દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું અવસાન: પુણેની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું 77 વર્ષનું ઉંમરમાં 26 નવેમ્બરના રોજ પુણેની હોસ્પિટલ દીનાનાથ મંગેશકરમાં અવસાન થયું હતું. તેઓ છેલ્લાં ઘણાં દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં. થોડાં દિવસ પહેલાં જ વિક્રમ ગોખલેનું અવસાન થયું હોય તેવી વાતો વહેતી થઈ હતી. તે સમયે વિક્રમ ગોખલેની પત્ની તથા દીકરીએ સ્પષ્ટતા કરી હતી કે વિક્રમ ગોખલેનું અવસાન થયું નથી. વિક્રમ ગોખલેના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સો.મીડિયામાં શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત અક્ષય કુમાર, મનોજ વાજપેયી, અનુપમ ખેર સહિતના સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

18 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા
વિક્રમ ગોખલે છેલ્લા 18 દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં એડમિટ હતા. તેમના અંતિમ સંસ્કાર (26 નવેમ્બર) પુણેના વૈકુંઠ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. હોસ્પિટલથી વિક્રમ ગોખલેના પાર્થિવદેહને બાલ ગાંધર્વ રંગ મંદિર લઈ જવામાં આવ્યો હતો. અહીંયા ચાહકો તથા મિત્રોએ અંતિમ દર્શન કર્યા હતા. ત્યારબાદ અહીંથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમનું અવસાન મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું હતું. છેલ્લાં કેટલાંક દિવસથી તેઓ વૅન્ટિલેટર સપોર્ટ પર હતા.

પુણેમાં જન્મ
વિક્રમ ગોખલેનો જન્મ 14 નવેમ્બર, 1945ના રોજ પુણેમાં થયો હતો. તેમના વડદાદી દુર્ગાબાઈ કામત ઇન્ડિયન સ્ક્રીનના ફર્સ્ટ ફીમેલ એક્ટર હતા, જ્યારે દાદી કમલાબાઈ ગોખલે ઇન્ડિયન સિનેમાના ફર્સ્ટ ફિમેલ ચાઇલ્ડ એક્ટર હતા. વિક્રમ ગોખલેના પિતા ચંદ્રકાંત ગોખલે મરાઠી ફિલ્મ તથા સ્ટેજ આર્ટિસ્ટ હતા. તેમણે 70થી વધુ મરાઠી તથા હિંદી ફિલ્મસ કરી હતી.

ઐશ્વર્યા રાયના પિતાના રોલમાં જોવા મળ્યા હતા
વિક્રમ ગોખલેએ 1971માં અમિતાભની ફિલ્મ ‘પરવાના’થી કરિયરની શરૂઆત કરી હતી. અમિતાભ તથા વિક્રમ વચ્ચે ખાસ મિત્રતા હતા. વિક્રમ ગોખલેએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં ઐશ્વર્યા (નંદિની)ના પિતાનો રોલ ભજવ્યો હતો. આ ઉપરાં તે ‘ભૂલ ભુલૈયા’, ‘દિલ સે’, ‘અગ્નિપથ’, ‘દે દના દન’, ‘હિચકી’, ‘મિશન મંગલ’, ,’ગોદાવરી’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લે તેઓ ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળ્યા હતા.

મરાઠી ફિલ્મની વાત કરીએ તો તેમણે ‘નટસમ્રાટ’, ‘લપનદાવ’, ‘કલત નકલત’, ‘વઝીર’, ‘બાલ ગૌ કાશી અંગાર’, ‘અનુમતિ’,’મુક્તા’, ‘મે શિવાજી પાર્ક’ તથા ‘AB આની CD’માં કામ કર્યું હતું. તેમણે મરાઠી ફિલ્મ ‘અઘાટ’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું.

વિક્રમ ગોખલેની મરાઠી ફિલ્મ ‘નટસમ્રાટ’ (2016) સુપરહિટ રહી હતી. આ ફિલ્મ મરાઠી પ્લેરાઇટર કુસુમાગરાજના આઇકોનિક મરાઠી નાટક ‘નટસમ્રાટ’ પરથી બનાવવામાં આવી હતી. આ નાટક 1970માં પહેલી વાર ભજવવામાં આવ્યું હતું. ત્યારે ડૉ. શ્રીરામ લાગુએ નાટકમાં નટસમ્રાટનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં વિક્રમ ગોખલે ઉપરાંત નાના પાટેકર, મેધા માંજરેકર, મૃણનયની દેશપાંડે, સુનીલ બાર્વે, નેહા પેંડસે જેવા કલાકારો હતા. આ મરાઠી ફિલ્મને મહેશ માંજરેકરે ડિરેક્ટ કરી હતી. આ નામ પરથી ગુજરાતીમાં પણ ફિલ્મ બની હતી. આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી અને ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, મનોજ જોષી, દીપિકા ચિખલિયા જેવા કલાકારો હતા.

વિક્રમ ગોખલેએ દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતી સિરિયલ ‘ઉડાન’માં પણ કામ કર્યું હતું. આ સિરિયલ 1989-1991 સુધી પ્રસારિત થઈ હતી. તેમણે ‘ઘર આજા પરદેશી’, ‘અલ્પવિરામ’, ‘જાને ના દિલ સે દૂર’, ‘સંજીવની’ તથા ‘ઈન્દ્રધનુષ’, ‘અકબર બીરબલ’ જેવા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું. ​​​​​​

અમિતાભ બચ્ચને વિક્રમ ગોખલેને ઘર લઈ આપ્યું હતું
કરિયરના શરૂઆતના દિવસોમાં વિક્રમ ગોખલેએ મુંબઈમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. તેમની પાસે રહેવા માટે કોઈ ઘર નહોતું. આ વાતની જાણ જ્યારે અમિતાભ બચ્ચનને થઈ તો તેમણે તત્કાલીન મુખ્યમંત્રી મનોહર જોષીને વિક્રમ ગોખલેને ઘર મળે તે માટે ચિઠ્ઠી લખી હતી. તે ચિઠ્ઠીના આધારે વિક્રમ ગોખલેને મુંબઈમાં સરકારી ઘર મળ્યું હતું. વિક્રમ ગોખલે એક્ટર અમિતાભનું આ અહેસાન ક્યારેય ભૂલ્યા નહોતા. વિક્રમ ગોખલે જ્યારે પણ પોતાના સંઘર્ષની વાત કરે ત્યારે અચૂકથી આ વાત કરતા હતા.

વિક્રમ ગોખલેએ મિત્ર અમિતાભ બચ્ચન અંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના ઉત્તમ કલાકાર છે. જ્યારે તેઓ તેમના વખાણ કરે છે, ત્યારે તેમની પાસે શબ્દો હોતા નથી. તેઓ એકબીજાને છેલ્લે 55 વર્ષથી ઓળખે છે. તે એટલું કહી શકે તે એક જેન્ટલમેન છે. તે માને છે કે લોકોએ અમિતાભ બચ્ચનની સફળતા જોઈ છે, પરંતુ તેમણે તેમનો સંઘર્ષ જોયો છે. જો લોકો જાણવા માગે કે એક્ટિંગ શું છે, તો તેમણે અમિતાભની ફિલ્મ જોવી જોઈએ.

રિયલ એસ્ટેટ ફર્મ ચલાવતા હતા
વિક્રમ ગોખલે પુણેમાં રિયલ એસ્ટેટ ફિર્મ સુજાતા ફાર્મ્સ ચલાવતા હતા. ગોખલે સોશિયલ એક્ટિવિસ્ટ પણ હતા. વિક્રમ ગોખલે દિવ્યાંગ સૈનિકો, અનાથ બાળકોના શિક્ષણ પર કામ કરતી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને દાન આપતા હતા.

2016માં નાટકોમાં કામ કરવાનું બંધ કર્યું
ફેબ્રુઆરી, 2016માં વિક્રમ ગોખલેને ગળાની તકલીફ થઈ હતી. આ જ કારણે તેમણે થિયેટર એક્ટિવિટી બંધ કરી દીધી હતી. જોકે, તેમણે ફિલ્મમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

વડાપ્રધાને શોક પ્રગટ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્રમ ગોખલેના અવસાન પર શોક પ્રગટ કર્યો હતો. તોમણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, વિક્રમ ગોખલેજી ક્રિએટિવ તથા વર્સેટાઇલ એક્ટર હતા. તેમણે પોતાની લાંબી કરિયરમાં ઘણાં યાદગાર અને રસપ્રદ રોલ ભજવ્યા છે. તેમના જવાથી આઘાત અનુભવું છું. તેમના પરિવાર, ચાહકો તથા મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો