સુરત: ‘હું દિવંગત આત્માઓને સાક્ષી માની શપથ લઉં છું કે વગર હેલ્મેટે બાઈક નહીં ચલાવું. આ માટે મારા સ્વજનોને પણ હેલ્મેટ પહેરી બાઈક ચલાવવા માટે પ્રેરિત કરીશ. હું ક્યારેય મદિરાપાન નહીં કરૂં કે મદિરાપાન કરીને બાઈક નહીં ચલાઉં. હું ફક્ત સુરત નહીં સમગ્ર ભારત દેશમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ. આ દ્રશ્ય ડિંડોલીના બ્રિજ પર અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારની શ્રદ્ધાંજલિ સભામાં પોલીસ કમિશનર સતીશ શર્માએ લેવડાવેલા શપથ સમયનું છે.
નશામાં કારચાલકે બાઇકને ટકકર મારતા એક જ પરિવારના માતા, પિતા, પુત્રીના મોત થયા હતા
ગત રવિવારે અકસ્માતમાં મૃત્યુ પામનાર દિવંગતોના આત્માને સાક્ષી માની શહરેના એક હજારથી વધુ લોકોએ પરવટના કમ્યુનિટી હોલમાં ટ્રાફિક નિયમોના પાલનના શપથ લીધા હતા. ખાસ વાત એ હતી કે કેટલાક લોકોએ પ્રસંગે હેલ્મેટ પહેરી શપથ લીધા હતા. સાંસદ સી.આર.પાટીલે મૃતક પરિવારને એકલાખની સહાયની જાહેરાત કરી હતી. ધારાસભ્ય ઝંખના પટેલે મૃતકના બાળકના અભ્યાસના ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.સભામાં ઉપસ્થિત પાલિકાની સ્થાયી સમિતિના સભ્ય વિજય ચોમલે કહ્યું કે પરિવારને મદદ માટે કુલ 20 લાખ રૂપિયા દાનમાં આવ્યા છે. સમારોહમાં બે મિનીટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.સમારોહમાં ઉપસ્થિત શરદ મિશ્રાએ જણાવ્યું હતું કે મૃતક પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરવા માટે બેથી ત્રણ હજાર લોકો આવ્યા હતા.
પુનીતને માતાએ ઉછાળી દેતા એક મહિલાએ ઝીલીને બચાવ્યો હતો
ગત રવિવારે સાંવરમલ શર્મા પત્ની ભંવરીદેવી અને દીકરી રૂક્મા તથા 6 મહિના બાળક પૂનીત સાથે બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે ડિંડોલી બ્રિજ પર દિવ્યેશ અગ્રવાલ નામના પજેરો કારના ચાલકે નશામાં ટક્કર મારતા ભંવરી દેવી ઉછળીને બ્રિજની નીચે પડતા મોત થયું હતું. સાંવરમલ અને રૂકમાનું બ્રિજ પર જ મોત થયું હતું. માતા ભંવરી દેવીએ બાળક પુનીતેને ઉછાળી દેતા એક મહિલાએ તેને ઝીલી લેતા તેનો બચાવ થયો હતો.અકસ્માતમાં માત્ર બાળક જ બચ્યું હતું તેથી તેની સારસંભાળ પાડોશી મહિલાએ લીધી હતી. હવે તેનું પાલન તેના દાદી કરશે. આ ઘટનામાં બીજા બાઇકચાલક પણ ઘવાયા હતા. કોઇએ પણ હેલ્મેટ પહેર્યું હતું.