લગ્નમાં નાણાનો બિનજરૂરી રીતે ધુમાડો કરવાના બદલે સમુહ લગ્નોની પહેલ કરી અન્ય સમાજને પણ રાહ ચિંધવામાં અમરેલી જીલ્લાનો લેઉવા પટેલ સમાજ મોખરે

લગ્નમાં નાણાનો બિનજરૂરી રીતે ધુમાડો કરવાના બદલે સમુહ લગ્નોની પહેલ કરી અન્ય સમાજને પણ રાહ ચિંધવામાં અમરેલી જીલ્લાનો લેઉવા પટેલ સમાજ મોખરે છે. આગામી 17મી ફેબ્રુઆરીના રોજ 50 દિકરીઓના સમુહ લગ્ન યોજાવાના છે ત્યારે આજે આ કન્યાઓને અગાઉથી જ કરીયાવરનું વિતરણ કરી નખાયુ હતું. જ્ઞાતિના આગેવાનોની હાજરીમાં જુદી જુદી 40 વસ્તુઓ આ કન્યાઓને અપાઇ હતી.

અમરેલીના લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પટેલ સમાજના પ્રમુખ ડી.કે. રૈયાણીની રાહબરી હેઠળ આગામી 17મી ફેબ્રુઆરીના રોજ આ સમુહલગ્ન યોજાશે. જેમાં 50 યુગલો જોડાઇને જીવનની નવી સફર શરૂ કરશે. જ્ઞાતિ આગેવાનોના સહયોગથી આ સમુહ લગ્નમાં જોડાનાર કન્યાઓને જુદી જુદી 40 વસ્તુઓ કરીયાવર પેટે આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. આજે પટેલ સમાજના આગેવાનોની ઉપસ્થિતીમાં કન્યાઓને એડવાન્સમાં જ કરીયાવર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ઉપપ્રમુખ કાંતીભાઇ વઘાસીયા, બાબુભાઇ બાબરીયા, જગદિશભાઇ તળાવીયા, હિંમતભાઇ ધાનાણી, ભાવેશભાઇ, વિપુલભાઇ લીંબાસીયા વિગેરેની ઉપસ્થિતીમાં કન્યા પક્ષના સભ્યોને કરીયાવર સોંપી દેવાયો હતો. સમુહ લગ્નના દિવસે મોટી સંખ્યામાં લોકો હાજર હોય છે વળી આ સમયે દોડધામવાળી સ્થિતીમાં કરીયાવર પહોંચાડવો પડે છે તેને બદલે લગ્નના એક પખવાડીયા પહેલા જ કરીયાવરને તેના સ્થળે પહોંચાડી સુંદર ઉદાહરણ પુરૂ પડાયુ હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો