સુરતમાં એકતરફી પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીની હત્યા કર્યાનો બનાવ તાજો જ છે અને રાજ્યભરમાં તેના ઘેરા પ્રતિઘાત પડ્યા છે. એવામાં રાપરની સલારી નાકા પ્રાથમિક શાળામાં ઘૂસેલા 30 વર્ષ જેટલી ઉંમરના વિધર્મી યુવાને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો પરાણે બર્થ ડે મનાવ્યો હતો. આ ‘ધરાર પ્રેમી’એ શિક્ષક અને બાળકોની સામે જ છાત્રાનો હાથ પકડી બળજબરીથી સેલ્ફી લીધી હતી. એકાએક થયેલા બેહૂદા વર્તનથી હતપ્રભ બનેલી વિદ્યાર્થિનીએ માતાને વાત કહેતાં સઘળી હકીકતો બહાર આવી છે.
સગીરાને જબરદસ્તી ચોકલેટ ખવડાવી
આ અંગે મળતી વિગતો મુજબ સલારી નાકા પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા અભ્યાસ અર્થે આવી હતી. તેનો જન્મદિવસ હોવાનું જાણતો હોવાથી અને લાંબા સમયથી સગીરાની પાછળ પડેલો વિધર્મી યુવક શાળામાં ઘૂસી આવ્યો હતો અને બાળજબરીપૂર્વક ‘આઇ લવ યુ’ લખેલી ગિફ્ટ સગીરાના હાથમાં પરાણે પકડાવી હતી. વાત આટલેથી પૂરી થતી ન હોય તેમ બાળકોની વચ્ચે અને હાજર શિક્ષકની સામે જ સગીરાનો હાથ જબરદસ્તી પકડીને સેલ્ફી લીધી હતી, એની સાથે ચોકલેટ ખવરાવી હતી.
શિક્ષકો દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ
વિધર્મી યુવકના અણછાજતા વર્તનથી એક્દમ ડરી ગયેલી સગીરા હતપ્રભ બનીને પોતાના ઘરે તેની માતાને સઘળી હકીકત કહેતાં માતા-પિતા પણ સ્કૂલે દોડી આવ્યાં હતાં. તેમની ઉગ્ર રજૂઆતને પગલે થોડીકવાર ભારે હંગામો સર્જાયો હતો. જોકે શિક્ષકોએ પોતાના બચાવ માટે પરિવારને શાંત કર્યો હતો. શાળામાં ઘૂસી આવેલો વિધર્મી યુવાન માથાભારે હોવાથી અને શિક્ષણ સંકુલમાં જ આ પ્રકારની હીન ઘટના ઘટતાં સમગ્ર બનાવ દબાવી દેવાની પેરવી કરાઈ હતી. સંચાલકો દ્વારા કાયદેસર ફરિયાદ કરવાનું તો દૂર રહ્યું, પણ એસએમસીને પણ જાણ કરી ન હતી. આમ, સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયાસ થયા હતા. જોકે કેટલાક વાલીઓના જણાવ્યા મુજબ, સમગ્ર ઘટના શાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. સગીરાના પિતાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે છોકરો ઘરે આવીને માફી માગી ગયો હતો, એટલે ફરિયાદ નથી કરાઈ.
યુવકના વાલીઓને શાળામાં બોલાવાયા, પણ આવ્યા નહીં
આ બાબતે આચાર્ય ગોવિંદ પરમારને પૂછતાં તેમણે ઘટનાને સમર્થન આપતાં કહ્યું હતું કે સગીરાના વાલીઓ આવ્યા હતા તો યુવકના વાલીને પણ આ ઘટનાની જાણ કરાઈ હતી પણ તેમણે આવવાની દરકાર લીધી ન હતી. ફરિયાદ માટે તો વાલીઓએ આગળ આવવું જોઈએ એવો બચાવ તેમણે કર્યો હતો. છોકરો વિધર્મી હતો છતાંય શિક્ષકો કેમ ઓળખી ન શક્યા એ વિશે પૂછતાં આચાર્યએ જણાવ્યું હતું કે શિક્ષકને એવું લાગ્યું કે યુવાન સગીરાનો વાલી હશે. એ વિધર્મી હોવાની વાત સગીરા વાલી આવ્યા બાદ ખબર પડી હતી.
યુવક બદઇરાદે આવ્યો હશે એવી ખબર નહોતી: શિક્ષક
સગીરાના શિક્ષકે આ અંગે કહ્યું હતું કે અહીં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ અને સગાં-સંબંધીઓ ઘણી વખત જન્મદિવસ હોય ત્યારે ચોકલેટો બાળકોને આપતા હોય છે. અમને ક્યાંથી ખબર હોય કે યુવક બીજા ઇરાદે આવ્યો હશે. ફોટો પડાવવાની વાત વિશે પૂછતાં શિક્ષકે કહ્યું હતું કે નાની ભત્રીજી સાથે ફોટા પડાવતો હશે એમ માન્યું હતું. ફોટા પડાવતી વખતે સગીરાએ પણ કોઈ વિરોધ કર્યો નહોતો. નાની ઉંમરની વિદ્યાર્થિની સાથે આટલી મોટી ઉંમરનો યુવક આ પ્રકારનું હીન કૃત્ય કરશે એની તો કોઇને કલ્પના પણ ન હોય. જ્યારે સગીરાના વાલીઓ આવ્યા ત્યારે ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.
અનેક વિસ્તારોમાં થતી રોમિયોગીરીથી ભયનો માહોલ
શહેરના અયોધ્યાપુરી, ગેલીવાડી, વાઘેલા વાસ વિસ્તાર, સમાવાસ , સુખદધાર વિસ્તાર વગેરેમાં આવારાં તત્ત્વો ખુલ્લેઆમ રોમિયોગીરી કરતાં હોય છે. તો શહેરની કન્યા છત્રાલાય, બસ સ્ટેન્ડ, નગાસર બગીચા વિસ્તાર, ગુરુકુળ રિંગ રોડ, પ્રાથમિક કુમાર અને કન્યા શાળાઓ વગેરે જગ્યાએ તો જાણે ફાટીને ફૂલેકે ચડ્યા હોય એ રીતે કેટલાક રોમિયો ખુલ્લેઆમ ચેનચાળા કરતા નજરે આવે છે, જેને કારણે કન્યા, યુવતીઓ અને મહિલાઓમાં ભયનો માહોલ છે. આવાં તત્ત્વોને કડક હાથે ડામવા પોલીસ ધાક બેસાડતી કાર્યવાહી કરે એ આવશ્યક છે.
વર્ષ 2013માં સગીરા સાથે દુષ્કર્મ આચરનારો આરોપી હજુ પણ પકડાયો નથી
રાપર ખાતે અગાઉ 2013માં સ્કૂલમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી એક સગીર વયની બાળા સાથે બળાત્કારની ગંભીર ઘટના ઘટી હતી, જેની તપાસ અમદાવાદ સીઆઇડી ક્રાઇમને સોંપાઈ હતી, પણ એ કેસ આજ દિવસ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. એનો આરોપી હજી સુધી નથી ઝડપાયો. એ સમયે કચ્છ ભરનાં મહિલા સંગઠનો અને રાજકીય અગ્રણીઓ દ્વારા ભારે વિરોધપ્રદર્શન રાપર ખાતે કરાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..