહાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, નક્કી કરીએ કે લેઉઆ પટેલ સમાજ જેના ઘરમાં દિકરી પેદા થાય તે પગે લગાડવા માટે મા અન્નપુર્ણાના ધામે આવે જ. કોઈ પણ વસ્તુને જાતિવાદના રંગે રંગવી એ પાપ છે.

તેમણે અમુલ ડેરી અને લેઉઆ પટેલનું સમાયોજન સાધતા કહ્યું હતું કે, અમુલ ડેરીનો જન્મ થયો તે કરનારા લોકો કોણ હતા ? તે બધા લેઉઆ પટેલ હતા. અમુલ ડેરીથી દરેક સમાજના લોકોને લાભ થયો છે. તેમણે પોતાના સંબોધનમાં રામચરિત માનસનો દોહો બોલ્યો હતો અને તેના અર્થ સાથે પંચતત્વના મુળ ભાવને ઝીલ્યો હતો.

તેમણે પોતાના વક્તવ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે દુનિયાએ માથુ ઉંચુ કરી જોવું પડે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાત રાજ્યના રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલ, શ્રી આનંદીબેન પટેલ, ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, ભારત સરકારના રાજ્યકક્ષાના મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા, વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણી ઉપસ્થિત રહેશે..

આ પ્રસંગે મંદિર અને શિક્ષણ ભવનના મુખ્ય દાતાઓ શ્રી કરશનભાઇ પટેલ (નિરમાગ્રુપ), શ્રી પંકજભાઇ પટેલ (ઝાયડસ કેડિલા ગ્રુપ), શ્રી હરેશભાઇ વસાણી (વસાણી ગ્રુપ), શ્રી શેખર પટેલ (ગણેશ હાઉસિંગ) ભોજનાલયના દાતા, શ્રી સુજલ પટેલ (લાયબ્રેરીના દાતા), શ્રી વરૂણ નરહરિ અમીન(કોન્ફરન્સ હોલના દાતા), શ્રી સુધીરભાઇ મહેતા (વ્યવસાયિક તાલીમ કેન્દ્રના દાતા),શ્રી નાગજીભાઇ શિંગાળા (વ્યવસાયિક તાલીમ કેન્દ્રના દાતા) તેમજ શ્રી સ્વામિનારાયણ ટ્રસ્ટ, અડાલજના ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું..

અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના સુકાનીઓએ જણાવેલ કે સમયના બદલાતા પ્રવાહમાં સમસ્ત લેઉવા પાટીદારો ગોળ-વાડા ભૂલી સંગઠિત થઇ સમગ્ર લેઉવા પાટીદારોના સામાજીક અને શૈક્ષણિક વિકાસના કાર્યમાં લાગે, તે હેતુથી આપણાં આરાધ્ય દેવી મા અન્નપૂર્ણાના નેજા હેઠળ શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજની સ્થાપના કરવામાં આવી છે.

લેઉવા પટેલો ૨૦૦૦ વર્ષ પહેલાં અડાલજમાં આવ્યાં હતા અને મા અન્નપૂર્ણાને સાથે લાવી ઐતિહાસિક અડાલજની વાવમાં અન્નપૂર્ણા માતાની સ્થાપના કરી હતી. આ ઐતિહાસિક વિરાસતની સ્મૃતિરૂપે વિશ્વનું સૌ પ્રથમ પંચતત્વ આધારિત મા અન્નપૂર્ણાના મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અહીં તમામ સમાજ માટે મા અન્નપૂર્ણાના મંદિરમાં પ્રવેશની છુટ રહેશે. અંધશ્રધ્ધાથી પર એવા મા અન્નપૂર્ણાનું સ્થાન એવા આ મંદિરમાં દાનપેટી કે શ્રીફળ વધેરવાની વિધથી પર હશે. આ પરિસર ધરતીપુત્રોની માતા તરીકે લેઉવા પાટીદારોની એકતા માટેનું મધ્યબિંદુ થવા જઇ રહ્યું છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ, અડાલજ તેમજ સમસ્ત ગ્રામજનોએ મા અન્નપૂર્ણાના મંદિર અને વિદ્યાર્થીઓનું છાત્રાલય તેમજ શિક્ષણ ભવન બનાવવા માટે જમીન દાનમાં આપેલ છે.

શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજના પ્રમુખ નરહરિ અમીન, ચેરમેન રવજીભાઇ વસાણી, મેને.ટ્રસ્ટી બિપીનભાઇ પટેલે પત્રકારોને માહિતી આપી હતી.


અન્નપૂર્ણાધામ મંદિરની ખાસ વિશેષતાઓ..

વિશ્વનું સૌપ્રથમ પંચતત્વ આધારિત મા અન્નપૂર્ણાનું ભવ્ય મંદિર

૩૦ વીઘાથી વધુ જમીનમાં મંદિર સહિતનો સમગ્ર પ્રોજેકટ

મંદિરમાં દાનપેટી નહી હોય, કોઇએ પૈસા મૂકવાના રહેશે નહી

અન્નપૂર્ણાધામ શ્રીફળ વધેરવાની વિધિથી પર અને દોરા-ધાગા સહિતની અન્ય અંધશ્રધ્ધાઓથી પર રહેશે

સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ, અડાલજ અને સમસ્ત ગ્રામજનોએ અન્નપૂર્ણા માતાજીના આ ભવ્ય મંદિર અને વિદ્યાર્થીઓના છાત્રાલય માટે જમીન દાનમાં આપી છે.

600 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની વ્યવસ્થા થવાની છે, ભોજનાલય અને સ્પર્ધાત્મક પરીક્ષાનું તાલીમ કેન્દ્ર પણ બનવાનું છે.

મંદિરમાં માતા અન્નપૂર્ણાની મુખ્ય મૂર્તિ ઉપરાંત અંબાજી માતાજી, ખોડિયાર માતાજી, હનુમાનજી દાદા, ગણપતિ દાદાની મૂર્તિઓ ઉપરાંત યમદેવ, વરૂણ દેવ અને ઇન્દ્ર દેવની મૂર્તિઓની પણ પ્રાણપ્રતિષ્ઠા થશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો