ગાંધીનગરના સાંતેજમાં ત્રણ વર્ષની બાળકી સાથે રેપ કરનારને 27 દિવસમાં મળી આજીવન કેદની સજા, બે દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું

ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં ત્રણ વર્ષની એક બાળકીની હત્યા નીપજાવી દુષ્કર્મ ગુજારવાના મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહત્ત્વનું છે કે માસૂમ બાળકીની હત્યા અને દુષ્કર્મ કેસમાં પોલીસે માત્ર આઠ દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી માત્ર 14 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી સજા ફટકારી દાખલો બેસાડ્યો છે.

ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલામાં સેશન્સ કોર્ટે આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી છે. ગાંધીનગર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવાયો હતો. દેશના ઇતિહાસમાં સૌથી ઝડપી માત્ર 8 દિવસમાં ગાંધીનગર પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો. ત્યારે મજબૂત પુરાવાઓને આધારે કડકમાં કડક સજા મળે તેવી અપીલ કરાઈ હતી. આરોપી વિજય ઠાકોર સામે ત્રણ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે.

ગત દિવાળીના તહેવારો દરમિયાન ગાંધીનગર જિલ્લાના રાંચરડા અને સાંતેજ વિસ્તારની આસપાસમાં નાની શ્રમજીવી વસાહતોમાં રહેતી ત્રણ માસૂમ બાળકીનાં અપહરણ અને બળાત્કારની ઘટના બની હતી, જેમાં એક ત્રણ વર્ષની બાળકીની હત્યા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસના મામલે ગાંધીનગર પોલીસે આરોપી વિજય ઠાકોરની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તેણે તમામ ગુના આચર્યાના ખુલાસા થયા હતા. બાદમાં સમગ્ર કેસની તપાસ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચપી ઝાલાને સોંપવામાં આવી હતી.

જેમાં પોલીસે વિજય ઠાકોર સામે નોંધાયેલા અલગ અલગ ગુનાઓ પૈકી ત્રણ વર્ષની બાળકીની હત્યા-દુષ્કર્મ કેસમાં આઠ દિવસના રિમાન્ડ મેળવીને તેની સામે મજબૂત પુરાવા મેળવ્યા હતા, જેના આધારે ધરપકડના આઠ દિવસમાં જ એટલે કે 15મી નવેમ્બરના રોજ ગાંધીનગર કોર્ટમાં 500 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં 60 વધુ સાક્ષીઓનાં નિવેદનો, સીસીટીવી, એફએસએલ રિપૉર્ટ, સહિતના મહત્વના પુરાવાઓ એકઠા કર્યા હતા. .આ ચાર્જશીટ ફાઇલ થયા બાદ ગાંધીનગર પોક્સો કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી, જેમાં સરકારી વકીલ સુનીલ પંડયાએ ફાંસીની સજાના 13 જજમેન્ટ કોર્ટમાં રજૂ કર્યા હતા અને 66 પાનાંની દલીલો પણ રજૂ કરી હતી.

કઈ રીતે બની હતી ઘટના?
વિજય ઠાકોરે ત્રણ વર્ષની બાળકીનું બાઈક પર અપહરણ કરી અવાવરૂ નાળામાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું, જેને કારણે બાળકી રડવા લાગી હતી અને ગુપ્ત ભાગેથી પુષ્કળ રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો. આથી પકડાઈ જવાની બીકે વિજયે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. એ અંગે ગુનો દાખલ થયા પછી ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાળકીનું બી.જે. મેડિકલ કોલેજ ખાતે પેનલ ડોક્ટરો મારફત પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં વીર્યના અવશેષો મળ્યા હતા. ઉપરાંત વિજયના પેન્ટ પરથી પણ વીર્યના ડાઘ મળી આવ્યા હતા.

આરોપીના રિમાન્ડ દરમિયાન તેણે બાળકીનાં વસ્ત્રો બનાવ સ્થળથી થોડેક દૂર ફેંકી દીધા હોવાની કબૂલાત કરી હતી, જેને પગલે પોલીસે એફએસએલની ટીમ, પંચો તેમજ વીડિયો રેકોર્ડિંગ સાથે સ્થળ પરથી બાળકીનાં કપડાં કબજે લીધાં હતાં. ત્યારે વિજયને લઈને પોલીસ તેના ઘરે ગઈ હતી. એ સમયે કબાટમાં ઘણાં કપડાં હતાં, પરંતુ બળાત્કાર – હત્યા સમયે તેણે કયાં કપડાં પહેર્યાં હતાં એની સાચી હકીકત જણાવતો નહોતો. જેથી પોલીસે તેનાં બધાં કપડાં કબજે લઈ FSLમાં મોકલી આપતાં એક કપડાંની જોડના પેન્ટની ચેઇન પરથી વીર્યના તેમજ બાળકીના રુધિરના અવશેષો મળ્યા હતા, જેનું DNA પરીક્ષણ કરાવવામાં આવતાં બાળકીના ગુપ્ત ભાગેથી મળી આવેલા વીર્યના અવશેષો સાથે મેચ થઈ ગયા હતા.

બે દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું
સાંતેજમાં ત્રણ વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મ મામલે આરોપી વિજય ઠાકોરની પોલીસે ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ અન્ય બે બાળકીનું પણ અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું હોવાની કબૂલાત કરી હતી. આરોપી વિજય ઠાકોર સામે પાંચ વર્ષની બાળકી સાથેના દુષ્કર્મના કેસની 400 પાનાંની ચાર્જશીટ પણ કોર્ટમાં ફાઇલ પણ કરી દેવામાં આવી છે, જેની સુનાવણી નજીકના દિવસમાં શરૂ થવાની શક્યતા છે. આ ઉપરાંત હવે દુષ્કર્મના તમામ કેસની પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે. હવે પોલીસ તેની ફરીથી કસ્ટડી મેળવીને મહિલાઓ પર હુમલો કરીને દાગીના તેમજ કીમતી મત્તાની લૂંટ અંગેના કેસની પૂછપરછ કરશે.

કેસને વધુ મજબૂત કરવા માટે પોલીસે મૃત બાળકીની માતાનું DNA પરીક્ષણ કરાવ્યું હતું, કેમ કે બાળકીના જન્મનો કોઈ પુરાવા હતો નહીં, આથી DNA પરીક્ષણ થકી માતા – બાળકીના સંબંધો પ્રસ્થાપિત કરી વધુ એક પુરાવો ભેગો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિજયના બે મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યા હતા. આ બનાવ અગાઉ એક બાળકી સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું. એ વખતે બાળકી પાસેથી મોબાઈલ વિજયે લઈ લીધો હતો જેનું સિમકાર્ડ વિજયે પોતાના મોબાઈલમાં લગાવ્યું હતું. પોલીસે મોબાઈલની ગેલરી જોતાં એક હજાર પોર્ન ફોટા મળી આવ્યા હતા, જેના પરથી પોલીસને વિજય ઠાકોર પોર્ન એડિક્ટ હોવાની ખબર પડી હતી.

આરોપી વિજય ઠાકોરને આજીવન કારાવાસ કેમ?
વાંસજડાના આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા થઈ તેની પાછળનું કારણ જણાવતાં સરકારી વકીલ સુનિલ પંડ્યાએ કહ્યું કે, આરોપીએ 3 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું, જેમાં બાળકી પ્રતિકાર કરી શકે તેમ નહોતી. તેણે બાળકીને અજ્ઞાત સ્થળે લઈ જઈ બાળકીના કપડાં સહિતના પુરાવાનો નાશ કર્યો હતો. બાઇક પર વિજય લખાયુ હતું અને મોટી ભોયણની એક કંપનીના સીસીટીવી કૅમેરામાં કેદ થયો હતો. ઉપરાંત આ બાઇક વિજય ઠાકોરે નવું ખરીદ્યું હતું અને તેના નામે આરટીઓમાં રજિસ્ટર્ડ થયેલું હતું. બળાત્કાર કરાયા બાદ બાળકીના લોહીના નમૂનામાં આરોપીના વીર્યના ડીએનએ મેચ થતા હતા. તમામ બાબતોને ધ્યાનમાં લેતાં કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

ફાંસીની સજા માટે કસાબનો કેસ ટાંક્યો
કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની સજા કરવા માંગ થઈ હતી. જેમાં આરોપીની 26 વર્ષની ઉંમર હોઈ ઉંમર ધ્યાને રાખીને તેને આજીવન કેદ કરવી જોઈએ નહીં પણ સુપ્રીમ કોર્ટે ઘણા કેસોમાં ઠરાવ્યું છે તેમ જો પુરતા સંજોગો અને કારણો હોય તો દેહાંતદંડની સજા કરી શકાય તેવી દલીલ કરતા સરકારી વકીલે આ કેસ માટે આંતકી અજમલ કસાબનો કેસ ટાંક્યો હતો.

કલમ 302 (હત્યા) હેઠળ આજીવન કારાવાસ.
કલમ 363 (અપહરણ) હેઠળ 7 વર્ષની સજા અને 5 હજાર દંડ.
કલમ 366 (અપહરણ) હેઠળ 10 વર્ષની સજા અને 3 હજાર દંડ.
કલમ 376 એબી (બળાત્કાર (પોક્સો)) હેઠળ અંતિમ શ્વાસ સુધીની સજા.
કલમ 449 (પરવાનગી વિના ગૃહ પ્રવેશ કરવો) હેઠળ 10 વર્ષની સજા, 3 હજાર દંડ.
કલમ 201 (પુરાવાનો નાશ કરવા) હેઠળ 2 વર્ષ સજા અને 2 હજારનો દંડ.

ગુનાથી લઈને કોર્ટના ચુકાદા સુધીની તવારીખ
5/11 : બાળકીનું અપહરણ બાદ મર્ડર અને બળાત્કાર.
6/11 : બાળકીના પિતાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી.
15/11 : એલસીબી પીઆઇએ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી.
17/11 : ચાર્જફ્રેમ કરાયો, આરોપીને કોર્ટમાં પૂછપરછ કરાઈ.
18/11 : પહેલા દિવસે 9 સાક્ષીની તપાસ કરાઈ.
20/11 : સાક્ષીનોની આશરે 10 સાક્ષીની તપાસ કરાઈ.
22/11 : વધુ 10 સાક્ષીની કોર્ટમાં તપાસ કરાઈ.
23/11 : અન્ય 10 સાક્ષીની તપાસ કરાઈ.
24/11 : 8 સાક્ષી તપાસાયા.
26/11 : આરોપીનું આખરી નિવેદન (એફએસ) લેવાયું.
29/11 : સરકારી અને બચાવ પક્ષના વકીલોની દલીલો થઈ.
30/11 : કેસની કામગીરી બંધ રહી હતી.
1/12 : બળાત્કાર અને હત્યાનો ગુનો સાબિત થતાં અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા ફટકારાઈ

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો