ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક અલ્પાબેન પટેલ વિશે જાણો

ભારત દેશને સંતો-મહંતોની ભૂમિ કહેવામાં આવે છે, એમાંય ગુજરાતની તો વાત જ નીરાળી છે. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા અનેક ગાયકોએ સિંહફાળો આપ્યો છે. આવી જ એક યુવા લોકગાયક છે અલ્પા પટેલ. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી અલ્પા પટેલે 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી. સુરતમાં માત્ર 50 રૂપિયાની ફીથી પહેલા પ્રોગ્રામની શરૂઆત કરનાર આ જ લોકલાડીલી ગાયક પર આજે ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય છે. સંતવાણી અને ડાયરાના પ્રોગ્રામદીઠ 1થી 1.25 લાખની ફી લેતા અલ્પા પટેલે પોતાના શરૂઆતી સંઘર્ષથી માંડીને સફળતા સુધીના સમય અંગે વિગતે વાત કરી હતી.

– નાનપણથી જ સંઘર્ષમય રહ્યું જીવન

‘હું જીવું ત્યાં સુધી મને કામ આપ, મારૂ કામ પુરૂ થાય ત્યાં સુધી મારૂ જીવન’ આ પંક્તિને હંમેશા વળગી રહેનાર બગસરાના મુંઝીયાસરની 27 વર્ષીય અલ્પા પટેલનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું છે. 1 વર્ષની ઉંમરે અલ્પા પટેલના પિતાનું અવસાન થતા પરિવાર માથે મોટી આફત આવી પડી. નબળી આર્થિક પરિસ્થિતિના કારણે અલ્પાના ભાઈ મહેન્દ્ર અને માતા મધુબેને મજૂરી કામ શરૂ કર્યું અને અલ્પાનો ઉછેર મામાને ઘરે થયો. મામાના ઘરે રહીને જુનાગઢ જિલ્લાની જુદી જુદી શાળામાં ધોરણ બાર સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ અલ્પાએ પીટીસીનો અભ્યાસ કર્યો.

મામાના ઘરે ઉછરેલી અલ્પાએ પોતાના નાના દ્વારા વારસામાં મળેલા સંગીતથી આજે આગવી ઓળખ ઉભી કરી છે. નાનાને સ્ટેજ પર પ્રોગ્રામમાં ગાતા જોઈને મોટી થયેલી અલ્પાને સંગીત અને સિંગીગમાં વધુ રસ જાગતા ભાઈ અને માતાએ આગળ વધવા સપોર્ટ કર્યો.

– 10 વર્ષની ઉંમરે કરી સિંગીગની શરૂઆત

‘ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો’, ‘ચાર ચાર ધામની મા ખોડલની આરતી’, ‘માંગુ વીસ આપે ત્રીસ મારો દ્વારકાધીશ’ જેવા અનેક ગીતોથી પ્રખ્યાતી પામેલા અલ્પા પટેલે માત્ર 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી. અલ્પાના નાનપણમાં પિતાના અવસાનથી ભાઈ અને માતા પર આવી પડેલી ઘરની જવાબદારીના કારણે માતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મજૂરી કામ કરતા હતા. સુરત સ્થાયી થયેલા મામાને ત્યાં પ્રોગ્રામમાં 11 વર્ષની ઉંમરે મળેલા પહેલા ચાન્સ બાદ સતત આગળ વધતી ગયેલી અલ્પા આજે સારી નામના ધરાવે છે.

મુશ્કેલ પરિસ્થિતિમાં સાથે રહ્યાં માતા અને ભાઈ

ખોડિયાર માતામાં અનેરી શ્રદ્ધા ધરાવતી અલ્પા પટેલને સિંગીગની શરૂઆતમાં નજીકના લોકોના મેણા-ટોણાનો સામનો કરવો પડ્યો હતો. જો કે અલ્પાએ જણાવ્યું હતું કે, મારી સામે આવેલી દરેક મુશ્કેલીમાં મારા ભાઈ મહેન્દ્ર અને માતાએ હંમેશા મારો સાથ આપ્યો છે, મારા સંઘર્ષના સમયમાં મને મળેલા પરિવારના સાથને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. સ્ત્રીઓને સંદેશો આપતા અલ્પા પટેલે જણાવે છે કે, ‘દરેક સ્ત્રી પાસે સમય અને મોકો હોય છે, જેથી તેમણે તેમની સુતેલી શક્તિને ઓળખી અને સંસ્કૃતિની જાળવણી સાથે આગળ વધવું જોઈએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

લોક ગાયક