અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી / રિવરફ્રન્ટ પર 7 માળની ઊંચાઈ પર રાઇડ બંધ થતાં 29 લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા

આશ્રમ રોડ ખાતે વલ્લભસદનની પાછળ રિવરફ્રન્ટને કાંઠે આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે મોડી સાંજે રાઈડનો હાઈડ્રોલિક સળિયો તૂટી જતાં 14 બાળકો સહિત 29ને 21 મીટરની હાઈટ પર ફસાઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડને મેસેજ મળતાની સાથે જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે અનુભવના આધારે તાત્કાલિક 55 મીટરની હાઈટથી રેસ્કયુ કરી શકાય તેવું ટર્ન ટેબલ લેડર મોકલ્યું હતું અને ફાયરના જવાનોએ 20 મિનિટમાં તમામને રેસ્કયુ કરી નીચે ઉતારી લીધા હતા. જો કે, આ રેસ્કયુની કામગીરી ચાલી રહી હતી ત્યારે પણ એમ્યુઝમેન્ટ પાર્કની અન્ય તમામ રાઇડસ ચાલુ હતી.

14 બાળકો સહિત 29 લોકો ફસાયા, ફાયરે 7 માળ જેટલી ઊંચાઈથી લોકોને ઉતાર્યાં

FSLની મદદથી આજે રાઇડનું ઈન્સ્પેક્શન કરવામાં આવશે

જોકે ત્યારબાદ પોલીસ અને ફાયરવિભાગે ભેગા મળી એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરાવી દીધો હતો અને જ્યાં સુધી આ મેળાની તમામ રાઈડના ફિઝિકલ સર્ટિફિકેટની તપાસ નહીં થાય ત્યાં સુધી તેને ચાલુ કરવામાં આવશે નહીં. પોલીસે ઈલેક્ટ્રિક સપ્લાય તેમજ રાઈડના ઈન્સ્પેક્શન માટે સોમવારે એફએસએલની મદદ માગી છે. જોકે, 33 લોકો બેસી શકે તેટલી ક્ષમતાવાળી રાઈડમાં 29 લોકો જ હોવાના કારણે રેસ્કયુ ઝડપથી કરી શકાયું હતું. નિયમ મુજબ મેળાની મંજૂરી પીડબલ્યુડી દ્વારા આપવામાં આવે છે. જોકે અહીં લગાવવામાં આવેલી રાઈડના ફિઝિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે કે કેમ તે અંગે હવે તપાસ કરવામાં આવી રહી હોવાનું ફાયર વિભાગના સૂત્રોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, રિવરફ્રન્ટ ખાતેનો આ એમ્યુઝમેન્ટ પાર્ક ગત તારીખ 28 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યો હતો. અને તેની મંજૂરી પીડબલ્યુડી વિભાગ પાસેથી લીધી હતી અને ત્યારબાદ ફાયર અને પોલીસની પણ મંજૂરી લેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આખરે પોલીસ અને ફાયરબ્રિગેડે એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરાવ્યો

29 લોકોને 25 મિનિટમાં હેમખેમ બચાવ્યા

પોલીસે આયોજકોને રેસ્ક્યૂ ન કરવા દીધા

પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે, જ્યારે રાઇડ 21 મીટરની હાઈટ સુધી પહોંચી ત્યારે તેનો હાઈડ્રોલિક સળિયો તૂટી જતાં તે અટકી ગઈ હતી. જોકે, રાઈડને નીચે ઉતારવા માટે લોખંડની દોરી જેવુ બેકઅપ રાખવામાં આવ્યું હતંુ. પરંતુ તે બેકઅપથી રાઈડને નીચે ઉતારવા માટે પોલીસે મનાઈ ફરમાવી હતી. અને ત્યારબાદ ફાયર વિભાગને બોલાવી ફસાયેલા લોકોનુ રેસ્કયુ કરવામાં આવ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો