ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આજે જાહેર થયું છે. અમદાવાદના સીટીએમ પાસે આવેલા હનુમાનનગરમાં રહેતી નેહા યાદવ નામની વિદ્યાર્થીનીએ 98.86 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યા છે. નેહાના પિતા રોડ પર લીલું ઘાસ વેચવાનો ધંધો કરે છે. બે રૂમમાં 9 લોકોની વચ્ચે રહી નેહાએ ધો. 12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરી હતી અને આજે 98.86 ટકા પર્સેન્ટાઇલ મેળવી પરિવાર ખૂબ જ ખુશ જણાય છે.
12 સાયન્સની પરીક્ષા શરૂ થતાં જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી: નેહા
ધો. 12 સાયન્સનું અમદાવાદ શહેરનું 74.58 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં સીટીએમ પાસે રોડ પર લીલું ઘાસ વેંચતા રાકેશભાઈ યાદવની પુત્રી નેહાને 98.86 ટકા પર્સેન્ટાઇલ આવ્યા છે. નેહાએ વાતચીતમાં જણાવ્યું હતું કે અમે જોઇન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મારુ ઘર નાનું છે માત્ર બે રૂમ છે અને તેમાં 9 લોકો રહીએ છીએ. 12 સાયન્સની પરીક્ષા શરૂ થતાં જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મેં બુક્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. બુક્સમાંથી જ તમામ તૈયારીઓ કરતી હતી. એક સાથે વાંચવાની જગ્યાએ થોડા થોડા સયે અભ્યાસ કરતી હતી. ટ્યુશન અને સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવતો હતો તેના પર ધ્યાન આપતી હતી. ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. આગળ શું કરીશ તે હજી નક્કી નથી. ગુજકેટની પરીક્ષાની હવે તૈયારી કરીશ. વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે બુક્સ જ વાંચવી જોઈએ બીજા કહે આ બુક્સ કે અન્ય મટીરીયલ વાંચો તેના પર ધ્યાન આપવું જોઈએ નહીં.
સરકારી કોલેજમાં પ્રવેશ મળશે તો ડોકટર બનશે
નેહાના પિતા રાકેશભાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે હું ઘાસ વેચવાનો વ્યવસાય કરું છું આગળ દીકરીને ભણાવવાની છે. મારી ઈચ્છા તેને ડોકટર બનાવવાની છે. જો સરકારી કોલેજમાં પ્રવેશ મળશે તો ડોકટર બનશે કારણકે ખાનગી કોલેજમાં ભણાવવા માટે હું કેપેબલ નથી.