મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કેણપુર ગામની હાઇસ્કૂલમાં ધ્વજવંદન કરતી વખતે થાંભલો ઉંચો કરવા જતા કરંટ લાગતા બે વિદ્યાર્થીના મોત નીપજ્યા છે. બંને વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બે વિદ્યાર્થીના મોતને પગલે પરિવારજનો અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાઇસ્કૂલની બેદરકારીને કારણે બે વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
જીવંત વીજ વાયરોએ વિદ્યાર્થીઓનો ભોગ લીધો
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કેણપુર ગામની હાઈસ્કૂલમાં આજે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો-10માં અભ્યાસ કરતા દીપક અભેસિંહ રણા(15) અને ગણપત નાથાભાઇ વડવઇ(15) નામના બે વિદ્યાર્થીઓને ધ્વજવંદન માટે લોખંડની પાઇપ ઊભી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બંને વિદ્યાર્થીઓ લોખંડની પાઇપ ઉભી કરવા ગયા હતા. જોકે માધ્યમિક હાઈસ્કૂલની બિલ્ડીંગ પરથી પસાર થતાં જીવંત વાયરો સાથે થાંભલો અડી જતા બંને વિદ્યાર્થીના કરંટ લાગવાથી મોત થયા હતા.
બંને વિદ્યાર્થી પેટ અને હાથના ભાગે દાઝી ગયા હતા
વીજ કરંટ લાગવાને કારણે બંને વિદ્યાર્થીઓ પેટ અને હાથના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી સ્થળ પર બંનેના મોત નીપજ્યા હતા. બંનેના મૃતદેહને સંતરામપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
હાઇસ્કૂલની બેદકરકારી સામે આવી
વરસતા વરસાદમાં વિદ્યાર્થીઓને લોખંડનો થાંભલો ઊંચો કરવાનું કહેવામાં આવ્યું હતું. જેથી કેણપુર હાઈસ્કૂલની બેદરકારીને કારણે બે વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના દિવસે જ બંને બાળકોના મોતને પગલે ગામમાં ખુશીના બદલે ગમનો માહોલ છવાઇ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.