અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બેડવા ગામ નજીક કેમિકલ ભરેલા કન્ટેનરમાં લાગેલી આગને ઓલવવા આણંદ ફાયરવિભાગે એક લાખ લિટર પાણીનો મારો ચલાવ્યો હતો અને 200 લિટર કેમિકલ ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કન્ટેરમાં આગને કારણે ધડાકા થતા હતા જે બે કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયા હતા. કન્ટેનરનુ વેગન પેક હોવાના કારણે તેને કાપવા માટે જેસીબીનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. આગ વચ્ચે ત્રણ કલાકની ભારે જહેમત વચ્ચે જેસીબીથી વેગન કાપી શકાયુ હતુ. મધરાતે બાર વાગ્યા સુધી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો અને ત્યારબાદ બંધ કરાયેલો એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો.
આણંદ ફાયરબ્રિગેડે 1 લાખ લિટર પાણી અને 200 લિટર કેમિકલ ફોમનો ઉપયોગ કરી મધરાત્રે 12 વાગે આગ પર કાબૂ મેળવ્યો
હજારો વાહનો 25 કિલોમીટર સુધી ફસાયા હતા. ગરમી હોવાના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. ગરમીના કારણે લોકો પાણી વિના હાલાકીમાં મૂકાયા હતા. પીવાના પાણીની પણ ભારે અછત વર્તાતા લૂંટફાટ જેવો માહોલ ઉભો થયો હતો. પાણી માટે પર કતારોમાં ઉભેલા વાહનોના મુસાફરો પાસેથી રૂા.100-100 આસપાસના લોકોએ વસુલ્યા હતા. જો કે, કેટલાક સ્થળોએ ગામલોકોએ મદદ પણ કરી હતી.
મોડી રાત્રે પણ ટ્રાફિક જામ ઓછરવાના કોઈ અણસાર વર્તયા ન હતા. હાઈવે ઓથોરિટીએ ડિવાઇડર તોડીને ટ્રાફિકને વાળવાનો પ્રયાસ ના છુંટકે હાથ ધરાયો હતો. કલાકો સુધીના ટ્રાફિકજામના લીધે કેટલાક વાહનોમાં પેટ્રોલ- ડીઝલ પણ ખૂટવા લાગ્યા હતા. કેટલાક વાહનચાલકોએ ટ્વિટ કરીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનું પણ ધ્યાન દોર્યું હતું, જેનો માંડવિયાએ હકારત્મક જવાબ આપ્યો હતો જો કે તેમ છતાં NHAI ,IRB સ્ટેટ પોલીસ દ્વારા મદદ મળતી ન હોવાની વાહન ચાલકોએ ફરિયાદ કરી હતી
ઘટનાની જાણ થતાં વડોદરા જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગ્ગલ સહિત જિલ્લા પોલીસની ટીમો પહોંચી ગઇ હતી. તેમણે એક્સપ્રેસ વે પર વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો અને વાહનોને નેશનલ હાઇવે જીએસએફસી તરફ ડાયવર્ટ કર્યા હતાં. ડીએસપી દુગ્ગલે જણાવ્યું કે, ‘એક્સપ્રેસ વે બંધ કરી વાહનોને નેશનલ હાઇવે પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. મોડી રાતે આગ ઓલવાયા બાદ વાહનવ્યવહાર પુન: શરૂ કરવામાં આવ્યો હતો. ’ ઘટનાને પગલે સંખ્યાબંધ લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. કેટલાય લોકો એરપોર્ટ પર પરણ પહોંચી શકયા ન હતા. આ સ્થિતિના કારણે અને અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ નહીં હોવાના કારણે ફસાયેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમદાવાદ ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી.
હું 4 કિમી જેટલું ચાલીને ટ્રાફિકમાંથી નીકળ્યો છુંઃ ફસ્ટપર્સન અર્પિત ગુપ્તા
હું અમદાવાદથી વડોદરા જતો હતો ત્યારે 4.15 કલાકે મેં આણંદથી 13 કિમી દુર વાસદ પાસે ટ્રક વચ્ચે એક્સિડન્ટ જોયો હતો. ત્યારબાદ જ્યારે હું વડોદરાથી ફરી 5.15 કલાકે નિકળ્યો ત્યારે હવે 11.30 કલાકે અર્થાત્ 6 કલાક પછી અમદાવાદ પહોંચ્યો છું. પ્રાઈવેટ વાહનમાં ફસતાં હું 4 કિમી જેટલો ચાલીને ટ્રાફિક જામમાંથી બહાર આવ્યો છું. IRBની ટીમે માત્ર 4 બોટલ પાણી આપી લોકોને મદદ કરી હતી, 4 બોટલમાં તો કેટલા લોકો પાણી પી શકે. મારી નજર સામે અનેક લોકો પાણી અને ખોરાક માટે ટળવતાં હતાં. અર્પિત ગુપ્તા, નરોડા- અમદાવાદ
આઠ કલાક અટવાતાં ઘણાની ઇન્ટરનેશનલ ફ્લાઇટ છૂટી ગઈ
હું મુંબઈથી અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે એક્સપ્રેસવે સાવ બંધ હતો. મને જાણવા મળ્યું કે આણંદથી 5 કિલોમીટર દૂર કેમિકલ ભરેલી ટ્રકનો અકસ્માત થયો છે. અમે આઠ કલાક ફસાયેલા રહ્યા. ટ્રાફિકમાં ફસાયેલાં વાહનોમાં મહિલાઓ અને બાળકો પણ હતાં. લોકોને પાણીની જરૂર હતી, જોકે હાઈવેની આસપાસનાં ગામડાંના લોકોએ પાણીની સુવિધા પૂરી પાડી હતી. અમારી ગાડી રિવર્સ કે સાઇડમાં પણ નીકળી શકે તેવી સ્થિતિમાં નહોતી. ટ્રાફિકમાં ફસાયેલા ઘણાને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડવાની હતી, જે ટ્રાફિકને કારણે છૂટી ગઈ. પ્રકાશ ગજ્જર, મુસાફર
‘અમારી હદમાં નથી આવતું’ કહીને એસપી, પીઆઈ ત્યાંથી જતા રહ્યા
હું વડોદરાથી આવી રહ્યો હતો ત્યારે ટ્રાફિકમાં ફસાયો હતો. અમે પોલીસ અને એક્સપ્રેસ હાઈવેની હેલ્પલાઇનનો કોન્ટેક્ટ કર્યો, પરંતુ ત્યાંથી અમને કોઈ જ જવાબ ન મળ્યો. બાદમાં આ બંને નંબર વ્યસ્ત આવી રહ્યા હતા. વડોદરાથી અમદાવાદ આવતી લાઇનને ક્લીયર કરાવવા માટે એસપી અને પીઆઈ રોંગસાઇડથી આવ્યા હતા, પરંતુ એક્સપ્રેસ હાઈવે તેમના અંડરમાં ન આવતો હોવાનું કહીને ત્યાંથી નીકળી ગયા હતા. અકસ્માત થયેલી ટ્રકમાં કેમિકલ ભરેલા ડ્રમ હોવાથી થોડા થોડા સમયે તેમાં બ્લાસ્ટ થઈ રહ્યા હતા. ઇમરાન શેખ, મુસાફર
કન્ટેનર તોડવા ક્રેન અને જેસીબીનો ઉપયોગ કરવો પડ્યો હતો
અમને સાંજે ચાર વાગ્યાના અરસામાં અકસ્માત બાદ કેમિકલ ભરેલા કન્ટેરમાં આગ લાગ્યાનો સંદેશો મળ્યો હતો. પાંચ ફાયર ફાયટર અને કેમિકલ ફોમનો ઉપયોગ કરીને મોડી રાત્રે 11.30 વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સમયે જ વાહનોની એક કતાર ચાલુ કરવામાં આવી હતી. ક્રેઇન અને જેસીબીનો ઉપયોગ કરીને કન્ટેનરનું વેગન તોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગેલી ટ્રકને રોડ પરથી નીચેની તરફ ઉતારવામાં આવી હતી. જી. એસ. દિવાન, ફાયર ઓફિસર, આણંદ