આ છે સૌરાષ્ટ્રના 9 પટેલ બિઝનેસમેન, સુરતમાં નસીબ ચમકતા બની ગયા કરોડપતિ

ડાયમંડ સિટી સુરતમાં અનેક બિઝનેસમેનોએ સંઘર્ષ કરી સફળતા મેળવી છે. સૌરાષ્ટ્રના લોકોને તો સુરત સાથે નાતો જ કંઈક અલગ છે. વેપાર-રોજગાર માટે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી સુરત આવેલા અનેક લોકોનું નસીબ આ શહેરમાં ચમક્યું છે. સૌરાષ્ટ્રથી સુરતમાં સ્થાયી થયેલા મોટાભાગના લોકો હીરા, ટેક્સટાઈલ કે રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા છે. નાની મૂડીએ બિઝનેસ શરૂ કરી સખત મહેનત અને પોતાની ગામઠી સૂઝબૂઝના કારણે આજે તેઓ કરોડો રૂપિયાના માલિક બન્યા છે. સૌરાષ્ટ્રથી સુરત આવી કરોડપતિ બનેલા આવા જ કેટલાક પટેલ બિઝનેસમેન વિશે માહિતી આપી રહ્યા છીએ.

મહેશભાઈ સવાણી

ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં ‘વલ્લભ ટોપી’ના નામે જાણીતા છે. સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભાઈએ અઢળક સફળતા સાથે સારી એવી કમાણી પણ કરી. આજે ડાયમંડ, એજ્યુકેશન, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી પી સવાણી ગ્રુપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યાં છે.

આશરે 2500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા આ ગ્રુપના એમડી તરીકે કામ કરી રહેલા મહેશ સવાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે. મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે. એટલું જ નહીં છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરતા મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ આ રીતે જ કરાવ્યા હતા. આ ઉપરાંત મહેશભાઈએ ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતરનો ખર્ચની જવાબદારી લીધી હતી.

પી.પી. સવાણી ગ્રુપ રિયલ એસ્ટેટ બિઝનેસની સાથે સાથે શહેરમાં ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ મીડિયમની શાળાઓ ચલાવે છે. આ ઉપરાંત પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગરીબ દર્દીઓ માટે નજીવા દરે હાર્ટ સર્જરીની સુવિધા વિકસાવી છે.

સવજીભાઈ ધોળકિયા

અમરેલીના દૂધાળા ગામે જન્મેલા સવજીભાઈએ સાત ધોરણનો અભ્યાસ કરી રોજી-રોટી માટે સુરત આવ્યા હતા. સુરતમાં હીરાઘસુ તરીકે કામની શરૂઆત કરનાર સવજીભાઈને તે સમયે 169 રૂપિયાનો પગાર મળતો હતો. થોડો સમય હીરા ઘસવાનું કામ કર્યાં બાદ સવજીભાઈએ પિતા પાસેથઈ 3900 રૂપિયા મેળવીને 1980માં લીમડાશેરી ખાતે હીરાની બે ઘંટી શરૂ કરી હતી.

હીરાના નાના કારખાનામાંથી 25 હજારની કમાણી થતા 10 હજાર ઉછીના લઈ વરાછા રોડ પર 35 હજારનું મકાન ખરીદીને સવજીભાઈએ મોટાભાઈ જેરામભાઈ અને નાના ભાઈ તુલસીભાઈને પણ સુરત બોલાવી લીધા. ભાઈઓ સાથે મળીને નવેસરથી શરૂઆત કરવા 1 લાખ રૂપિયા વ્યાજે લઈ ફરી વખત હીરાનું કારખાનુ શરૂ કર્યું. સખત મહેતન અને માર્કેટના ચોક્કસ અભ્યાસના કારણે થોડા જ સમયમાં હીરાના બિઝનેસમાં સવજીભાઈને સફળતા મળી.

દેશ-વિદેશમાં બિઝનેસ વધતા 1992માં સવજીભાઈ ભાઈઓ સાથે મળીને હરિકૃષ્ણ એક્સપોર્ટ નામે કંપનીની શરૂઆત કરી. સમયની સાથે બિઝનેસમાં બદલાવ લાવીને તેઓએ 2002માં મુંબઈ ખાતે એચ.કે. જ્વેલના નામે જ્વેલરી કંપનીની પણ શરૂઆત કરી. નજીવી મૂડી સાથે સુરત આવેલા સવજીભાઈની હરિકૃષ્ણ એક્સપોર્ટની માર્કેટ વેલ્યુ 6000 કરોડથી વધારે છે.

જો કે બિઝનેસમાં સફળ થયા બાદ તેઓ સમાજસેવામાં પણ એટલું જ યોગદાન આપે છે. સવજીભાઈ પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પોતાના ગામમાં મોટા તળાવનું નિર્માણ કરી રહ્યાં છે. એટલું જ નહીં કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર, મકાન અને જ્વેલરીની ગિફ્ટ આપવા માટે પણ તેઓ જાણીતા છે.

ગોવિંદભાઈ ધોળકિયા

અમરેલી જિલ્લાના નાના એના દુધાળા ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા ગોવિંદભાઈએ 1964ની સાલમાં સુરતની વાટ પકડી હતી. સુરત પહોંચી એક રૂમમાં 23 સભ્યોની સાથે રહી હીરા ઘસવાનુ કામ શીખવાની શરૂઆત કરી. છ મહિના કામ શીખ્યા બાદ પ્રથમ પગાર તરીકે ગોંવિભાઈએ 103 રૂપિયાની કમાણી કરી હતી. થોડો સમય હીરા ઘસવાનું કામ કરી 1970માં બે ભાગીદારો સાથે 5000ની મૂડીથી કારખાનું શરૂ કર્યું. સાત જ વર્ષમાં નાના એવા કારખાનામાં 20 ઘંટી શરૂ થઈ.

1983માં એક ભાગીદારના નિધન બાદ પણ બાર વર્ષ સુધી ભાગીદારી ચાલુ રાખી. 1995માં અન્ય ભાગીદારે પણ પોતાની કંપની કી અને ભાગીદારો છૂટા પડ્યાં. 1995થી શરૂ થયેલી ગોવિંદભાઈની કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ આજે 3500 કરોડથી વધારેનું ટર્નઓવર કરે છે. સમયની સાથે ચાલતા ગોવિંદભાઈ જ્વેલરી બિઝનેસ ક્ષેત્રે પણ આગળ વધ્યા છે.

કરોડોના માલિક બન્યા બાદ આજે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા તેઓ અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે. એટલું જ નહીં પણ દિવાળીના સમયગાળા દરમ્યાન કર્મચારીઓના પરિવાર માટે ટુરનું પણ આયોજન કરે છે. ગામઠી ભાષા બોલતા ગોવિંદભાઈને આઈઆઈએમ જેવી સારી સારી ઈન્ટિટ્યુટ પણ વક્તવ્ય માટે આમંત્રણ પાઠવે છે.

લાલજીભાઈ પટેલ

ભાવનગર જિલ્લાના નાના એવા ઉગામેડી ગામે 1955માં જન્મેલા લાલજીભાઈના પિતા ખેતી ઉપરાંત કપાસ-સિંગની દલાલીનું કામ કરતા હતા. રાજકોટની ગુરુકુળમાં રહીને માધ્યમિક શિક્ષણ બાદ સુરત આવેલા લાલજીભાઈએ પોતાના સ્કુલના મિત્ર તુલસીભાઈ સાથે 1985માં શ્રીજી જેમ્સના નામે હીરાનું નાનું કારખાનું શરૂ કર્યું. માત્ર પાંચ કારીગરો સાથે શરૂ કરેલા નાના કારખાના દ્વારા ધીમે ધીમે બન્ને મિત્રોએ સારી એવી કમાણી કરી.

સ્વામિનારાયણ ભગવાનમાં અપાર શ્રદ્ઘા ધરાવતા લાલજીભાઈએ ગુરુના આશિષથી 1993માં કંપનીનું નામ બદલીને ધર્મનંદન ડાયમંડ્સ કરી પાર્ટનરશીપ ફર્મ રજીસ્ટર કરાવી. મુંબઈમાં ધર્મનંદન ડાયમંડ્સની ઓફિસ શરૂ કરી વિદેશમાં પણ પોતાનો બિઝનેસ ફેલાવ્યો. 2007માં પ્રાઈવેટ લિમિટેડ કંપની તરીકે ઉભરેલી ધર્મનંદનમાં આજે 6000થી વધારે કર્મચારીઓ કામ કરે છે. નાનપણમાં જ પિતા પાસેથી બિઝનેસના ગુણ મેળવી સુરત આવેલા લાલજીભાઈની કંપની આજે 5500 કરોડથી વધારેનું ટર્નઓવર કરે છે.

જો કે બિઝનેસની સફળતાની સાથે લાલજીભાઈ બેટી બચાવો, જળ સંરક્ષણ, શિક્ષણ-આરોગ્ય સહિતની અનેક સેવાકીય પ્રવૃતિ કરે છે. એટલું જ નહીં સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કિરણ હોસ્પિટલ સાથે પણ તેઓ સંકળાયેલા છે.

લવજીભાઈ ડાલિયા(બાદશાહ)

દાનવીર ‘ભામાશા’ તરીકે સુરતમાં જાણીતા લવજીભાઈ ડાલિયાનો જન્મ ભાવનગરના નાના એવા સેંજળીયા ગામમાં થયો હતો. પરિવારની નબળી આર્થિક પરિસ્થિતીના કારણે 12 વર્ષની ઉંમરે અભ્યાસ છોડીને સુરત આવી હીરા ઘસવાનું કામ શરૂ કર્યું. ચાર વર્ષ હીરા ઘસ્યા બાદ થોડી મૂડી એકઠી કરીને નાના પાયે હીરાનું કારખાનું શરૂ કર્યું. જો કે હીરા બિઝનેસમાં ખાસ પ્રગતિ ન મળતા લવજીભાઈ કન્સ્ટ્રકશન બિઝનેસ તરફ વળ્યા.

સુરત આવીને નવ વર્ષ સુધી હીરાનો વ્યવસાય કર્યાં બાદ 1995માં પહેલી વાર કન્સ્ટ્રકશન બિઝનેસમાં ઝંપલાવતા તેઓને સારી એવી સફળતા મળી. 2010માં અવધ ગ્રુપની સ્થાપના કરી મોટા પાયે રિયલ એસ્ટેટ બિઝનેસ કરતા લવજીભાઈ આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે.

સુરતમાં બિઝનેસની સફળતા સાથે તેઓ સમાજ સેવાના કાર્યો પણ આગળ રહ્યાં. 2006માં સુરતમાં મહાલાડુનો કાર્યક્રમ યોજીને સમાજને સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા માટે અપીલ કરી. એટલુ જ નહીં દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે લવજીભાઈએ બાહશાહ સુકન્યા બોન્ડ યોજના પણ શરૂ કરી, જેના દ્વારા તેઓ વર્ષ કરોડો રૂપિયાના બોન્ડ દીકરીઓને આપે છે. આ ઉપરાંત તેઓ જળસંચય, આરોગ્ય, શિક્ષણ સહિતના કાર્યો સાથે સંકળાયેલા છે.

મથુરભાઈ સવાણી

સેવાકીય કાર્યો બદલ વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત મથુરભાઈ સવાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ખોપાલા ગામે ખેડૂત પરિવારમાં થયો હતો. ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ 1975માં સુરતમાં હીરાઘસુ તરીકે કામની શરૂઆત કરી હતી. થોડા સમય બાદ 1980માં સવાણી બ્રધર્સ નામથી પોતાની હીરા કંપની શરૂ આ ક્ષેત્રે સફળતા મેળવી.

હીરાના બિઝનેસ અર્થે યુરોપ, અમેરિકા અને ઈઝરાયેલ જેવા દેશોના પ્રવાસે જતા મથુરભાઈ સવાણીએ ઈઝરાયેલની પાણી મેનેજમેન્ટ સિસ્ટમથી પ્રભાવિત થઈને 1997માં જળ સંચય અભિયાન શરૂ કરવા ગુજરાતમાં ‘સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ’ની સ્થાપના કરી. 2003થી જળ સંચયની સાથે સાથે કન્યા ભ્રુણ હત્યા રોકવા માટે ‘બેટી બચાવો’ અભિયાન પણ શરૂ કર્યું.

સુરતમાં હીરાના બિઝનેસની સાથે અનેક સેવાકીય પ્રવૃતિ કરતા મથુરભાઈને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ધીરજલાલ કોટડિયા

જૂનાગઢના ભલગામમાં 1959માં ગરીબ પરિવારમાં જન્મેલા ધીરજલાલ કોટડિયાએ રાજકોટથી ઈલેક્ટ્રોનિક સાઉન્ડ એન્જિનિયરની ડિગ્રી મેળવી છે. અભ્યાસ બાદ નોકરીને બદલે બિઝનેસ કરવા માટે ચેન્નઈની વાટ પકડી. જો કે ચેન્નઈમાં નાનો બિઝનેસ ધરાવતા ધીરજલાલનું સાસરુ સુરતમાં હોવાથી તેઓ અવારનવાર શહેરની મુલાકાતે આવતા હતા.

સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગની મુલાકાત દરમ્યાન દોરાના બગાડ થતો જોતા આ સમસ્યાને પહોંચી વળવા તેમણે ઈલેક્ટ્રોનિક વેફ્ટ કન્ટ્રોલર નામનું એક મશીન બનાવ્યું. મજૂબળ મનોબળ અને મેન્યુફેક્ટરિંગ બિઝનેસને પારખી ગયેલા ધીરજલાલ ચેન્નઈ છોડી સુરત આવી ગયા. સુરતમાં મેન્યુઅલી ડાયમંડ કટિંગ માટે લેસર ડાયમંડ કટિંગ મશીન બનાવી તેઓએ 1993માં સહજાનંદ ગ્રુપની સ્થાપના કરી. આજે કોમ્પ્યુટરાઈઝડ કટિંગ પ્લાનિંગ, લેસર કટિંગ સહિતના ઈનોવેટિવ સાધનો બનાવતા સહજાનંદ ગ્રુપના મશીન 80 ટકા ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં વપરાય છે.

સફળતાની સાથે સમાજ કલ્યાણ માટે કામ કરતા ધીરજલાલે સખત મહેતન બાદ હ્યદય માટેના એફોર્ડેબલ સ્ટેન્ડ બનાવી વિશ્વની ટોપ પાંચ મેડિકલ ડિવાઈસ ઉત્પાદકોમાં પોતાના ગ્રુપને સ્થાન અપાવ્યું. એટલું જ નહીં ઈનોવેટિવ મશીન તેમજ મેડિકલ ડિવાઈઝ સહિતના અલગ અલગ ક્ષેત્રે કાર્યરત તેમના ગ્રુપનું ટર્નઓવર 500 કરોડથી પણ વધારે છે.

ગોપાલભાઈ વસ્તરપરા

અમરેલી જિલ્લાના બાબરાના ચમારડી ગામે જન્મેલા ગોપાલભાઈ વસ્તરપરા નવ ધોરણ સુધીનો અભ્યાસ કરી વ્યવસાય માટે સુરત તરફ પ્રયાણ કર્યું. વર્ષ 1993માં સુરતમાં પોતાની મામાની કંપનીમાં કામ શરૂ કર્યું. ત્રણ વર્ષ નોકરી કર્યાં બાદ નાના પાયે બ્રોકરેજનું કામ શરૂ કર્યું. રોજ નવા નવા લોકો સાથે સંબંધો બનાવવાની ખેવનાના કારણે થોડા સમયમાં ગોપાલભાઈને આ બિઝનેસમાં સારી એવી પ્રગતિ મળી.

કિષ્ણા કોર્પોરેશન અને જી પી ડેવલોપર્સ નામે રિયલ એસ્ટેટ વ્યવસાય કરતા ગોપાલભાઈએ થોડા સમય પહેલા જ ખોડલધામમાં 11 કરોડ જેવી માતબર રકમનું દાન કર્યું હતું. એટલુ જ નહીં 2004માં જી પી વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી અનેક પોતાના ગામમાં અનેક સેવાકીય પ્રવૃતિ કરે છે. ગોપાલભાઈએ 1000 દીકરી પરણાવવાનો સંકલ્પ કર્યો છે. જેના માટે તેઓ દર વર્ષે પોતાના ગામમાં શાનદાર સમૂહલગ્નનું આયોજન કરે છે.

વસંતભાઈ ગજેરા

અમરેલીમાં જન્મેલા વસંતભાઈ ગજેરાએ સુરત આવીને 1972માં લક્ષ્મી ડાયમંડના નામે નાના પાયે ડાયમંડ યુનિટ શરૂ કર્યું હતુ. શરૂઆતમાં જ સારી એવી સફળતા મળતા તેઓ ધીમે ધીમે આ વ્યવસાય આગળ વધ્યા હતા. સમયની સાથે વસંતભાઈએ લક્ષ્મી ડાયમંડ ગ્રુપની જ્વેલરી બ્રાન્ડ પણ લોન્ચ કરી. આજે ડાયમંડ ઉપરાંત રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા વસંતભાઈ ગજેરા અનેક સેવાકીય કાર્યો કરે છે.

અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલમાં બહેનો માટે પ્રાથમિકથી ઉચ્ચતર અભ્યાસ સુધીની સુવિધા અને રહેવાની સગવડ ઉભી કરી છે. તાજેતરમાં જ દિલ્હી ખાતે બંધાનાર લેઉવા પટેલ સમાજના બિલ્ડીંગ માટે તેઓએ 11 કરોડનુ દાન આપ્યું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

જ્ઞાતિરત્નોપ્રેરણાત્મક સ્ટોરી