બૂલેટ બાઇક, સાઇકલ અને કારમાં લોકોને પ્રવાસ કરતા તમે જોયા હશે પરંતુ 70 વર્ષના વૃદ્ધે સ્કૂટી પર 7000 કિમીનો દક્ષિણ ભારતનો સફળ પ્રવાસ 30 દિવસમાં પૂર્ણ કર્યો છે. 10 ડિગ્રી કડકડતી ઠંડી અને ભારે વરસાદમાં પણ સ્કૂટી ચલાવતા કિરિભાઈ પરીખને ક્યાંય થાક લાગ્યો નહીં અને તેમની સ્કૂટીમાં પણ પંચર થયુ ન હતું. કિરિટભાઈએ જણાવ્યું કે, રોજના માત્ર 30 કિ.મી.ઝડપે 200થી 225 કિ.મી.નો રોજ પ્રવાસ કરી જે તે મંદિર, મઠ કે ટોલ પ્લાઝામાં આશરો લઇ બરાબર એક મહિનામાં કુલ 7000 કિમીનો સ્કૂટીનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો. દક્ષિણ ભારતના મદુરાઇ મિનાક્ષી મંદિર, રામેશ્વર, અનંતપૂરમ, તિરૂપતિ પદ્માવતી મંદિરના દર્શન કરી રીટર્નમાં બેંગ્લોર ઇસ્કોન મંદિર સહિતના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે સૂરતવાળા રસ્તે થઇ અમદાવાદ પરત આવ્યો હતો.
દ્વારકાધીશના સાનિધ્યમાં દક્ષિણ ભારતના પ્રવાસે નીકળ્યો
કિરિટભાઈએ જણાવ્યું કે, પાલિતાણા તાલુકા પંચાયતમાં સરકારી નોકરી પુરી કર્યા બાદ હાલ નિવૃત જીવન ગાળી રહ્યોં છુ. મેં અને મારા બોપલ અમદાવાદના મિત્ર જોશી સાથે પગપાળા સમગ્ર દક્ષિણ ભારતનો પ્રવાસ કરવાનું મનોમન વિચાર્યું હતુ. પરંતુ એમને પગમાં તકલીફ થતાં હું 9મી ડિસેમ્બરે મારી સ્કૂટીમાં પેટ્રોલ પુરાવી ઘેરથી દક્ષિણ ભારતનો પ્રવાસ કરવા નિકળ્યો હતો. પ્રથમ રાત્રી વડોદરામાં રોકાણ કર્યા બાદ મેં બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરી દ્વારકાધીશના સાનિધ્યમાં રાત્રી રોકાણ કરી દક્ષિણ ભારતના પ્રવાસની શરૂઆત કરી.
જ્યારે ગાયે સ્કૂટી પાડી દેતા બ્રેકનું હેન્ડલ તૂટી ગયું…
લાયસન્સ કે સ્કૂટીના કોઇપણ જાતના કાગળ લીધા વિના દ્રઢ મનોબળ સાથે નિકળવાથી 70 વર્ષની વયે મને બિલ્કુલ થાક લાગ્યો નહીં અને એક મહિનાના 7000 કિ.મી.ના પ્રવાસમાં ક્યાંય સ્કૂટીને પક્ચંર સુધ્ધા પડ્યું નહોતુ. ફક્ત એક વખત ગાયે સ્કૂટી પાડી દેતા બ્રેકનું હેન્ડલ તૂટી ગયુ હતુ. મારો ભત્રીજો ભરત પટેલને દક્ષિણ ભારતમાં ગાડી ચલાવવાનો અનુભવ હોઇ રોજ રાત્રે એની સાથે વાત કરી બીજા દિવસનો 200થી 250 કિ.મી.નો રૂટ તૈયાર કરી લેતો હતો.
સુખદ અનુભવ
જ્યાં જ્યાં હું જતો અને લોકો જાણતા કે હું 70 વર્ષની ઉંમરે આ ઠંડીમાં હું ગુજરાતથી સ્કૂટી પર દક્ષિણ ભારતના પ્રવાસે નીકળવાનું જાણતાની સાથે બધા મારી સાથે હોંશે હોંશે ફોટો પડાવતા હતા. ત્યારે એક ગુજરાતી હોવાનો ગર્વનો અનુભવ થતો હતો.
કડવો અનુભવ: એક દારૂડિયાએ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો
ચિરૂચી ગામે પહોંચતા ત્યાં દારૂડીયાઓ અને અસાજિક તત્વોનો ખુબ ત્રાસ હતો. જેમાં એક દારૂડીયાએ મારી સૂટકેસની ચેન ખોલી ચોરી કરવાનો પ્રયત્ન કરતા મેં એને લાત મારી હું ત્યાંથી ભાગીને નજીકના ટોલ પ્લાઝાએ પહોંચીને રાત્રી રોકાણ કર્યું હતુ. અને બેંગ્લોરમાં વરસાદ ખાબકતા પ્રવાસમાં થોડી અડચણ થઇ હતી.
યાદગાર અનુભવ: વાહનના ડોક્યુમેન્ટ ન હોવાથી દંડ ભર્યા
સ્કૂટી પર જ્યારે બેંગ્લોર પહોંચ્યા ત્યારે બાઇક પર જતા આગળ-પાછળ બેઠેલા ચાલકોને હેલ્મેટ પહેરેલા જોઇ ગભરાઇ ગયો હતો. એવામાં પોલિસે પકડ્યોં. વાહનના કાગળીયા, લાયસન્સ કે હેલ્મેટ ન હોવાથી દંડ ભર્યા બાદ ત્યાંથી નવુ હેલ્મેટ ખરીદવુ પડ્યું હતુ.
પ્રવાસ પર જવાની પ્રેરણા ક્યાંથી મળી?
‘દિવાળી પછી હું મારી પત્નિને સ્કૂટીમાં અમદાવાદથી પાટડી જઇ પીપળીધામ રામદેવપીર મંદિરના દર્શન કર્યા બાદ વાયા માલવણ થઇને અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે કુલ 180 કિમીનો પ્રવાસ થયો. ત્યારે મેં મારી પત્ની અને પરિવારના સભ્યોને સમજાવ્યું કે આજે મેં કોઈ થાક કે તકલીફ વગર ડબલ સવારી કરીને એક દિવસમાં 180 કિમીનો પ્રવાસ ખેડ્યો છે. તો મારે આ દક્ષિણ ભારતના પ્રવાસમાં રોજના સીંગલ સવારી 200 કિમી જ સ્કૂટી ચલાવવાનું છે. પછી બધાની સહમતિથી હું આ યાત્રા માટે નીકળ્યો’- કિરિટભાઈ પરીખ
સ્કૂટી પર ઉત્તર ભારતના પ્રવાસે જવાની ઇચ્છા; કિરિટભાઈ
આવતા મહિને મારા એક મુસ્લિમ મિત્રની બાઇક પાછળ બેસીને અજમેર દરગાહના દર્શન કરી પછી માર્ચ માસમાં સ્કૂટી પર આખા ઉત્તર ભારતના પ્રવાસે જવાની દ્રઢ ઇચ્છા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..