ભચાઉથી 8 કી.મી. વોંધ નજીક કન્ટેઇનર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજતાં અરેરાટી ફેલાઇ હતી.એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો તો એક ગંભીર ઘાયલ થયા હતા.મૃતક પરિવાર જામનગરના કલ્યાણપુરનો વતની હોવાથી મોડી રાત્રે મૃતદેહો તેમના વતન લઇ જવાયા હતા.
એક જ પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યો : એક ગંભીર ઘાયલ
ભચાઉથી સામખીયાળી તરફ જતા હાઇવે પર રોંગ સાઇડમાં જઇ રહેલા કન્ટઇનર ટ્રેલર સાથે સામેથી આવતી ટાટા એરિયલ કાર ધડાકાભેર અથડાઇ હતી અને કાર અડધી ટ્રેલરની નીચે ઘુસી ગઇ હતી જેમાં સવાર ગાંધીધામના 9/બી આકાશગંગા સોસાયટી, ભારતનગરના રહેવાસી ભાલારા પરિવારના 35 વર્ષીય હંસીલભાઇ પી.ભાલારા,તેમના 33 વર્ષીય પત્ની બીનાબેન ભાલારા,હંસીલભાઇના 58 વર્ષીય માતા રંજનબેન પી. ભાલારા, પરસોત્તમ ત્રિભોવનભાઇ ભાલારા (ઉ.વ.64)નું મોત નિપજ્યું હતું.
અકસ્માત એટલો ગંભીર હતો કે પતિ-પત્નીના મોત થયું હતુ઼,તો રંજનબેનને વાગડ વેલ્ફેર હોસ્પીટલ લઇ જવાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું પણ મોત થયું હતું,અકસ્માતમાં ઘાયલ થનાર કંડલાના રિટાયર્ડ એક્ઝયુકેટીવ એન્જીનિયર પરષોત્તમભાઇ ટી ભાલારાને વાગડ વેલ્ફેરમાં ખસેડાયા બાદ ગંભીર ઇજાઓને કારણે 108 મારફત ભુજ ખસેડાયા હતા, જ્યાં રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં પરિવારની આઠ માસની બાળકી ચૈત્રીનો ચમત્કારીક બચાવ થયો હતો અને અકસ્માત બાદ ભચાઉના સેવાભાવી લોકો તેને સુરક્ષિત સ્થાને લઇ ગયા હતા.
ફરી આડેધડ ચાલતા મોટા વાહનોની બેદરકારી મોત બની
ભચાઉ સામખીયાળી હાઇવે ઉપર મોટા વાહનદ આડેધડ ચાલે છે અને પાર્કીંગ પણ જેમતેમ રસ્તાની વચ્ચે ઉભી રાખી દેતા હોય છે જેના કારણે આ હાઇવે પર અવારનવાર જીવલેણ અકસ્માત થતા રહે છે,આજે થયેલા જીવલેણ અકસ્માતમાં પણ રોંગ સાઇડમાં ચાલી રહેલું કન્ટેઇનર ટ્રેલર એક પરિવાર માટે યમદુત બન્યુ઼ હતું ,હવે અકસ્માતમાં ભોગ બનનાર ભાલારા પરિવારમાં આઠ માસની બાળકીની આખી જાણે જીંદગી જ છીનવાઇ ગઇ.