પિતા વગરની દીકરીઓના લગ્ન કરવા માટે જાણીતા ઉદ્યોગપતિ આ વર્ષે ફરી 261 દીકરીઓને આ વર્ષે પ્રભુતામાં પગલાં પડાવશે. આ 261 દીકરીઓમાં છ મુસ્લિમ અને બે ખ્રિસ્તી પરિવારની છે. આ તમામ દીકરીઓ સુરત અને તાપી જિલ્લાની છે. આ સાથે તેમનો પરિવાર 2123 દીકરી પરથી વધીને સીધો 2384 દીકરીઓનો થશે. લગ્નના મુખ્ય મહેમાનોમાં હાલ સાધ્વી ઋતંભરા માતાજી અને મનિન્દરસિંઘ બિટ્ટાએ આમંત્રણ સ્વીકારી લીધું છે. જ્યારે બીજા મહેમાનોને આમંત્રણ મોકલાઈ રહ્યાં બાદ આખરી યાદી તૈયાર કરાશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બટુકભાઈ મોવલીયા પરિવાર મહેશભાઈનો સાથ આપશે.
દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર…આ ભજનો સાંભળી દરેક દીકરીનો પિતા ભાવવિભોર થાય છે. આવા જ એક પિતા સુરતના મહેશભાઈ સવાણી છે, જેમને ભૂમિ ખૂબ લાડકી છે. આથી આ વર્ષે તેમણે દત્તક લીધેલી 261 દીકરીઓના લગ્નનો થીમ ભૂમિના ફોટા સાથે લીધો છે. 261 દીકરીઓના પરિવારમાં દીકરી દીઠ સો પાસ અપાશે. આથી દીકરી-દીકરાઓના પરિવારના 52,200 વ્યક્તિઓ, સવાણી પરિવારના 10,000 અને સ્વયંસેવક 2000 પરિવાર સાથે એક લાખ જેટલાં લોકો લગ્નમાં મહાલશે.
આ બે હજાર સ્વયંસેવકો દીકરીઓને મહેંદી મુકાવવાથી માંડી જમવાથી માંડી તમામ જરૂરતો માટે લગ્ન સંપન્ન થાય ત્યાં સુધી કામગીરી સંભાળશે. દરેક દીકરીને બ્યુટીપાર્લરના પાસ અપાયા છે. તેમની સાતે દીકરીની બહેન અને ભાભીને મહેંદી મુકાવી અપાશે. આથી મહેંદી મુકાવનારા 783 અને બીજા પરિવારના મળી બે હજાર જેટલાં થશે. દરેક દીકરીની કંકોત્રી તેમના પરિવારના રિવાજ મુજબ બનાવી છે. એક કપલ દીઠ 10 ડાઈનિંગ ટેબલ લગાવાશે. દરેક દીકરી દીઠ પાંચ સ્વયંસેવક ખડેપગે રહેશે. આ સ્વયંસેવકોમાં અગાઉ લગ્ન થયા હોય તેવી દીકરીઓ રહેશે, જેથી લગ્ન કરનાર દીકરીને કોઈપણ પ્રકારનું માર્ગદર્શન જોઈતું હોય તો મળી રહે.
વિવાહના 5 ફેરાથી 2012માં શરૂઆત કરી
સુરતના પી.પી.સવાણી ગ્રુપ દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી નાતજાતના ભેદભાવ વગર પારકી દીકરીઓને પોતાની સમજી લગ્ન કરાવાય છે. વિવાહના પાંચ ફેરાથી સન 2012માં દીકરીઓના લગ્ન કરાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના અને દીકરી દિલનો દીવો જેવા પ્રસંગો સાકાર કરાયા. 2017માં પારેવડી થીમ અપાયું અને હવે લાડકડી અપાયું છે. ગયા વર્ષે 251 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. અત્યાર સુધીમાં 2123 દીકરીઓ દત્તક લીધી છે. – મહેશભાઈ સવાણી, આયોજક