એક દિવસમાં 10,000 યુગલોના સમૂહ લગ્ન કોઇ નાની-અમથી વાત નથી અને ઉપરથી દરેક કન્યાના ખાતામાં રૂ. 35000ની રકમ જમા કરાવવી કોઇ ખાવાના ખેલ નથી. દરેક યુગલના લગ્ન આયોજન માટે રૂ.6000ની વ્યવસ્થા તો દરેક યુગલને આપવામાં આવતી સામગ્રી પર રૂ.10,000નો ખર્ચ અને કુલ મળીને રૂ.51 કરોડનો ખર્ચ…! તમે વિચારતા હશો કે, આ કોઇ ધનવાન વ્યક્તિએ કામ કર્યું હશે, પણ નહીં. આ કામ કોઇ અમિર વ્યક્તિએ નહીં પણ આ કામ કર્યું છે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ સરકારે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે 9 ફેબ્રુઆરી 2019ના એક જ દિવસમાં 10,000 યુગલોના સમૂહલગ્નનું આયોજન કર્યું હતુ. યોગી સરકારે સમાજ કલ્યાણ વિભાગ તરફથી આ કામ કર્યું. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, માત્ર લગ્ન જ નહીં આ તમામ યુગલોના ખાતામાં રૂ.35,000 પણ આપવમાં આવ્યા છે. તેમણે વધુ જણાવ્યું કે, પહેલાં એક યુગલ પર રૂ.35,000 ખર્ચ કરવામાં આવતા હતા, જ્યારે હવે વધારીને રૂ.51,000 કરવામાં આવ્યા છે. યુગલોને ગિફ્ટ પણ આપવામાં આવે છે. પ્રતિ એક યુગલને ગિફ્ટ પાછળનું બજેટ રૂ.10,000 છે. આ ઉપરાંત આ અવસર પર ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ બધુ કામ ઉત્તરપ્રદેશ સરકારના સમાજ કલ્યાણ વિભાગની દેખરેખમાં થાય છે.
સમૂહલગ્ન માટે રૂ.250 કરોડનું બજેટ:
ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા મુજબ આ યોજના હેઠળ વર્ષ 2018-19માં સમૂહલગ્ન માટે રૂ.250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 34 હજારથી વધુ યુગલોના લગ્ન આ યોજના હેઠળ પૂર્ણ કરવામાં આવ્યા છે અને આ પ્રયાસ સતત ચાલુ રહેશે, પરંતુ જ્યારે ઓછામાં ઓછા 10 યુગલો ઉપલબ્ધ હોય ત્યારે સમૂહલગ્ન ગોઠવાય છે. સમૂહલગ્નની ગોઠવણી માટે 10 યુગલો જરૂરી છે.
સમૂહલગ્નમાં લાભ લેવાની શરતો:
ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, રૂ. 2 લાખ સુધીની વાર્ષિક આવક વાળા તમામ પરિવારો સમૂહલગ્ન યોજનામાં જોડાઈ શકે છે. સમૂહલગ્નમાં જોડાવા માટે પંચાયત, જીલ્લા પંચાયત, નગર પંચાયત, મ્યુનિસિપલ કાઉન્સિલ અને મ્યુનિસિપલ સ્તરે નોંધણી કરાવવી જરૂરી છે.
સમૂહલગ્નની વિશેષતા:
રાજ્ય સરકાર અનુસાર સમૂહલગ્ન ધર્મનિરપેક્ષતા અને જાતિવાદને દુર કરે છે. અહીં તમામ સમુદાય અને ધર્મોના રીત-રિવાજ અનુસાર વ્યવસ્થા ગોઠવાય છે. વિધવા, છૂટાછેડા લીધેલાને પુન:લગ્નની અલગથી ગોઠવણ થાય છે. દહેજ અને કલંકથી મુક્તિ મળે છે લગ્ન પ્રસંગમાં થતા બિનજરૂરી ખર્ચને રોકી શકાય છે.