હોંગકોંગના એમ્બ્યુલન્સવાળા વીડિયોએ દુનિયાભરના લોકોને આપ્યો અનોખો સંદેશ

એક તરફ આપણા દેશમાં જ્યાં લોકો ઍમ્બ્યુલન્સને પણ ઓવરટેક મારીને નીકળી જવાની ફિરાકમાં હોય કે પછી તેને જોઈને પણ રસ્તો આપવામાં આડોડાઈ કરતા જોવા મળતા હોય તેવામાં હોંગકોંગના પ્રદર્શનકારીઓની આ સિવિક સેન્સનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા અભિભૂત થઈ ગયું હતું.

હોંગકોંગમાં વિવાદાસ્પદ અને પ્રસ્તાવિત પ્રત્યાર્પણ (એક્સ્ટ્રાડિશન) બિલના વિરોધમાં લોકોએ ગત રવિવારે પણ પ્રદર્શન કર્યું હતું. મળતી વિગતો પ્રમાણે આ રેલીમાં અંદાજે 10 લાખ કરતાં પણ વધુ લોકો જોડાયા હતા.
વીડિયોમાં પણ જોઈ શકાય છે કે ચિક્કાર મેદની હોવાથી ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી તેવામાં જ ઍમ્બ્યુલન્સ આગળ જવા માટે સાયરન વગાડતી વગાડતી નજીક પહોંચી ગઈ હતી. સામાન્ય રીતે તો આ ઍમ્બ્યુલન્સને આવી ભીડ વચ્ચેથી જો પસાર થવાની નોબત આવે તો કેટલો સમય લાગે તે કોઈ નક્કી ના કરી શકે. પણ સુખદ આશ્ચર્યવચ્ચે કોઈના પણ પ્રયત્નો સિવાય માત્ર ગણતરીની સેંકન્ડમાં જ આ ભીડ બાજુએ હટી ગઈ હતી જેથી ઍમ્બ્યુલન્સ સરળતાથી બહાર નીકળી શકે .

હોંગકોંગના પ્રદર્શનકર્તાઓની આવીસજાગતા અને માનવીય અભિગમને દુનિયાએ પણ વખાણ્યો હતો. યૂઝર્સે પણ આ વીડિયો જોઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કોમેન્ટ્સકરી હતી કે આ પ્રદર્શનકારીઓએ એક માણસનો જીવ બચાવીને તેમની પરિપક્વતા અને સ્વયં શિસ્તના દર્શન કરાવ્યા છે.

હોંગકોંગના લોકો છેલ્લાં ઘણા દિવસોથી આંદોલન કરી રહ્યા છે. આશરે 20 લાખ લોકોએ રસ્તા પર ઉતરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. પરંતુ, આ વીડિયો એક મિસાલ છે તે કઈ રીતે સામાન્ય લોકોને આંદોલનને કારણે તકલીફ ના થવી જોઈએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો