ગત અઠવાડિયે કેનેડા બોર્ડર પરથી ગુજરાતના પટેલ પરિવારની 4 વ્યક્તિના મૃતદેહ મળ્યા હતા. મૃતદેહ મળ્યા ત્યારે તેમની ઓળખ અંગે શંકા હતી, જે મામલે આજે ભારતીય હાઈ કમિશને કન્ફર્મ કર્યું છે અને એ કલોલના ડિંગુચાના જગદીશ પટેલ અને તેમનાં પત્ની તથા 2 બાળકોના હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ ભારત પરત લાવવા કે કેનેડામાં જ અંતિમસંસ્કાર કરવા એ અંગે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે મૃતદેહ ભારત નહીં લાવવાનો પરિવારે નિર્ણય કર્યો છે.
મૃતદેહના અંતિમસંસ્કાર કેનેડામાં જ થશે
પરિવારના સભ્ય મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા જ પરિવારના જગીદશભાઈ અને તેમની પત્ની તથા 2 બાળકોના મૃતદેહ હોવાનું કન્ફર્મ થયું છે. એ બાદ અમારી અનેક લોકો સાથે ચર્ચા થઈ હતી અને અંતે અમે મૃતદેહ ભારત નહીં લાવવાનો નિર્ણય કર્યો છે. મૃતદેહના અંતિમસંસ્કાર કેનેડામાં જ કરવામાં આવશે.
મૃતદેહ પરત લાવવા 1 કરોડનો ખર્ચ થઈ શકે
ડિંગુચા ગામની જ વ્યક્તિના જણાવ્યા અનુસાર, મૃતદેહ સંપૂર્ણ પણે થીજી ગયો છે, જેને કારણે શરીરમાં કંઈ રહ્યું નહોતું. ઉપરાંત એક મૃતદેહ ભારત પરત લાવવા અંદાજિત 40 લાખ ખર્ચ થઈ શકે છે, એટલે 4 મૃતદેહ માટે 1 કરોડ કરતાં વધુ રકમ થઈ શકે તેમ છે અને પરિવાર માધ્યમવર્ગીય છે. પરિવારની એમ્બેસી સાથે પણ ચર્ચા થઈ હતી, જે બાદ મૃતદેહ પરત નહીં લાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.
કલોલના ડિંગુચા ગામના હતા ચારેય મૃતક
કલોલના ડિંગુચા ગામના બળદેવભાઈ પટેલના પુત્ર જગદીશભાઈ, તેમની પત્ની વૈશાલી, પુત્રી ગોપી અને પુત્ર ધાર્મિક કેનેડા જવા માટે નીકળ્યાં હતાં અને ત્યાં પહોંચી ફોન કરવાનું કહ્યું હતું. જોકે ગેરકાયદે કેનેડાથી અમેરિકા જતી વખતે રસ્તામાં પોતાના ગ્રૂપથી છૂટા પડી જતાં જગદીશભાઈ અને તેમના પરિવારનું માઇનસ 35 ડીગ્રી તાપમાનમાં ભયંકર ઠંડીના કારણે થીજી જવાને કારણે મોત થયું હતું.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતાં થીજી જવાથી મોત
યુએસ-કેનેડા બોર્ડર પર ગત 19 જાન્યુઆરીએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવા જતાં ભારે ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામેલા એક બાળક સહિતની ચારેય વ્યક્તિ ગુજરાતના ડિંગુચા ગામની હોવા અંગેની પુષ્ટિ કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) કરી છે. આ અંગેની માહિતી તેણે ભારતના હાઈ કમિશનને આપી છે.
ભારતીય હાઈકમિશને ચારેય મૃતકો ગુજરાતના હોવાનું જણાવ્યું
ભારતના હાઈકમિશને ગુરવારે આ અંગે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કેનેડાના અધિકારીઓએ ચાર મૃતકના મૃતદેહોની ઓળખ કરી લીધી છે. તેમનાં નામ જગદીશ બળદેવભાઈ પટેલ (ઉંમર-39), વૈશાલીબેન જગદીશકુમાર પટેલ( ઉંમર-37), વિહંગી જગદીશકુમાર પટેલ( ઉંમર-11) અને ધાર્મિક જગદીશ કુમાર પટેલ (ઉંમર-3) છે.
કલોલના પટેલ પરિવાર સાથે એજન્ટે 1.65 કરોડનું સેટિંગ કર્યું હોવાની ચર્ચા
અમેરિકા-કેનેડા બોર્ડર ક્રોસ કરતી વેળાએ ભારે હિમવર્ષાને કારણે બરફના મોતની ચાદરમાં પોઢી ગયેલા કલોલના ડિંગુચા ગામના પટેલ પરિવારના સભ્યોનાં અકાળે મોતના સમાચાર વહેતા થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે ગામમાં વહેતી થયેલી વાતો મુજબ, પટેલ પરિવારે કેનેડાથી અમેરિકા બોર્ડરમાં એન્ટ્રી કર્યા પછી સ્થાનિક એજન્ટને 1 કરોડ 65 લાખ ચૂકવવાનું નક્કી કર્યું હતું, એટલે કે અમેરિકા ઊતર્યા પછી જિજ્ઞેશ પટેલ ફોન કરીને જાણ કરવાનો હતો, પરંતુ ફોનની રાહ જોઈને બેઠેલા પરિવારને તેના મોતના સમાચાર મળતાં તેમના પર આભ તૂટી પડયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..