એમેઝોનમાં 30 ટકા ડેથ રેટ છે ત્યાં અલગ અલગ 6 પ્રકારની બોલી બોલતા આદિવાસીઓ રહે છે જેઓ જીવતા માણસને પણ ખાય છે. જેથી તેમને સમજાવી શકીએ એટલા માટે 6 બેઝિક લેંગ્વેજ શીખ્યો આ સાથે જંગલમાં જીવતા કેમ રહેવું તેના માટે યુ.કે.માં 6 મહિના સુધી ટ્રેનિંગ પણ લીધી.
સ્કોટલેન્ડમાં સ્ટડી કરતા અમદાવાદી રોહન હુંડીયાનો એમેઝોનના જંગલમાં રહેવાનો આઠ દિવસનો અનુભવ
- મારા સાથીઓ જીવતા રહેવા માટે સાપનો સૂપ, જીવતા બગ, બિટર ખાઈ લેતા, હું ફ્રૂટ ખાઈ જીવતો
- રાત્રે પ્રાણીઓથી બચવા ઝાડ પર શરીરને દોરડાથી બાંધી સૂઈ જતા
હેલિકોપ્ટરના દોરડાથી 11 જણની ટીમ સાથે સવારે 5.30 કલાકે નીચે ઉતરી જેમાં બે આર્મીના જવાનો, બે સર્વાઈવર અન્ય રિસર્ચર હતા. મારું કામ સ્પાઈડર મંકી પર રિસર્ચ કરવાનું હતું. અમે આગળ વધતા ગયા ક્યાંક ઝાડી ઝાંખરા અમારા કરતા મોટા હતા તો ક્યાંક ઉંચા-ઉંચા વૃક્ષોથી આકાશ પણ દેખાતું નહોતું. અહીં એનાકોન્ડા, જેગુઆર જેવા ઘાતક જાનવરો અને ભૂલભૂલામણી જેવું ઘોર જંગલ હતું તેવામાં સ્પાઈડર મંકી મળતા પીછો શરૂ કર્યો પરંતુ સાંજે 4.30 વાગ્યે અંધારું થઈ હતું. ખાણી-પીણીનો સામાન હતો એ ઓછો થઈ ગયો હતો. રાત પડતા ઉંચા ઝાડ પર પોતાના શરીરને દોરડાથી બાંધી રાત વાસો કર્યો, નીચે રહીએ તો જીવ જોખમમાં હતો.
કમર સુધીના પાણીમાં 12 કલાકમાં 4 કિમી ચાલ્યા અને પગ ફસાયો
બીજા દિવસે વરસાદ પડ્યો, કમર સુધી પાણી ભરાયા અમે 12 કલાક સુધી ચાલ્યા પરંતુ માંડ 3થી 4 કિમી જ અંતર કાપ્યું હશે. ભૂલભૂલામણી પર મારો પગ બે ઝાડની વચ્ચે ફસાયો. અમારી પાસે તલવારો હતી ઝાડ કાપ્યું તો ત્યાંની બુલેટ આન્ટના ઝૂંડે હુમલો કર્યો. મારી એક સાથીના પગે કરડી સાડા ચાર કલાક સુધી ચીસો પાડતી રહી કેમ કે, એ કરડતા બુલેટ વાગ્યા જેવું પેઈન થાય છે.
ખોરાક ખૂટી જતા સાથીઓએ જીવવા માટે સાપનો સૂપ બનાવ્યો
ત્રીજા દિવસે અમારો ખોરાક ખૂટી ગયો હતો બધા ભૂખ્યા હતા. 11માં હું એક જ વેજીટેરીયન હતો. તેમને જીવતો અને ઝેરી ના હોય તેવો સાપ દેખાયો વચ્ચેથી કાપ્યો અને પથ્થરથી આગ લગાવી તેનો સૂપ બનાવ્યો, વધારે ફૂડ માટે તેમને બગ અને બિટર જીવતા ખાધા કેમ કે સર્વાઈવ કરવા માટે એક જ રસ્તો હતો પરંતુ મેં મહેનત કરીને એક ફળ શોધ્યું અને ખાધું. ત્યાં એવા ઝાડ પણ છે કે જેની ડાળીઓ કાપતા દોઢ લિટર પાણી નિકળે છે. જે અમે પી લેતા.
અઢી કલાક સુધી કાદવથી બહાર ના નિકળી શક્યો
ઝાડીઓ વચ્ચે કાદવ ના દેખાતા હું પડી ગયો. 30 મિનિટમાં હું ગળા સુધી ડુબતો રહ્યો. કાદવમાં ઉપરથી ખેંચીએ તો જ નિકળાય જેથી મેં જેમ બાળક માની કુખમાં જે પોઝિશન પર હોય છે એ રીતે બન્ને પગને ઉપર કર્યા પરંતુ ત્યાંનો કાદવ હેવી હોવાથી બન્ને પગ ઉપર કરતા જ સવા કલાક થયો. જે બાદ તરવાની રીતથી 40થી 45 મિનિટે બહાર આવ્યો અને જીવ બચ્યો.
નદીમાં મગરને ઉલટો કરી દીધો
અમારે નદી પાર કરી આગળ વધવાનું હતું પરંતુ અંદર એનાકોન્ડા, સાપ અને મગર પણ હોય છે. 700 મીટર અંતર હતું અમે ધીમે ધીમે ચાલતા ગયા 4 કલાક જેવો સમય થયો હશે અને એક જંગલી મગર દેખાયો જેની વચ્ચે તલવાર મારવી પડે અથવા તેને ઉંધો કરી દેવો પડે જેથી આર્મીના ટ્રેઈન જવાને તેના પર કૂદીને ટેકનિકથી ઉંધો કરી દીધો અને અમે બચી ગયા.
કલાકો સુધી રસ્તો ભટકી ગયા
ત્યાં હોકાયંત્ર એ દિવસે ગોળ ગોળ ફરવા લાગ્યું, સૂરજ વાતાવરણના કારણે દેખાતો નહોતો અમને કોઈ રસ્તો યાદ નહોતો જેથી નદીનું વહેણ જે ઝાડ તરફ મે મહિનામાં અથડાઈને જતું ત્યાં વધારે ભીનું અને મોટી ચોંટેલી હતી જેથી તે ઈસ્ટ દીશા હોય છે તે ટ્રેનિંગમાં શીખવવામાં આવ્યું હતું તે આધારે કલાકો પછી રસ્તો મળ્યો.
વૃક્ષો પર મિરર બાંધ્યા અને મંકીનું બિહેવીયર ટેસ્ટ કર્યું
રિસર્ચમાં જાણવા મળ્યું કે, હ્યુમન પછી સૌથી વધારે શાર્પ બ્રેઈન પેરુ વીપન બ્લેક સ્પાઈડર મંકીનું હોય છે. જે માટે અમે ઝાડ પર સિંગલ મિરર લગાવ્યા જે પછી આગળ પાછળ બન્ને સાઈડ મિરર લગાવ્યા જેમાં મંકીનું રીએક્શન અદ્દલ માણસ જેવું જ જોવા મળ્યું.
રેસ્ક્યુ ટ્રેકરથી અમે પરત ફર્યા
રેસ્ક્યુ ટ્રેકર સેટેલાઈટની મદદથી હેલિકોપ્ટરની ટીમે અમને શોધી લીધા અમે સવારે 11 કલાકે પરત ફર્યા
1,500 વર્ડના ડૉક્યુમેન્ટેશનના આધારે સિલેક્શન થયું
નેશનલ જીઓગ્રાફીમાં તમે રિસર્ચ માટે કેટલા કેપેબલ છો તેના આધારે સિલેક્શન થાય છે, આજ સુધી પેરુ બ્લેક સ્પાઈડર મંકી પર રિસર્ચ નથી થયું જેથી મેં 1,500 વર્ડનું ડૉક્યુમેન્ટેશન આપ્યું હતું. જેમાં સ્પાઈડર મંકી પર મિરર સ્ટડી આઈડીયાના આધારે મારું સિલેક્શન થયું. જે બાદ એમેઝોનના જંગલમાં જીવીને સરવાઈવ કેમ કરવું તેની ટ્રેનિંગ આપવામાં આવે છે.
જે રીસર્ચ કર્યું તેની નેશનલ જીયોગ્રાફી ડૉક્યુમેન્ટ્રી બનાવશે
રીસર્ચ માટે ઝાડ પર કે નીચે કેમેરા ફીટ કરી દેવામાં આવતા હતા આ સાથે ડેટા પણ મેન્ટેન કરાતો હતો. રીસર્ચમાં સ્પાઈડર મંકીને લઈને ડૉક્યુમેન્ટ્રી બની નેશનલ જીયોગ્રાફીમાં બીજા વીક પછી બતાવાશે. અમે જાણ્યું કે, સ્પાઈડર મંકી કેવી રીતે ખોરાક શોધે છે, કેવી રીતે દુશ્મનથી બચે છે તેનો એરીયા પેરુ પુરતો જ કેમ વધારે છે, અન્ય પ્રાણીઓ કરતા બ્રેઈનની ક્ષમતા વગેરે પર રીસર્ચ કર્યું હતું.
નાશા અને હાર્વડ યુનિવર્સિટી સાથે કામ કરી ચૂક્યો છે રોહન
રોહન હુંડીયા કે જેની ઉંમર વીસ વર્ષ છે, જે સ્કોટલેન્ડમાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ ન્યુરો પર સર્જરી કરે છે, નાશા સાથે એક સ્ટાર્ટઅપમાં રીસર્ચને લગતું કામ કર્યું છે આ સાથે હાર્વડ જેવી યુનિવર્સિટીઓ સાથે પણ રીસર્ચને લગતા કામો કર્યા છે.
આદિવાસીઓ જીવતા માણસોને ખાઈ જાય છે જેથી બચવા 6 લેંગ્વેજ શીખી, 8 દિવસ રહેવા 6 મહિના ટ્રેનિંગ લીધી