ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી ડાયરામા ગીતો લલકારે અને રૂપિયાનો વરસાદ થાય તે તો સમજાય. પરંતુ માત્ર 9 વર્ષનો ટેણિયો તે પણ કોઇ જ જાતની તાલીમ વગર ઓરીજનલ કાઠિયાવાડી મિજાજમા ગીતો લલકારે ને રૂપિયાનો વરસાદ થાય તે વળી કેવું. આવા દ્રશ્યો તાજેતરમા જ રાજકોટના વાડધરી ગામે યોજાયેલા ડાયરામાં જોવા મળ્યા હતા. હર્ષ પીપળયા નામનો ટેણિયો ડાયરમા કાઠુ કાઢતો જાય છે. ખુદ માયાભાઇ આહીર સાથે તેણે ડાયરો કરેલો છે, પિતા કારખાનામા નોકરી કરે છે, એકના એક પુત્રની આ કળાને કુદરતી બક્ષીસ ગણાવી રહ્યાં છે.
ભણવામા છે અવ્વલ ધો.5માં 98 ટકા, આ રીતે જાણવા મળી કુદરતી બક્ષીસ
પિતા ભરત પીપળીયા કહે છે કે, તેને ગીતો, ભજન કુદરતી રીતે મોઢે રહી જાય છે. જાણે મોટી ઉંમરના અનુભવી કલાકારો ગાતા હોય તેવા લહેકા જોવા મળે છે, કોઇ જ જાતની ક્યાંય પણ તાલીમ લીધી નથી. એટલું જ નહીં અભ્યાસમા પણ અવ્વલ છે. હંમેશા 98 ટકા પર જ પરિણામ આવે છે. મવડી ગામ પાસે રહેતા ભરતભાઇ વધુમાં કહે છે કે હું પોતે કારખાનામા કામ કરુ છું. એકનો એક પુત્ર છે. 5 વર્ષની ઉંમરે તે વાડીમા ગીતો ગાતો હતો, અમારા સંબંધી આવ્યા હતા તે કહે આ તો સરસ અવાજથી ગીતો લલકારે છે એક વાર તે જ સંબંધીના દાદાનુ અવસાન થયું અને તેનો ફોન આવ્યો કે તારા દિકરાને ભજન ગાવા ઘરે લઇ જવો છે અને મારા દિકરાએ ભજનો લલકાર્યા તો સૌ કોઇને આશ્ચર્યમા મુકી દીધા. ધીમે ધીમે આજુબાજુના ગામમા ડાયરામાં જતો થયો અને ભજનો ગાતો થયો. એકવાર માયાભાઇ આહીર અને પુનમબેન ગોંડલીયાએ પણ તક આપી.
હર્ષ કહે છે અભ્યાસ કરવો ખૂબ જ ગમે છે. ગીતો ગાવા શોખ છે, ડાયરા ખૂબ ગમે છે. એકવાર કંઇ સાંભળુ તો યાદ રહી જાય છે, સંગીત પ્રત્યે અનેરો લગાવ છે, પૈસા માટે કંઇ કામ નથી કરતો. પિતા કહે છે કે હાલ તો અભ્યાસની ઉંમર છે છતાં ડાયરામાં જવાના આમંત્રણ મળવા લાગ્યા છે. લોકો અને આયોજકો સ્વેછાએ 15 થી 20 હજાર સુધીના પુરસ્કાર આપે છે. ડાયરામાં હંમેશા દાન પુણ્યના કામ માટે થતા હોય છે, માટે સમાજને ઉપયોગી થવાની ફરજ છે એટલે દિકરાને પ્રોત્સાહન આપી રહ્યો છું.