સુરત જેવા દોડધામ કરતા શહેરમાં વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. પંખીઓ, પ્રાણીઓ લીલા છમ વૃક્ષો શોધી રહ્યાં છે. જો કે નેચર ક્લબના સ્નેહલ પટેલે ક્રોંકીટના જંગલમાં રહેવાને બદલે ખેતી કરવાની જમીન પર એક જંગલ બનાવ્યું અને એમાં જ રહેવાનું નક્કી કર્યું. આજથી 20 વર્ષ પહેલા સ્નેહલે વૃક્ષો રોપ્યા હતાં, જે આજે ઘટાદાર વૃક્ષમાં પરિણમ્યા છે. ગવિયર પાસે આવેલા ઘરમાં પક્ષીઓ તો રહે જ છે, સાથે ઘાયલ પ્રાણીઓને પણ રાખવામાં આવે છે.
વર્ષમાં વરસાદનું 10 હજાર ડોલ પાણી સંગ્રહ કરવામાં આવે છે
આ ઘરમાં પવનચક્કી અને સોલાર દ્વારા ઉત્પન્ન થતી વિજળીનો વપરાશ કરવામાં આવે છે, એટલું જ નહીં વરસાદના પાણીના સંગ્રહ તેમજ પાણીના રિસાકલિંગ માટે અલગ જ આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસામાં 10 હજારથી વધારે ડોલ પાણી એકત્ર કરવામાં આવે છે, જેને ફિલ્ટર કરીને આખું વર્ષ ઉપયોગમાં લેવાય છે. વેસુ ખાતે આવેલા ઘરમાં રેઇન હર્વેસ્ટીંગ સિસ્ટમ તો ફિટ કરવામાં આવી છે.પણ આ સાથે ઘરના ગાર્ડનમાં એક કૂવો પણ બનાવવામાં આવ્યો છે. ઘરના ફર્સ્ટ ફ્લોર પર લેક બનાવ્યું છે, જેમાં પણ પાણી સ્ટોર કરવામાં આવે છે. આખા ઘરમાં ત્રણ લેયર પધ્ધતિથી પાણીનું ફિલ્ટરેશન કરવામાં આવે છે, બાકી બચેલું પાણી પાઇપ મારફતે જમીનની અંદર પણ પહોંચાડવામાં આવે છે.
20 વર્ષ પહેલાં છોડ વાવેલાં, આજે આખું જંગલ બની ગયું
સ્નેહલ પટેલ કહે છે કે, જંગલ ઓછા થઇ રહ્યાં છે અને પક્ષીઓ જોવા મળતા નથી એટલે વીસ વર્ષ પહેલા મને જંગલ બનાવવાનો વિચાર આવ્યો. એ વખતે છોડ વાવી દીધેલાં તે આજે 20 વર્ષની પ્રતીક્ષા બાદ મને જંગલ મળ્યું છે.
16 હજાર ચોરસ મીટરમાં પથરાયેલું છે મિની ફોરેસ્ટ
જંગલ કુલ 16 હજાર ચોરસ મીટરમાં બનાવવામાં આવ્યું છે. પ્રાણીઓને પાણી મળી રહે તે માટે એક તળાવ પણ બનાવવામાં આવ્યું છે. તળાવમાં માછલીઓ અને કાચબા પણ મુકવામાં આવ્યા છે. નેચર ક્લબ દ્વારા સારવાર માટે લાવવામાં આવતા ઘાયલ પશુ અને પક્ષીઓને કુદરતી વાતાવરણ મળી રહે તે માટે જંગલમાં લાવવામાં આવે છે અને તેની સારવાર કર્યા બાદ તેને છુટા મુકી દેવામાં આવે છે.
જંગલમાં અલગ અલગ 70 પ્રકારના વૃક્ષો અને છોડ
પક્ષીઓ અને અલગ અલગ પ્રાણીઓને ખાવા અને રહેવાની સગવડ સાથે છાયો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. માનવ સર્જિત જંગલમાં અલગ અલગ 70 પ્રકારના વૃક્ષો અને છોડ ઉગાડવામાં આવ્યા છે. જેમાં વડ, પીપળો, લીમડો, ઉમરો અને મહિડા જેવા વૃક્ષો છે. સાથે સાથે ખાવાની વસ્તુઓ મળી રહે તે માટે રાયણ, ફાલસા, ચોર આંબલો જેવા વૃક્ષો ઉગાડાયા છે.
જંગલમાં અનેક પક્ષીઓ રહે છે
માનવ સર્જિત જંગલમાં 40 જાતના પક્ષીઓ અને 30 જાતના પતંગિયાઓ જોવા મળે છે. જ્યારે સિઝન બદલાય ત્યારે પક્ષીઓ અને પતંગિયાઓ પણ બદલાય છે. દરેક સિઝનમાં અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. જેમાં કિંગ ફિશર, કોરમોરન્ટ, જલ કુકડી પોપટ, શાહુડી અને ઘુવડ જેવા પક્ષીઓ જોવા મળે છે…