રામ રાખે તેને કોણ ચાખે? આ પ્રસિદ્ધ કહેવત તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ દરમિયાન સાર્થક થઇ છે. જ્વેલરી ડિઝાઇનનો કોર્સ કરતી આરજુ કિશોરભાઇ ખુંટ ત્રીજા માળે ફસાઇ ગઇ હતી. નીચે ઉતરવાની સીડી આગની ઝપેટમાં આવી હતી.
તેથી, અંતે ભગવાનનું નામ લઇ તેણે ત્રીજા માળેથી ભૂસકો માર્યો હતો. તે દરમિયાન નીચે ઊભેલા ટોળામાંથી એક વ્યક્તિએ નીચે પડતી આરજુને ઝીલી લીધી હતી. આમ, તેનો ચમત્કારિક બચાવ થયો હતો.
તક્ષશિલા આર્કેડ આગકાંડમાં ૨૨ બાળકો હોમાઇ ગયા હતા. યોગીચોક માનસરોવર રેસિડન્સીમાં રહેતા અને વ્યવસાયે રત્નકલાકાર કિશોરભાઇ ખુંટની ૨૦ વર્ષીય દીકરી આરજુ સુમુલ ડેરી રોડ પર આવેલી એવી પટેલ કોલેજમાં એસવાય બીબીએમાં અભ્યાસ કરે છે.
આરજુ ગત તા. ૨૪ મેના ગોઝારા દિવસે તક્ષશિલા આર્કેડમાં ત્રીજા માળે ક્લાસિસમાં જ્વેલરી ડિઝાઇનનો કોર્સ કરવા ગઇ હતી. અચાનક નીચે આગ લાગી હતી. આગ લાગતા વિદ્યાર્થીઓ ત્રીજા માળે એક ખૂણામાં એકત્ર થયા હતા. થોડી વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. તેથી, વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા. દાદર પર આગ લાગી હોવાથી નીચે ઉતરવાનો કોઇ રસ્તો ન હતો.
રૂમમાં ધુમાડો અને ગરમી ભરાઇ જતા વિદ્યાર્થીઓ ગભરાયા હતા. તેણે, પિતાને આગ લાગી હોવાનો કોલ કર્યો હતો. પિતાને કોલ કરીને આરજુએ ભગવાનને યાદ કર્યા હતા. ભગવાનને પ્રાર્થના કરીને આંખો મીચીને ત્રીજા માળેથી કૂદી ગઇ હતી. આરજુ નીચે પડતા ટોળામાં ઊભેલા અજાણ્યા વ્યક્તિએ આરજુનો આબાદ કેચ કરી લીધો હતો.
ત્રીજા માળેથી કૂદેલી આરજુને નીચે ઊભેલા વ્યક્તિએ ઝીલી લીધી હતી. તેણે બાળકીને બાજુમાં ઊભી રાખીને બીજા વિદ્યાર્થીઓને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. પિતા કિશોરભાઇ યોગીચોકથી તક્ષશિલા આર્કેડ પહોંચ્યા હતા. દીકરી સાઇડમાં ઊભી-ઊભી રડી રહી હતી. તેના કપડા ગંદા અને ધુમાડાથી દૂષિત થયા હતાં.
તેથી, ઘરે કપડા બદલી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દુખાવો શરૂ થતા પી. પી. સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સોમવારે રાત્રે તેને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. આમ, ગોઝારી દુર્ઘટનામાં અનેક અજાણ્યા લોકોએ વિદ્યાર્થીઓના જીવ બચાવીને માનવતા મહેકાવી હતી.