ગઈ કાલે હૈદરબાદનો પટેલ પરિવાર અમદાવાદથી કાર લઇને વીરપુર જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જતો હતો. ત્યારે લીંબડી હાઇવે કાનપરાના પાટીયા પાસે કાર પલટી ખાતા બે મહિલાઓ સહિત ત્રણ દર્શનાર્થીઓના ઘટના સ્થળે મોત થયા હતાં.જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતાં. લીંબડી પંથકનો હાઇવે અકસ્માત સાથે રક્તરંજીત માટે જાણીતો છે.
હૈદરાબાદનો પટેલ પરિવાર અમદાવાદથી કાર ભાડે કરી વીરપુર જતો હતો
ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા હતા. લીંબડી તાલુકાના પાણશીણા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ હૈદરાબાદનો પટેલ પરિવાર અમદાવાદથી ઇનોવા કાર લઇને નીકળ્યો હતો. સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ જલારામબાપા મંદિરે દર્શન કરવા નીકળેલો આ પરિવાર લીંબડી નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. પરંતુ આ હાઇવે પરના કાનપરાના પાટીયા પાસે ધડાકા સાથે કારનું પાછળનું ટાયર ફાટતા ગમખ્વાર ઘટના સર્જાઇ હતી. હાઇવે રોડ પરથી આ કારે એટલી જોરદાર પલટી ખાધી કે અંદર રહેલા દર્શનાર્થીઓમાં ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી.
પુરપાટ જતી કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત
પરંતુ બનાવ સ્થળે જ બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતાં. જ્યારે ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા 108ના ઇએમટી અમૃતભાઈ ભાસ્કર, પાયલોટ ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ પોલીસ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. જ્યારે મીનાબેન લલીતભાઈ પટેલ, કિરણભાઈ શાંતિલાલ, રાજશેખર રાઘવેન્દ્રભાઈ પટેલને ઇજાઓ થતા લીંબડી સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતાં. જેમાં ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતાં.