આખો દિવસ ઓફિસમાં કામ કર્યા બાદ શું તમને કેબ શોધવામાં તકલીફ પડે છે? અથવા મોડી રાત સુધી ઓફિસમાં શિફ્ટ કર્યા બાદ સુરક્ષિત રીતે ઘરે કઈ રીતે પહોંચશો તેને લઈને તમે ચિંતિત છો? જો તમે એક મહિલા છો અને તમને પણ આવી ચિંતા થતી હોય તો હવે ટેન્શન ફ્રી થઈ જાઓ, કારણે અમદાવાદની મહિલાઓની સુરક્ષાની જવાબદારી શહેર પોલીસે ઉઠાવી છે. તમારે માત્ર શહેર પોલીસને ફોન કરવાનો રહેશે અને તેઓ તમને પિક અને ડ્રોપની સર્વિસ આપશે. 24*7ની આ સેવા થોડા દિવસ પહેલા જ શરૂ કરાઈ છે પરંતુ આ વિશે ખબર લોકોને ઈન્ટરનેશનલ વુમન્સ ડે પર થઈ, જ્યારે શહેર પોલીસે આ અંગે સોશિયલ મીડિયા પર જાગરૂકતા ફેલાવી.
અમદાવાદ શહેર પોલીસનું સરાહનીય પગલું
દેશના કેટલાક શહેરો એવા છે જ્યાં મહિલાઓ સુરક્ષિત નથી, આવા શહેરોમાં ઘણીવાર મહિલાઓ સાથે ડરામણી ઘટનાઓ બની હોવાના સમાચાર પણ પેપરમાં છપાતા રહે છે. ત્યારે અમદાવાદ પોલીસે ઉઠાવેલું આ પગલું સરાહનીય છે. અમદાવાદ આમ તો મહિલાઓ માટે સુરક્ષિત શહેર છે, પરંતુ સત્તાધીશો પાસે આ પ્રકારની સિસ્ટમ હોય તો થોડી રાહત મળે છે. કેબ ડ્રાઈવરો જ્યારે અંતિમ સમયે રાઈડ કેન્સલ કરી દે ખાસ કરીને મોડી રાત્રે, ત્યારે આ પિક અને ડ્રોપ સર્વિસ કામમાં આવે છે.
રાત્રે ડાયલ કરો 100
જ્યારે પણ ટ્રાન્સપોર્ટ ઓપ્શન શોધવામાં અસુરક્ષિત લાગે ત્યારે તમારે માત્ર 100 નંબર ડાયલ કરવાનો રહેશે. જેની 10 મિનિટની અંદર પીસીઆર વેન ત્યાં પહોંચી જશે અને તમને તમારા ઘર સુધી મુકી જશે. પોલીસ કમિશનર એ.કે. સિંહે જણાવ્યું કે, ‘મોટા ભાગના લોકો શહેરની મહિલાઓ માટે પોલીસે શરૂ કરેલી 24*7 સર્વિસ વિશે જાણતા નથી. ઘણીવાર એવું બને કે ટ્રાન્સપોર્ટસ માટે કેબ ન મળે અથવા તો મોડી રાતે કેબમાં જવું સુરક્ષિત ન લાગે ત્યારે તેઓ પીસીઆર વેનને મદદ માટે કોલ કરી શકે છે. આ કોમર્શિયલ સર્વિસ નથી, આ મહિલાઓ માટે બેક-અપ ઓપ્શન જેવું છે. અમે ઈચ્છીએ છીએ કે શહેરની તમામ મહિલાઓને આ વિશે જાણ થાય અને તેઓ પોતાને સુરક્ષિત અનુભવે’.’
શહેરની મહિલાઓ આ સર્વિસનો ઉપયોગ કરી રહી છે કે કેમ તે વિશે પૂછતાં ડીસીપી (કંટ્રોલ) વિજય પટેલે જણાવ્યું કે, ‘અમને રોજના બે-ત્રણ કોલ મળે છે. મહિલાઓ ઘણા કારણોસર પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતી નથી ત્યારે આ સેવા તેમને મદદ કરે છે. શહેરની મોટાભાગની મહિલાઓ આ વિશે જાણતી નથી, નહીં તો અમને વધુ કોલ મળત એવું લાગે છે’.
શહેર પોલીસની થઈ રહી છે પ્રશંસા
એક્ટ્રેસ મહેર મહાજને આ સેવાને લઈને અમદાવાદ પોલીસની પ્રશંસા કરી. તેણે કહ્યું કે, ‘મહિલાઓની સુરક્ષા અને સલામતી મામલે અમદાવાદ વધુ સારુ બન્યું છે. આ સર્વિસ મારા જેવી મહિલાઓની મદદ કરશે જેણે મોડી રાત સુધી અલગ-અલગ જગ્યા પર કામ કરવું પડે છે’.
શહેરની મહિલાઓનું શું કહેવું છે?
એલડી આર્ટ્સ કોલેજની વિદ્યાર્થિની શુભ્રા તિવારીએ કહ્યું કે, ‘વુમન્સ ડે પહેલા હું પિક અને ડ્રોપ સર્વિસ વિશે જાણતી નહોતી. મને ખુશી છે કે શહેર પોલીસ શહેરને વધારે સુરક્ષિત બનાવવાના પ્રયાસો કરી રહી છે. જ્યારે પણ હું કોઈ જગ્યાએ ફસાઈ હોઈશ અને મને ટ્રાન્સપોર્ટ માટે ઓપ્શન નહીં મળે ત્યારે હું મદદ માટે 100 ડાયલ કરીશ. આ સર્વિસ વિશે હું મારા પરિવાર અને મિત્રોને પણ જાણ કરીશ’.
In case any lady is out of her place of stay late at night and is unable to avail a taxi, auto, cab, etc. to reach her place of stay safety, then she may call the PCR at No. 100. The PCR shall send its vehicle to safety drop the lady to her place of stay. #MaruAmdavad #महिलादिवस pic.twitter.com/9CzDAd3Idm
— Ahmedabad Police (@AhmedabadPolice) March 8, 2019
આ પોસ્ટને વધુમાં વધુ શેર કરીને દરેક લોકો સુધી આ માહિતી પહોંચાડીએ.. આટલું કરીને આપણે પણ થોડા મદદગાર સાબિત થઈ શકીએ..