કોઈ મહિલા પોતાનો તથા પરિવારનો ઉદ્ધાર જાતે કરવાનો નિશ્ચય કરે એ પછી તેને કોઈ રોકી શકતું નથી. 21મી સદીની મહિલા તો ઘર ચલાવવા માટે હવે પુરુષ પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનવા લાગી છે. ત્યારે આજે વાત કરવી છે રાજકોટની આત્મનિર્ભર મહિલા અવનિબેન સદાવ્રતીની, જેમણે પરિવારને આર્થિક સધ્ધરતા પૂરી પાડવા કારમાં સોલર પેનલ લગાડી ઓફિસ ખોલી છે અને તેઓ મહિને 15 હજારની આવક કરે છે.
પતિને કારમાં ઓફિસ શરૂ કરવાનો આવ્યો હતો વિચાર
સૌપ્રથમ અવનિબેનના પતિ એડવોકેટ આનંદભાઈ સદાવ્રતીએ આ નવતર પ્રયોગ કરવાનો વિચાર આવ્યો હતો. લોકડાઉનને કારણે જયારે કોર્ટ બંધ હતી ત્યારે તેમને આ વિચાર સૂઝ્યો. અનલોક-1માં કોર્ટ તો બંધ હતી, પણ સરકારી કચેરીએ અરજદારોનાં ઝેરોક્સ, પ્રિન્ટ, પાસપોર્ટ સાઈઝનો ફોટો કાઢવા સહિતનાં કામ થતાં જ હોય છે. તો કારમાં ઓફિસ શરૂ કરીએ તો !
સોલારથી કારમાં 5 કલાક સુધી કામ કરી શકાય
આ અંગે વાત કરતાં આનંદભાઈ જણાવે છે કે કારમાં સોલર પેનલ લગાડી ઓફિસ શરૂ કરવાની વાત મેં મારા પપ્પાને કરી અને તેમનો પણ મને સહયોગ મળ્યો, તેથી અમે બન્નેએ કોઈ ઇલેક્સ્ટ્રિશન વગર સોલર પેનલ કાર પર લગાડી, જેમાં કન્વર્ટર અને ડાઇવર્ટર સેટ કરીને કારમાં વીજપુરવઠો પૂરો પાડ્યો. આ માટે તેમને 1.50 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે, જેમાં બે સોલર પેનલની મદદથી કારમાં પંખો, બે પ્રિન્ટર, લેપટોપ પર 5 કલાક સુધી કામ લઇ શકાય છે.
અવનિબેન મહિને 10-15 હજારની કમાણી કરે છે
આ રીતે જૂન 2020થી ગુજરાતમાં પ્રથમવાર આ નવતર પ્રયોગ થયો. શરૂઆતમાં જૂની મામલતદાર કચેરી ખાતે આનંદભાઈ કારમાં ઝેરોક્સ, પ્રિન્ટ સહિતનાં કાર્યો કરતા હતા, પરંતુ ફિઝિકલ કોર્ટની કામગીરી શરૂ થતાં આનંદભાઈએ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી અને તેમનાં ધર્મપત્ની અવનિબહેને આ વ્યવસાય સાંભળ્યો. તેઓ હાલ જૂની મામલતદાર કચેરીએ જ બેસે છે, જ્યાં તેઓ અરજદારોના ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ, પ્રિન્ટ, પાસપોર્ટ સાઈઝના ફોટા કાઢવા સહિતનાં કામ કરે છે અને મહિને 10થી 15 હજારની કમાણી કરે છે.
મહેનત કરવાથી અવશ્ય સફળતા મળે છે – અવનિબેન
પોતાના આ નવતર કાર્ય અંગે અવનિબેન જણાવે છે, કોઈપણ કામ કરવા માટે તમારા પાર્ટનરનો સાથ અનિવાર્ય છે. મને આ વ્યવસાય સંભાળવા મારા પતિએ પ્રોત્સાહન આપ્યું. માટે આજે હું પરિવારને આર્થિક ટેકો આપી શકું છું. હું બધાને કહીશ કે જો તમે મક્કમ નિર્ધાર કરશો તો કોઈપણ કામ કરી શકશો. દુઃખ આવે ત્યારે રડવાથી કોઈ ઉકેલ આવતો નથી, પરંતુ મહેનત કરવાથી અવશ્ય સફળતા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..