UAEમાં અકસ્માત થતાં વડોદરાના પટેલ દંપતિનું મોત, બે બાળકો સહિત 6ને ઈજા

12 ફેબ્રુઆરીના રોજ યુએઈના શારજાહમાં રાત્રે 10.40 વાગ્યે પૂરઝડપે જતી એસ.યુ.વી. કારનો અકસ્માત થતાં કારમાં સવાર વડોદરાનું દંપતિ વિનોદભાઈ કે.પટેલ (46 વર્ષ)અને રોહીણીબહેન વી.પટેલ(41 વર્ષ) મોત થયા હતાં. જ્યારે અન્ય બે દંપતિ અને બે બાળકોને ઇજા પહોંચી હતી. આ દુર્ઘટનાને પગલે મૃતક દંપતિ લંડનમાં અભ્યાસ કરતા પુત્ર બુરૂદને પણ વડોદરા બોલાવી લેવાયો છે.

અમેરિકાથી પરિવારજનો આવતા UAE ફરવા ગયા

1.પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, વડોદરાના વિનોદભાઈ પટેલ અને રોહીણીબેનના અન્ય પરિવારજનો અમેરિકામાં રહે છે. લગભગ 10 વર્ષ બાદ તમામ પરિવારજનો વડોદરામાં બાળકો સાથે એકઠાં થયાં હતાં. ત્યાર બાદ 8થી 13 ફેબ્રુઆરી સુધીની યુએઈ ટૂરનું આયોજન કર્યું હતું. આ ટૂરમાં વિનોદભાઈ,રોહીણીબેન ઉપરાંત અમેરિકાથી આવેલાં બે દંપતિ અને બે બાળકો યુએઈ ગયા હતાં.

શારજાહ પરત ફરતી વખતે કાર અનેક પલટી મારી ગઈ

2.જ્યાં 12 ફેબ્રુઆરી રોજ તેઓ ડેઝર્ટ સફારી ગયા હતાં. આ ડેઝર્ટ સફારીમાં રાત્રે પરત શારજાહ સ્થિત હોટલે જવા માટે તેઓ નીકળ્યાં હતાં ત્યારે અલ મદામથી શારજાહ જવાના માર્ગ પર નાઝવી વિસ્તારમાં રાત્રે 10.40 વાગ્યાના સુમારે પૂરઝડપે જઈ રહેલી SUV કારના ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેને પગલે કારે અનેકવાર પલટી મારી હતી.

2018માં નાઝવી,મહાઈહા,અલધઈદ રોડ પર એક જ દિવસે 20 અકસ્માત થયા હતા

3.ત્યાર બાદ પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્ત દંપતિ વિનોદભાઈ પટેલ અને રોહીણીબેન પટેલને તાત્કાલિક અલધઈદ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં વિનોદ પટેલ અને તેમના પત્ની રોહિણીબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે ઇજાગ્રસ્તોને અલ કસામી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતાં. યુએઇ પોલીસ મુજબ, ગત વર્ષે નાઝવી રોડ, મહાઈહા રોડ અને અલ ધઈદ રોડ પર એક જ દિવસમાં 20 અકસ્માતો થયા હતાં.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો