ખેડા-અમદાવાદ બાયપાસ રોડ પર માતર ચોકડી નજીક ટ્રકની ઓવરટેક કરવા જતા ઈકો કાર ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં દુબાઈથી ખંભાત આવતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે પુત્રવધુ, દીકરી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.
પરિવારપુત્રને મળીને પાછો આવતો હતો
ખંભાતના ચોક બજારમાં રહેતા સેવંતીલાલ પટેલ (ઉ.વ. 65) પત્ની સાથે દુબઈમાં રહેતા પુત્ર પાસે ગયા હતા. મંગળવારે સવારે સેવંતીલાલ પટેલ, તેમના પત્ની અંજનાબેન પટેલ (ઉં.વ. 60), પુત્ર હિમાંશુભાઈ (ઉં.વ.40) તેમના પુત્રવધુ અને પૌત્રી દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા.
ખંભાતથી કાર લઈને અમદાવાદ ગયો એક રહીશ
ખંભાતના એક રહીશ ઈકોગાડી નં. GJ-23 AN 5576 લઈ અમદાવાદ એરપોર્ટ લેવા ગયા હતા. પરિવાર ઘરે પરત જવાની ખુશીમાં હતો. દરમિયાન ખેડા-અમદાવાદ રોડ પર માતર ચોકડી નજીક આગળ જઈ રહેલી ટ્રકને ઓવરટેક કરવા જતા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે સેવંતીલાલ પટેલ, હિમાંશુ પટેલ, અંજનાબેન પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રવધુ, દીકરી અને કારચાલકનો આબાદ બચાવ થયો હતો.