સાપુતારામાં અકસ્માત માટે કુખ્યાત ઘાટમાર્ગ પર એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ખાનગી બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. અને ઘાટ ચડી ન શકતા રિર્વસ થઈ ખીણમાં ઉતરવા લાગી હતી. હતી. દરમિયાન વચ્ચે એક વૃક્ષ આવી જતા તમામ પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, આ અકસ્માતમાં 20 જેટલા પ્રવાસીઓને સામાન્ય ઈજા થઈ હતી.
વૃક્ષ એ જીવન છે
‘વૃક્ષ એ જીવન છે’ આ ઉક્તિ ખરા અર્થમાં સુરતીઓ માટે ચરિતાર્થ થઈ હતી. જ્યારે વૃક્ષના કારણે 200 ફૂટ ઉંડી ખીણ તરફ બસ ધસી રહી હતી ત્યારે જ એક વૃક્ષ મૃત્યુ તરફ આગળ વધી રહેલા 70 મુસાફરો માટે જીવનરૂપી આધાર બન્યું હતું. બસ અચાનક જ એક વૃક્ષમાં અથડાઈ હતી અને જાણે મુસાફરોના જીવમાં જીવ આવ્યો. આ અંગે સ્થળ પરથી મળતી માહિતી મુજબ, સુરતના સહારા દરવાજા ખાતે રહેતા બુધાભાઈ રાઠોડના પૌત્ર વિરાજ રાઠોડની બાબરી ઉતારવા રાઠોડ પરિવારના સભ્યો રવિવારે વહેલી સવારે સાંઈબાબાની માનતા પૂર્ણ કરવા શ્રીજી ટ્રાવેલ્સની લકઝરી બસ (નં. જીજે-04-ઝેડ-0933) લઈને નીકળ્યા હતા. તેઓ આગળ વધી રહ્યા હતા ત્યારે માલેગામ સાપુતારા ઘાટ માર્ગમાંથી 6 વાગ્યે બસ પસાર થઈ રહી હતી. ઢાળ પર એક યુ ટર્ન લેતી વેળા બસ અચાનક જ અટકી ગઈ હતી.
બ્રેક લાગી જ નહીં ને બસ ઘસડાઈ ગઈ
બસ પાછળ ધસવા માંડતાં ચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બસ ઘસડાઈને પાછળ ધસી ગઈ હતી. આ દરમિયાન કદાચ મુસાફરોની સંખ્યા જોતાં વજન ઓછું કરવા અને સરળતાથી બસ આગળ વધી શકે તે માટે 15થી 20 જણાં બસમાંથી ઉતરી ગયા હતા. જોકે એ પછી પણ બસ ઢાળ તરફ ઉપરની તરફ જવાને બદલે રિવર્સ જવા માડી હતી. અચાનક જ બસ બેકાબૂ બની ગઈ હતી અને સાઈડની ખીણમાં સરકી ગઈ હતી. આ ઘટનાને પગલે મુસાફરોની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યાં અચાનક જ બસ પુન: અટકી ગઈ હતી અને લોકોના જીવમાં જીવ આવ્યો હતો.
20 જેટલા સભ્યોને સામાન્ય ઈજા પહોંચી
મુસાફરોએ જોયું તો બસ વૃક્ષ સાથે અથડાઈને અટકી ગઈ હતી અને તેના કારણે એક પછી એક મુસાફરો ફટાફટ બહાર નીકળી ગયા હતા અને માંડી માંડ રોડ સુધી પહોંચ્યા હતા. વૃક્ષને કારણે બસમાંથી ઉતરી નહીં શકેલા 50થી વધુ મુસાફરોને પુન: જીવન મળ્યું હતું. આ ઘટનાની અન્ય વાહનચાલકોએ સાપુતારા પોલીસને જાણ કરતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી લોકોની મદદ કરી હતી. આ ઘટનામાં 20 જણાંને સામાન્ય ઈજા પહોંચી હતી. તેઓને શામગહાન સીએચસીમાં સારવાર અપાઈ હતી. જ્યારે અન્ય મુસાફરોને છકડા-રિક્ષામાં સાપુતારા લઈ જઈ ઘરે પરત મોકલી દેવાયા હતા. પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વૃક્ષે અમને બીજું જીવન આપ્યું છે, અમે વૃક્ષ વાવીશું
મારા પૌત્ર વિરાજની બાબરી ઉતારવા પરિવારના સભ્યો અને સંબંધીઓ શિરડી જવા નીકળ્યા હતા. એ વખતે ઘાટમાં બસ થંભી ગઈ હતી એટલે અમે નીચે ઉતર્યા હતા. પછી બસ અચાનક જ નીચે ખીણમાં સરકી ગઈ હતી. જોકે વૃક્ષ સાથે અથડાઈને તે ત્યાં જ અટકી ગઈ હતી. વૃક્ષ એ મને પુન: જીવન આપ્યું છે એટલે અમે હવે વૃક્ષો વાવીશું અને તેનું જતન કરીશું એવો મેં પ્રણ લીધો છે. અન્ય લોકોને પણ તેની પ્રેરણા આપીશ. સાંઈબાબાનો અમારા ઉપર આશીર્વાદ રહ્યા છે. – બુધાભાઈ રાઠોડ, સુરત