ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામના તથા હાલ ઉમરેઠની યમુનાપાર્ક સોસાયટીમા રહેતા ઘનશ્યામભાઈ પટેલ તથા નયનાબેનના 32 વર્ષીય પુત્ર નીલકંઠભાઇ પટેલ પત્ની સોનલબેન તથા પુત્ર સમર્થ સાથે આફ્રિકાના દારેસલામ શહેરમા છેલ્લાં છ વર્ષથી રહેતા હતા. નીલકંઠ જીલી સન ફાર્મસી નામની કંપનીમા માર્કેટીગ મેનેજરની જોબ કરતા હતા. નીલકંઠ પટેલની નોકરીનું સ્થળ તેમના રહેઠાણના સ્થળથી પાંચ કિલોમીટર દૂર હોઇ તે બાઈક લઈને નોકરી પર જતો હતો.
વાસી ઉત્તરાયણના દિવસે તે નોકરી પરથી પરત આવી રહ્યો હતો ત્યારે આફ્રિકાના દારેસલામના કમાટા પોલીસ સ્ટેશનની સામે આવેલા પુગુ હાઇવે ઉપર પૂરપાટ ઝડપે આવી રહેલા એક કારના ચાલકે તેને અડફેટે લીધો હતો. આથી, નીલકંઠ હવામા ફંગોળાઈ રોડ પર પટકાયો હતો. અને તે કારની નીચે આવી ગયો હતો. આ બનાવમાં તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
કંપની તથા સંસ્થામાંથી સહાય અપાશે
મૃતક નીલકંઠના નાના ભાઇ યોગીન પટેલે જણાવ્યું હતું કે, તેમનો પરિવાર બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા સાથે સંકળાયેલો છે. સંસ્થા તથા નીલકંઠ જે કંપનીમા જોબ કરતો હતો તે કંપની દ્વારા ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. જે નીલકંઠની પત્ની તથા તેના આઠ માસના પુત્રને આપવામાં આવશે. નોંધનીય છે કે, નીલકંઠની સાથે તેનો ભાઈ તેમજ તેની બે બહેનો પણ આફ્રિકામાં સ્થાયી છે.
મૃતદેહને વતનમાં લાવવામાં આવશે
અકસ્માતની જાણ પરિવારજનોને થતાં જ આફ્રિકામાં રહેતા યોગીનભાઈ તેમજ તેમની બહેનોએ પોલીસ વિધિ પૂરી કરી હતી. અને તેના મૃતદેહને ઉમરેઠ એરકાર્ગો કરી વતન લાવવાની કવાયત હાથ ધરી હતી.